Abtak Media Google News
  • માતાના મઢ દર્શન કરી પરત આવતા પરિવારની રિક્ષાને અજાણ્યા વાહને ઠોકર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં
  •  પંચાસીયા, આણંદપર બાઘી અને માનસર ગામના પરિવાર માતાના મઢે દર્શન કરી પરત આવતા અકસ્માતથી કરૂણાંતિકા સર્જાય

કચ્છ ધણીયારી મા આશાપુરાના દર્શન કરી પરત આવી રહેલા યાત્રાળુ પરિવારની રિક્ષા ભચાઉના પડાણા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા પિતા-પુત્ર સહિત ચારના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને પાંચ ઘવાતા તમામને સારવાર માટે ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના, મોરબીના માનસર ગામના અને રાજકોટના આણંદપર બાઘી ગામના સગા-સંબંધીઓ કચ્છમાં માતાના મઢ ખાતે દર્શન અર્થે રિક્ષામાં ગયા હતા. ત્રણેય પરિવારની નવ વ્યક્તિઓ રિક્ષામાં બેસી પરત આવી રહ્યા હતા ત્યારે રિક્ષા ગાંધીધામ-ભચાઉ વચ્ચે આવેલા પડાણા પાસે અજાણ્યા વાહનની ઠોકર લાગતા રિક્ષા પલ્ટી ખાઇ જતા સર્જાયેલા ગોજારા અકસ્માતમાં બે બાળકો સહિત ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને 108ની મદદથી ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. અકસ્માતમાં એક સાથે ચાર વ્યક્તિઓના મોતથી પરિવારના આક્રંદથી કરૂણાંતિકા સર્જાય હતી.

નવરાત્રી નિમિતે પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાતા હોવાથી કચ્છ જિલ્લામાં વધુ જીવલેણ અકસ્માત ન સર્જાય તે માટે પોલીસ સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ સાથે ટ્રાફિક વ્યવસ્થા જાળવી જરૂરી બની છે.

અક્સ્માતમાં મૃતકોની યાદી

  • માનસરની અનુજ પપ્પુભાઇ પંસારા (ઉ.વ.8)
  • પંચાસીયાના જયદીપ રસીકભાઇ કુંઢીયા (ઉ.વ.8)
  • પંચાસીયાના રસિકભાઇ કેશુભાઇ કુંડીયા (ઉ.વ.30)
  • આણંદપર બાઘીના કાનજીભાઇ ગગજીભાઇ સોલંકી (ઉ.વ.60)
  • અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા
  • આણંદપર બાઘીના જાગૃતિબેન મુકેશભાઇ સોલંકી (ઉ.વ.15)
  • આણંદપર બાઘીના સવિતાબેન કાનજીભાઇ સોલંકી (ઉ.વ.55)
  • માનસરના પપ્પભાઇ વસ્તાભાઇ પંસારા (ઉ.વ.35)
  • માનસરના બાબુભાઇ પપ્પુભાઇ પંસારા (ઉ.વ.15)
  • પંચાસીયાના રસીલાબેન રસીકભાઇ કુંઢીયા (ઉ.વ.27)ને સારવાર માટે ગાંધીધામ રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.