Abtak Media Google News

ટેસ્ટ મેચમાં 36 વર્ષ બાદ ફાસ્ટ બોલર કરશે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ

કોરોના સંક્રમણ સામે ઝઝૂમી રહેલા રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામે આજથી શરૂ થઈ રહેલી બર્મિંગહામ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને જસપ્રીત બુમરાહ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. બુમરાહ તેની કારકિર્દીમાં પ્રથમ વખત ટીમનું નેતૃત્વ કરશે. બુધવારે રોહિતનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. ગુરૂવારે તેની ફરીથી તપાસ કરવામાં આવશે. આ પહેલા હાર્દિક પંડ્યાને ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયાનું સુકાન અપાયું હતું. જેણે સીરીઝમાં વિજય અપાવ્યો હતો.

કપિલ દેવ બાદ બુમરાહ ભારતનો બીજો ફાસ્ટર કેપ્ટન હશે. કપિલે છેલ્લે સપ્ટેમ્બર 1986 માં ટેસ્ટ ક્રિકેટમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી. એટલે કે 36 વર્ષ પછી કોઈ ફાસ્ટર ટેસ્ટ ક્રિકેટમાં ટીમની કમાન સંભાળશે. આ ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડના છેલ્લા પ્રવાસ પર રમાવાની હતી, પરંતુ ત્યારે 4 ટેસ્ટ બાદ ત્યાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો. અને તેને મુલતવી રાખવી પડી. હવે તેનું આયોજન આજથી થઈ રહ્યું છે.

લિસ્ટરશર સામેની ચાર દિવસીય પ્રેક્ટિસ મેચ દરમિયાન રોહિત શર્માને સંક્રમણ થયું હતુ. તે મેચમાં તે ભારતની પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરવા પણ આવ્યો હતો. ત્યારબાદ તેણે 25 રન બનાવ્યા હતા. આ પછી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તે મેચમાંથી દુર થઈ ગયો.ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થતા પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે, તે ઝડપથી સ્વસ્થ થઈ ગયો છે અને ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમ સાથે પણ જોડાઈ ગયો છે. બુધવારે રોહિત શર્માનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે ગુરુવારે તેનો ફરી ટેસ્ટ કરવામાં આવશે.

રોહિત શર્મા માત્ર ટીમનો કેપ્ટન જ નથી પરંતુ તે ઓપનર પણ છે. ઈગ્લિશ કંડીશનમાં ઓપનિંગ કરવું ખૂબ જ પડકારજનક છે હોય છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થયો છે કે શુભમન ગિલ સાથે કોણ ઓપનિંગ કરશે? આ માટે ભારત પાસે ત્રણ વિકલ્પ છે. પહેલો વિકલ્પ મયંક અગ્રવાલ છે. રોહિતને કોરોના થયા બાદ મયંકને તરત જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજો વિકલ્પ કેએસ ભરત છે. લિસ્ટરશર સામે ભરતે પ્રેક્ટિસ મેચમાં સારી બેટિંગ કરી હતી અને ભારતની પ્રથમ ઇનિંગમાં 70 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા ત્રીજો વિકલ્પ બની શકે છે. પૂજારા નંબર 3 પર બેટિંગ કરી રહ્યો છે અને તે ઓપનિંગ કરવામાં સક્ષમ છે. પૂજારાએ પહેલા પણ ભારત માટે 6 વખત ઇનિંગ્સની શરૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.