Abtak Media Google News

સેન્સેક્સમાં 1200થી વધુ અને નિફટીમાં 320 પોઈન્ટથી વધુના કડાકા બાદ નીચા મથાળે લેવાલીથી રિકવરી: રૂપિયો ડોલર સામે 31 પૈસા નબળો

ભારતીય શેરબજારમાં ચાલી આવતી તેજી પર આજે બ્રેક લાગી જવા પામી છે. આજે ઉઘડતી બજારે સેન્સેક્સ અને નિફ્ટી ઉંધા માથે પટકાયા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનું જોરદાર ધોવાણ થઇ ગયું હતું. અચાનક મંદીનો પવન ફૂંકાતા રોકાણકારો સ્તબ્ધ થઇ ગયા હતા. જો કે, તોતિંગ કડાકા બાદ બજારમાં જબ્બર રિકવરી જોવા મળી હતી. એક તબક્કે સેન્સેક્સ અને નિફટી ગ્રીનઝોનમાં આવી ગયા હતા.

સપ્તાહના આરંભથી ભારતીય શેરબજારમાં જોવા મળતી તેજીને આજે અચાનક બ્રેક લાગી જવા પામી હતી. ઉઘડતી બજારે મુંબઇ શેરબજારના આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સમાં 1200 પોઇન્ટથી વધુનો જ્યારે નિફ્ટીમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સે 60 હજારની સપાટી તોડી હતી અને 59417.12ની સપાટી સુધી નીચે સરકી ગયો હતો. જો કે સોલીડ રિક્વરી આવતા ફરી સેન્સેક્સ 60649.04ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવા પામ્યો હતો. જ્યારે નિફ્ટીએ આજે ઇન્ટ્રાડેમાં 18 હજારની સપાટી તોડી હતી અને 17771.15ની સપાટી સુધી નીચે સરકી જવા પામી હતી. રિક્વરી નોંધાતા ફરી 18091.55ના લેવલે પહોંચી જવા પામી હતી. આજના તેજી-મંદીમાં અંબુજા સિમેન્ટ, ઇન્ડીયા સિમેન્ટ, બજાજ ફિન સર્વ, એસીસી અને અદાણી પોર્ટ જેવી કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઇન્ફોસીસ, કોફોર્ડ લીમીટેડ, ટેક મહિન્દ્રા, એલએન્ડટી ઇન્ફોટેક સહિતની કં5નીના ભાવો તૂટ્યા હતાં.  આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 122 પોઇન્ટના ઘટાડા સાથે 60449 અને નિફ્ટી 40 પોઇન્ટના ઘટાડા સાથે 18028 પર કામકાજ કરી રહ્યા છે.જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 31 પૈસાના ઘટાડા સાથે 79.46 પર ટ્રેડ કરી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.