Abtak Media Google News

ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે કલેક્ટર કચેરીમાં મિટિંગ યોજાઈ

અબતક, રાજકોટ

રાજકોટ જિલ્લામાં આગામી મહિનામાં યોજાવા જઈ રહેલા ગરીબ કલ્યાણ મેળાના આયોજન માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઇ હતી. આ મેળામાં મહત્તમ લાભાર્થીઓને સરકારી યોજના-સહાયનો લાભ મળે તે જોવા કલેક્ટરએ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેક્ટરએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં યોજાયેલા ગત ગરીબ કલ્યાણ મેળામાં મહત્તમ લાભાર્થીઓને લાભ પહોંચાડવામાં રાજકોટ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે હતો. જેની રાજ્ય સરકારે પણ પ્રશંસા કરી હતી. ગરીબ કલ્યાણ મેળાના માધ્યમ થકી સરકાર  લાભાર્થીઓને સીધી સહાય પહોંચાડે છે. છેવાડાનો માણસ સરકારી યોજનાનો લાભ લઈ શકે, કોઈ જરૂરિયાતમંદ બાકાત ન રહી જાય તેનો ખ્યાલ રાખવા કલેકટર અનુરોધ કર્યો હતો. નવી જાહેર થયેલી યોજનાઓના લાભાર્થીઓને પણ મેળામાં સામેલ કરવા તેમણે સૂચના આપી હતી. વિવિધ સરકારે વિભાગોના અધિકારીઓ પાસેથી તેમના વિભાગની યોજનાઓ અને લાભાર્થીઓની વિગતો એ કલેકટર માહિતગાર થયા હતા.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળો એ ગુજરાત સરકારની આગવી પહેલ છે. મહત્તમ લાભાર્થીઓ તેનો લાભ લઈ શકે તે માટે વિભાગોને સક્રિયતા દાખવવા તેમણે સુચના આપી હતી.

આ બેઠકમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, પ્રાંત અધિકારી  કે.જી. ચૌધરી, ડો. સંદીપ વર્મા અને શ્રી વિવેક ટાંક, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાહુલ ગમારા, જિલ્લા પૂરવઠા અધિકારી અવની હરણ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.