Abtak Media Google News

સરકાર દ્વારા માર્કેટીંગમા હસ્તકલા મેળામાં સ્થાન અપાતા વેચાણ ને મળ્યો ટેકો

અબતક,વારીશ પટ્ટણી, ભૂજ

“પેડ વુમન”એ કચ્છમાં પ્રથમ વાર સ્વસહાય જૂથ સ્થાપીને સેનેટરી નેપકીન બનાવવાનું સ્ટાર્ટ-અપ ઉભું કર્યું છે. જેના માધ્યમથી 8 મહિલાઓ  પગભર બની છે. ઉપરાંત કચ્છના ગામડા, શાળા, કોલેજ વગેરે જગ્યાએ પિરિયડસમાં સ્વચ્છતા તથા સેનેટરી નેપકીનનો ઉપયોગ કરવો કેટલો હિતાવહ છે તે અંગે પણ જાગૃતિનું કામ કરી રહી છે. આ કામગીરીમાં સરકાર દ્વારા ખરીદી સાથે માર્કેટીંગ પ્લેટફોર્મની સહાય આપવામાં આવતી હોવાથી આ મહિલાઓના સાહસને મજબુત પીઠબળ મળ્યું છે.

તાજેતરમાં ભુજ હાટ ખાતે હસ્તકલા મેળામાં વેંચાણ માટે આવેલા “સહેલી સ્વસહાય જૂથ- મુંદરા”ના ચેતનાબેન પટેલ અને મયુરીબેન પટેલ સમગ્ર સ્ટાર્ટ-અપ વિશે જણાવે છે કે, પિરિયડસને લઇને ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ અનેક મહિલાઓ કેટલીક માન્યતાઓને વશ થઈને કાપડનો જ વપરાશ કરવો યોગ્ય છે તેવા વિચાર સાથે જીવી રહી છે. જેના કારણે તેઓ અનેક રોગોનો ભોગ બને છે. આજના બદલાતા યુગમાં આ મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા સાથે તેઓ પગભર બને તે પણ જરૂરી છે. તેથી સામાજિક સંસ્થાની સહાયથી કંઇક અલગ ઉદ્યોગ સ્થાપવાના નિર્ધારથી સેનેટરી નેપકીન બનાવવાની કામગીરી એક વર્ષ પહેલા આરંભી હતી. હાલ આ ગૃહઉદ્યોગ સાથે 8 મહિલાઓ જોડાઇને પગભર બની  છે. ઉપરાંત સમાજમાં માસિક ધર્મના  વણસ્પર્શ્યા રહેલા મુદાને લઇને જાગૃતિ પણ ફેલાવી રહી છે.

ચેતનાબેન ઉમેરે છે કે,  સેનેટરી પેડ બનાવવા માટે અમે એક માસની તાલીમ લીધી હતી.  હાલ બજારમાં જે મોંઘા ભાવના સેનેટરી પેડ મળે છે તેની સાપેક્ષે અમે જે નેપકીન બનાવી છીએ તે 10 થી 15 રૂપિયા સસ્તા છે. 5 પીસ સાથેનું પેકેટ માત્ર રૂ. 20માં અમે બહેનોને ઉપલબ્ધ કરાવીએ છીએ.

તેઓ ઉમેરે છે કે, આ સ્ટાર્ટ-અપમાં હાલ એક મશીનની મદદથી કામ કરાઇ રહ્યું છે. જેમાં દર 10 સેક્ધડે 6 પીસ બની શકે છે. આ કામ સાથે જોડાયેલી બહેનો દર માસે 5 હજારથી વધુની કમાણી કરી રહી છે. હાલ સરકારી હોસ્ટેલ, શાળા સહિતના ઓર્ડર મળતા હોવાથી ખુબ જ સારુ વેચાણ થઇ રહયું છે. તાજેતરમાં જ કચ્છની સરકારી હોસ્ટેલમાં 28 હજાર સેનેટરી નેપકીનનો ઓર્ડર પૂર્ણ કરવામાં આવ્યો છે. વધુ 1 લાખ પેડનો ઓર્ડર મળ્યો છે. આમ, વધતા જતાં કામના કારણે વધુ એક મશીન ખરીદવાની વિચારણા છે જેથી વધુ બહેનો આ કામ સાથે જોડાઇ શકે તેમજ માંગને આસાનીથી પહોંચી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.