Abtak Media Google News
  • ગુજરાત યુનિર્વસિટી પાસે એસ્પાયર-2 નામની નવી બંધાતી બિલ્ડીંગના સેન્ટ્રીંગના કામ દરમિયાન લીફ્ટનો માચડો ધરાશાયી થયો
  • ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલાં સાતેય મૃતદેહ અને એક ઇજાગ્રસ્તને બિલ્ડરે હોસ્પિટલ ખસેડવા પ્રયાસ કર્યો
  • ગોધરા પંથકના મજુરો બિલ્ડીંગના આઠમાં માળેથી માલ સામાનની લીફટમાં નીચે આવતા ગોઝારી દુઘર્ટના બની

અમદાવાદ ગુજરાત યુનિર્વસિટી નજીક નવી દસ માળની બંધાતી બિલ્ડીંગના આઠમાં માળેથી માલ સામાનની હેરફેરની લીફટમાં શ્રમજીવીઓ નીચે આવી રહ્યા હતા ત્યારે લીફટનો માચડો તુટતા એક સાથે સાત શ્રમજીવીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાની ગોજારી દુર્ઘટના બનતા ભારે કરૂણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે. સાત મજુરોના મોતની ઘટના અંગેની પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કર્યા વિના જ બિલ્ડર મૃતકોને હોસ્પિટલ ખસેડવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન મિડીયા દ્વારા પોલીસને જાણ કરી મૃતદેહને જેમની તેમ સ્થિતીમાં રાખવાની ફરજ પાડી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના એડીશ ઇન્ફ્રા બિલ્ડ એલએલપી કંપનીના માલિક આશિષ શાહ ભાગીદારો સાથે ગુજરાત યુનિર્વસિટી નજીક એસ્પાયર-2 નામની દસ માળની બિલ્ડીંગ બનાવી રહ્યા છે. એસ્પાયર બહુમાલી બિલ્ડીંગમાં મોટી સંખ્યામાં દાહોદ અને ગોધરા પંથકના શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે.

Img 20220914 134137

સવારે દસેક વાગે બિલ્ડીગના આઠમા માળે કામ કરી રહેલા આઠ જેટલા શ્રમજીવીઓ માલ-સામાનની હેરફેરના ઉપયોગમાં આવતી લીફ્ટ દ્વારા નીચે ઉતરી રહ્યા હતા ત્યારે અચાનક જ લીફટના લાકડાનો ટેકો તુટી પડતા માલ સામાનની ખુલ્લી લીફટમાંથી મજુરો ફંગોળાયા હતા અને આઠ માળેથી ફંગોળાયા હતા.

અંદાજે 100 ફુટની ઉચાઇ પરથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા સાત શ્રમજીવીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને ક મજુરને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.જીવલેણ અકસ્માતના બનાવની જાણ થતા મિડીયા કર્મચારીઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા તે દરમિયાન બિલ્ડર પોલીસ કે ફાયર બ્રિગેડને દુર્ઘટના અંગેની જાણ કર્યા વિના જ મૃતદેહને હોસ્પિટલ લઇ જવા તજવીજ કરી રહ્યા હતા તે દરમિયાન મિડીયાના સ્ટાફ દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને અકસ્માતની ઘટનાની જાણ કરી હતી.લીફટ તુટવાના કારણે સાત મજુરના મોતના બનાવની જાણ થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આઇ.કે.પટેલ અને યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ.વી.જે.જાડેજા ઘટના સ્થળે પોહચી ગોજારા અકસ્માતના બનાવની ઉંડી તપાસ થશે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવો નિર્દેશ આપ્યો છે.

ગોઝારા અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા શ્રમજીવીઓ

1 સંજયભાઇ બાબુભાઇ નાયક (ઉ.વ.20)

2 જગદીશભાઇ રમેશભાઇ નાયક (ઉ.વ.21)

3 અશ્ર્વિનભાઇ સોમાભાઇ નાયક (ઉ.વ.20)

4 મુકેશભાઇ ભરતભાઇ નાયક (ઉ.વ.25)

5 રાજમલ પરેસભાઇ ખરાડી (ઉ.વ.25)

6 પંકજભાઇ શંકરભાઇ ખરાડી (ઉ.વ.21)

7 મુકેશભાઇ નાયક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.