Abtak Media Google News
  • ખેતીની જમીનના પ્રશ્ર્ને પાંચ વર્ષ પહેલાં સામસામે હત્યાના બનેલા બનાવના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા’તા
  • નામચીન જુસબ સાંધને એટીએસની મહિલા ટીમે બોટાદ પંથકમાંથી ઘાતક હથિયાર સાથે પકડયો’તો
  • એસપી જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ નામચીન શખ્સને ઝડપવામાં એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ અને પાટણવાવ પોલીસે કર્યુ સયુંકત ઓપરેશન

ધોરાજીના ભાડેર ગામે 2018માં ખેતીની જમીનનું વાવેતર કરવા બાબતે થયેલી સશસ્ત્ર અથડામણમાં વંથલી પંથકની નામચીન ગેંગ દ્વારા પટેલ પ્રૌઢની અને સામા પક્ષે મુસ્લિમ યુવકની થયેલી હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. વંથલીના રવ ગામના નામચીન જુસબ સાંધને મોટી સંખ્યામાં ઘાતક હથિયાર સાથે બોટાદ નજીકથી એટીએસના મહિલા અધિકારી સહિતના સ્ટાફે ઝડપી લીધો હતો. જે પૈકીનો હનિફ ઇસ્માઇલ સાંધ છેલ્લા પાંચ વર્ષથી વોન્ટેડ હતો તેને રાજકોટ જિલ્લા એલસીબી સ્ટાફે વંથલીના રવની ગામેથી ધરપકડ કરી છે.

ભાડેરના પટેલ પ્રૌઢની હત્યાના ગુનામાં એટીએસ અને રાજકોટ રૂરલ પોલીસે રવની ગામના અમીન ઇસ્માઇલ સાંધ, ભાડેરના રઘુવીરસિંહ ઉર્ફે રઘુબા જયવંતસિંહ ઉર્ફે જયુભા વાઘેલા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ હરૂભા વાઘેલા, જયવંતસિંહ ઉર્ફે જયુભા વાઘેલા, ભાવસંગ જીતુભા વાઘેલા. ક્રિપાલસિંહ ઉર્ફે દિગુભા જયવંતસિંહ ઉર્ફે જયુભા વાઘેલા, પૃથ્વીસિંહ ભાવસંગ વાઘેલા, વંથલીના સોનારડી ગામના બોદુ અબુ પલેજા, અલ્લારખા ઇસ્માઇલ પલેજા, રવની ગામના સલીમ હબીબ સાંધ, જુસબ ઉર્ફે જુસો અલ્લારખા સાંધ, ઝાપોદડના રહીમ ઉર્ફે ખુરી ઇસ્માઇલ સાંધ સાંગોદરાના નાનજી હબીબ સોઢા, માણાવદરના રહીમ ઉર્ફે અંતુડી ઉર્ફે ચકી હિંગરોજા, ઝાપોરના આમદ ઉર્ફે ચીનો હાસમ સાંધ અને જૂનાગઢના હાસીમ કાસમ સીડા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.

પટેલ પ્રૌઢની હત્યાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ રવની ગામના જુબસ ઉર્ફે જુસો અલ્લારખા સાંધને એટીએસની મહિલા ટીમે ઘાતક હથિયારના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો જયારે છેલ્લા પાંચ પાંચ વર્ષથી વોન્ટેડ હનિફ ઇસ્માઇલ સાંધ પોતાના વતન રવની ગામે આવ્યાની બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગ દર્શન હેઠળ એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. ડી.પી.ઝાલા અને પાટણવાવ પીએસઆઇ કે.એ.ગોહિલ સહિતના સ્ટાફે રવની ગામેથી ઝડપી લીધો છે. હનિફ સાંધ સામે અત્યાર સુધીમાં જૂનાગઢ, ભેસાણ, વંથલી, ખાંભા, વટવા અને બાવળામાં હત્યા, હત્યાની કોશિષ અને હથિયાર સહિતના 22 જેટલા ગંભીર ગુનામાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.