Abtak Media Google News

 બેન્કના 20 ખાતેદારની બોગસ સહી કરી ચેક પોતાના એકાઉન્ટમાં જમા કરાવી કૌભાંડ આચર્યુર્ં: તમામ ખાતેદારના એકાઉન્ટમાં વ્યાજ સાથે પુરેપરી રકમ ભરપાય કરી દીધા

ધોરાજીના વડોદર ગામની જિલ્લા બેન્કના કેશીયરે 20 જેટલા ખાતેદારની બોગસ સહી કરી ચેક પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં રૂા.71.43 લાખની હંગામી ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બેન્કના કેશીયરની ધરપકડ કરી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના અભિષેકનગરમાં રહેતા અને ધોરાજી જિલ્લા બેન્કના મેઇન શાખામાં ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ રાદડીયાએ વડોદર ગામની શાખામાં કેશિયર તરીકે ફરજ બજાવતા ધોરાજીના વિકાશ રતિલાલ લાખાણી સામે રૂા.71.43 લાખની હંગામી ઉચાપત કર્યાની પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિકાશ લાખાણી વડોદરની જિલ્લા બેન્કમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે તેઓએ ગત તા 29 ડીસેમ્બરથી તા.14 જુન દરમિયાન જુદા જુદા 20 જેટલા બેન્ક ખાતેદારની બોગસ સહી કરી રૂા.71.43 લાખની ઉચાપત કર્યાનું બેન્કના ઓડીટ દરમિયાન ધ્યાને આવ્યું હતું.જેમાં વડોદર બેન્કમાં એકાઉન્ટ ધરાવતા ખીમાભાઇના રૂા.12 લાખ, અશ્ર્વિનભાઇ અને તેમના પત્ની મનિષાબેનના જોઇન્ટ એકાઉન્ટમાંથી રૂા.8 લાખ, જીવુભા બળવંતસિંહ વાઘેલાના રૂા.2 લાખ, પ્રફુલભાઇ લાખાણીના રૂા.1 લાખ, પ્રફુલભાઇ દાવડાના રૂા.4.50 લાખ, મેરામભાઇ છૈયાના રૂા.2.50 લાખ, પેથલજીભાઇ મિયાત્રાના રૂા.8 લાખ, ગાંડુભાઇ લાખાણીના રૂા.2 લાખ, જયાબેન રૂદાણી અને તેમના પતિ કાનજીભાઇ રૂદાણીના જોન્ટ એકાઉન્ટમાંથી રૂા.5.50 લાખ, વિજયભાઇ સાવલીયાના રૂા.3 લાખ, વિઠ્ઠલભાઇ લાખાણીના રૂા.2.50 લાખ, મનસુખભાઇ મયૈડના રૂા.1.23 લાખ, પરસોતમભાઇ રૂડાણીના રૂા.80 હજાર, ભાવેશ લાવડીયાના રૂા.2 લાખ, પ્રતાપસિંહ વાઘેલા અને અશોકસિંહ વાઘેલાના રૂા.5 લાખ, ભનુભાઇ દેસાઇના રૂા.35 હજાર, પરસોતમભાઇ ટાંકના રૂા.2 લાખ, મગનભાઇ પાચાણીના રૂા.7 લાખ, હમીરભાઇ ડાંગરના રૂા.1 લાખ અને દિનેશભાઇ વિરડાના રૂા.1 લાખ બોગસ સહીના આધારે બારોબાર ઉપાડી લીધાનું ઓડીટ દરમિયાન બહાર આવ્યું છે.

વડોદરની જિલ્લા બેન્કના કેશિયરે 20 જેટલા ખાતાધારકના જુદા જુદા બહાના હેઠળ ચેકમાં સહી કરવાની પોતાની પાસે લઇ લીધા બાદ તેઓ દ્વારા બેન્કમાં નાણા જમા કરાવે ત્યારે સ્લીપમાં સહી-સક્કો લગાવી દેતો પરંતુ બેન્કમાં રકમ જમા ન કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

બેન્ક દ્વારા ઓડીટ કરવામાં આવતા વિકાશ લાખાણીએ રૂા.71.43 લાખની ઉચાપત કર્યાનું બહાર આવતા તેને બેન્કના એકાઉન્ટમાં પુરેપુરી રકમ વ્યાજ સાથે તમામ ખાતેદારને જમા આપી દીધી હતી. બેન્કના નાણા અંગત ઉપયોગમાં વાપર્યા હોવાથી તેની સામે હંગામી ઉપાચત અંગેનો પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પી.એસ.આઇ. જી.જે.ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

બેન્ક ઓડીટમાં કેશિયરનો ભાંડો ફુટયો

વડોદર ગામની જિલ્લા બેન્કના કેશિયરે જુદા જુદા 20 જેટલા ખાતેદારના રૂા.71.43 લાખની રકમની ઉચાપત કરી અંગત ઉપયોગમાં વાપરી નાખ્યાની પાંચેક માસ પહેલાં ફરિયાદ ઉઠતા વડોદરની જિલ્લા બેન્કના મેનેજર રાજુભાઇ રાવલે ધોરાજી મેઇન શાખાના ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ રાદડીયાને જાણ કરતા બેન્કની વિઝીલન્સના મેનેજર મગનભાઇ કાછડયા, કે.બી.રામોલીયા અને એમ.એલ.નરોડીયા દ્વારા ઓડીટ તપાસ કરતા કેશિયર વિકાસ લાખાણીએ ઉચાપત કર્યાનું બહાર આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.