Abtak Media Google News

ગત વર્ષે આ સમયગાળાની તુલનામાં આ વર્ષે નિગમને 5.95 કરોડની વધુની આવક થવા પામી છે જુનાગઢમાં 73,670, ભાવનગરમાં 72,259, રાજકોટમાં 70,720, અમરેલીમાં 67,330 ટિકિટ બુક

એસ.ટી બસ પૂરબહારમાં દોડી રહી છે. ઓગષ્ટ મહિનામાં જ 14.21 કરોડની જંગી આવક રાજ્ય એસ.ટી નિગમને થવા પામી છે.રાજ્યના એસ.ટી.નિગમને આવકની દ્રષ્ટિએ ઓગષ્ટ માસના તહેવારો સારા એવા ફળ્યા છે.

તા.20 ઓગષ્ટ સુધીના 10 દિવસોમાં 7.34 લાખથી વધુ ટિકિટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું. જેના થકી નિગમને 14.21 કરોડથી વધુની આવક થવા પામી હતી. ગત વર્ષે આ સમયગાળાની તુલનામાં આ વર્ષે નિગમને 5.95 કરોડની વધુની આવક થવા પામી છે.

શ્રાવણ માસ તહેવારોનો મહિનો છે, રક્ષાબંધન, સ્વાતંત્ર્ય દિન, નાગ પાંચમ, સાતમ, આઠમ, નોમ  સહિતના તહેવારો ઉપરાછાપરી આવ્યા.  અનેક વ્રતો આવ્યા. આ દિવસોમાં લોકો ધાર્મિક પ્રવાસ કરતા હોય છે. સગા વહાલાને ઘરે , વતનમાં કુંટુંબ સાથે, તિર્થ સ્થાને તેમજ સહપરિવાર નજીકના પ્રવાસન સ્થળોએ ફરવા જવાનું આયોજન લગભગ તમામ પરિવારોનું હોય છે.

તહેવારોની આ સિઝનમાં એસ.ટી.નિગમે એકસ્ટ્રા સંચાલન કરીને સારી એવી આવક મેળવી છે. કોરોનાકાળ પછી આ વર્ષે ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળ્યા છે. વિવિધ બસ સ્ટેન્ડો પર હજારોની સંખ્યામાં મુસાફરો જોવા મળ્યા હતા.બસોના સંચાલન માટે વિશેષ સ્ટાફ તૈનાત કરવા, 24 કલાકનું સંચાલન ચાલુ રાખવાની ફરજ પડી હતી. લોકોએ બસમાં સીટ ક્ધફર્મ કરવા માટે મુસાફરોએ આ વર્ષે એડવાન્સમાં ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. તા.10 ઓગષ્ટથી 20 ઓગષ્ટ સુધીમાં 7,34,428 સીટોનું મુસાફરોએ રિઝર્વેશન કરાવ્યું હતું.

જેના થકી નિગમને 14,21,28,473 રૂપિયાની જંગી આવક થવા પામી હતી. જન્માષ્ટમીમાં અમદાવાદ, ભાવનગર, સુરત સહિતના રૂટો પર 35 એક્સ્ટ્રા બસો દોડાવાઈ હતી. પાંચમથી સાતમ સુધી બસમાં ભારે ભીડ રહી. આઠમના દિવસે ભીડમાં થોડો ઘટાડો થયો. ત્રણ દિવસમાં જ સવા કરોડની આવક થઇ છે. જે ગત વર્ષ કરતા અંદાજે 20 લાખ વધુ છે, હજુ નોમ અને દશમના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો એસટી બસનો લાભ લેશે. સ્લીપર બસો 22મી સુધી હાઉસફૂલ છે. જ્યારે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મેળાને લઇ લોકોની ભીડ થતી હોવાથી ઓખા-ભાવનગર અને રાજકોટ-ઓખા સ્પેશિયલમાં બબ્બે વધારાના કોચ જોડાયા હતા તો ઓખાથી અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ પણ ચલાવવામાં આવી હતી.

3.25 લાખ ટિકિટનું ઓનલાઇન બુકીંગ

મોબાઇલના જમાનામાં 3,25,080 ટિકિટોનું રિઝર્વેશન મુસાફરોએ મોબાઇલ થકી કરાવ્યું હતું. જેના  થકી  નિગમને  5,97,30,237 રૂપિયાની આવક થઇ હતી. સામે કોઇપણ જાતની રઝળપાટ વગર , લાઇનમાં ઉભા રહ્યા વગર કે સમય બગાડયા વગર જ મુસાફરોએ આંગળીને ટેરવે તેમની ટિકિટ રિઝર્વેશન કરાવી લીધી હતી.

રાજકોટ એસ.ટી ડિવીઝનને દોઢ કરોડની આવક

જન્માષ્ટમીમાં પાંચ દિવસનું મીની વેકેશન અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેળાઓને લીધે આ વખતે એસટી બસો હાઉસફૂલ રહી હતી. ત્રણ દિવસમાં જ રાજકોટ એસટી ડિવિઝનને સવા કરોડની આવક થઇ હતી તો રેલવે વિભાગે સ્પેશિય ટ્રેનો પણ દોડાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.