Abtak Media Google News
  • માંડવી હોસ્પિટલમાં દાખલ સંબંધીના ખબર અંતર પૂછવા જતા એક જ પરિવારના ચાર સભ્યો ગોઝારા અકસ્માતમાં કાળનો કોળીયો બન્યાં
  • અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો: હાઇ-વે પર ટ્રાફિક જામ થયો

નખત્રાણા-માંડવી હાઇવે પર ગત મોડીરાતે રોડ પર ઉભેલા બંધ ટ્રક પાછળ કાર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની ચાર વ્યક્તિઓ કાળનો કોળીયો બની જતા નખત્રાણાના બાવાજી પરિવારમાં કરૂણાંતિકા સાથે ગમગીની છવાઇ છે.

નખત્રાણાના બાવાજી પરિવારના સંબંધી માંડવી હોસ્પિટલમાં દાખલ હોવાથી તેમના ખબર અંતર પૂછવા માટે કારમાં નીકળ્યા બાદ કાર નખત્રાણાથી થોડે દુર ધાવડા અને દેવપર નજીક પહોચી ત્યારે રસ્તા પર બંધ ઉભેલો ટ્રક કાર ચાલકના ધ્યાને ન આવતા કાર ધડાકાભેર ટ્રક પાછળ ઘુસી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો હતો અને હાઇ-વે પર ટ્રાફિક જામ થઇ જતા પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

નખત્રાણા ગામે પરેશભારથી બચુભારથી ગૌસ્વામીના સંબંધીને માંડવી હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાથી ગતરાતે પરિવાર સાથે માંડવી જવા નીકળ્યા હતા ત્યારે દાવડા અને દેવપર વચ્ચે ટ્રક પાછળ કાર અથડાતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં ઘટના સ્થળે જ પરેશભારથી બચુભારથી ગૌસ્વામી, સંગીતાબેન ચેતનભારથી ગૌસ્વામી, તેમના ત્રણ વર્ષના પુત્ર મન અને સંગીતાબેનના સાસુ કસ્તુરીબેન દિનેશભારતી ગૌસ્વામીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

જીવલેણ અકસ્માતના બનાવની પોલીસને જાણ થતા પી.એસ.આઇ. બી.એમ.ચૌધરી સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ચારેય મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે નખાત્રાણાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના કારણે કાર ભાંગીને ભુકો થઇ ગઇ હતી. પોલીસે ક્રેઇનની મદદથી ટ્રક પાછળથી બહાર કાઢી હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન ટ્રક રસ્તા પર ઉભો હતો તે કાર ચાલકના ધ્યાને ન આવતા અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતના કારણે હાઇવે પર થયેલા ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.