Abtak Media Google News
  • જિલ્લા સરકારી દુધ ઉત્પાદક સંઘના ટર્ન ઓવરમાં 8.12 ટકાનો વધારો: રૂા.10.23 કરોડનો નફો
  • સભાસદ મંડળીઓને 15 ટકા ડિવિડન્ડ ચૂકવવાની ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાની જાહેરાત

રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડની 62મી વાર્ષીક સાધારણ સભા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ તકે રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલીયાએ અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે સંઘનાં ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ 8.12% વધારો થયેલ છે તેમજ સંઘનું દૂધ સંપાદન વધેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂા.18 મિલ્ક ફાઇનલ પ્રાઇઝ માટે રૂા.16.61 કરોડ દૂધ ઉત્પાદકોને ચુકવવાનો નિર્ણય કરેલ છે. સંઘે વર્ષ દરમ્યાન સરેરાશ કિલોફેટનો ભાવ રૂા.719 ચુકવેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂા.10.23 કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંળીઓને 15% લેખે શેર ડિવિડન્ડની રકમ રૂા.5.03 કરોડ ચુકવવામાં આવશે.

સંઘે ગત વર્ષની સરખામણીએ છાશનાં વેચાણમાં 19%, દહીંના વેચાણમાં 128%, ઘીનાં વેચાણમાં 29%, મિઠાઇનાં વેચાણમાં 42%નો વધારો થયેલ છે. અને ગત વર્ષ દુધ સાગર ડેરી ઉત્પાદીત 45 દિવસનું લાઇફ ધરાવતું અમુલ મોતી દુધ બજારમાં વેચાણ માટે મુકવામાં આવેલ છે.

સંઘે 840 કાર્યરત દૂધ મંડળીઓમાંથી પ્રતિ દિવસ સરેરાશ 4.49 લાખ લીટર દૂધ સંપાદન કરેલ છે. જે ગત વર્ષની સરખામણીએ વધુ છે. તેમજ આગામી વર્ષમાં પણ દૂધ સંપાદનમાં વધારો થાય તે માટે સંઘનું નિયામક મંડળનાં પ્રયત્નો રહેશે.

તેઓએ ઉમેર્યું હતું કે સંઘે 647 દૂધ મંડળીઓ સાથે જોડાયેલા 41 હજાર દૂધ ઉત્પાદકોને રૂા.10 લાખનાં ગૃપ અકસ્માત વિમા પોલીસી લીધેલ હતી. જેનું ગત વર્ષે સંઘે 100% વિમા પ્રિમીયમ લેખે રૂા.101.42 લાખ પ્રિમીયમની રકમ દૂધ ઉત્પાદકો વતી ભરી હતી. ગત વર્ષે 11 દૂધ ઉત્પાદકોનું અવસાન થતા તેના વારસદારોને 105 લાખની રકમ વિમા કંપની પાસેથી મંજુર કરાવીને ચુકવેલ હતી.

સંઘે રાજ્ય સરકારની સુચના અન્વયે જીલ્લાનાં કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે આંગણવાડી મારફતે પ્રથમ તબક્કે અમુલ મોતી દૂધ અને બીજા તબક્કે સીંગ, દાળીયા, ગોળ અને પ્રોટીનબાર કીટનું સુવ્યવસ્થિત વિતરણ વ્યવસ્થા ગોઠવીને કુપોષિત બાળકો સુધી કીટ પહોંચાડેલ હતી.

દૂધ સંઘનાં મેનેજીંગ ડીરેક્ટર વિનોદ વ્યાસે સંઘના ભાવી આયોજન વિશે માહિતી આપતા જણાવેલ હતું કે સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં 5% વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે.

3000થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવામાં આવશે. હાલ બજારમાં પનીરની માંગને ધ્યાનમાં રાખીને પ્રતિ દિન 2 ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે. આ પનીર પ્લાન્ટ રાજ્ય સરકારનાં પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે. જેની મંજૂરીની પ્રક્રિયા હાલ ચાલુ છે. રાજકોટ ડેરી પ્લાન્ટ વિભાગમાં વિસ્તરણીકરણ કરીને 5000 ક્રેટની કેપેસીટીના કોલ્ડ સ્ટોરેજ બનાવેલ છે. સંઘનું નિયામક મંડળ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોનાં આર્થિક હિતને ધ્યાનમાં રાખીને ભાવી આયોજનો ગોઠવશે જેથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ દૂધના ભાવો આપી શકાય.

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે જિલ્લાની સહકારી સંસ્થાઓને સાથે રાખીને જિલ્લાની સહકારી પ્રવૃતિ ઉતરોતર વિકાસ પામે અને ખેડુતો તથા પશુપાલકોને વધુને વધુ લાભો મળે તેવા મારા પ્રયત્નો રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા તેની સાથે જોડાયેલા લાખો ખેડુતો જીરો ટકાએ ખેત ધિરાણો આપવામાં આવે છે. તેવી જ રીતે અન્ય ધિરાણો પણ વ્યાજબી દરે અને સહેલાઇથી ખેડુતો અને પશુપાલકોને મળી રહે તે માટેની હંમેશા કામગીરી કરવામાં આવી રહી છે. બેંક તેની સાથે જોડાયેલા લાખો ખેડૂતો સભાસદોનો અને રાજકોટ ડેરી તેના દૂધ ઉત્પાદકો માટે રૂા.10 લાખનો અકસ્માત વિમો ઉતરાવીને ખેડુતો અને પશુપાલકોને વીમાથી રક્ષિત કરવામાં આવે છે. દૂધ સંઘ દ્વારા પણ તેની જોડાયેલ પશુપાલકોને દૂધનો પોષણક્ષમ ભાવ મળે અને આર્થિક લાભ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે.

આ તકે પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી રાઘવજીભાઇ પટેલ, મંત્રી જગદીશ પંચાલ, મંત્રી બ્રિજેશ મેરજા, મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, રમેશભાઇ ધડુક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.