Abtak Media Google News

કરોડોની કિંમતની ઘડિયાળો સાથે લીધી પણ કસ્ટમ ડ્યુટી ન ચૂકવી હોવાથી કસ્ટમ વિભાગે ડ્યુટી વસૂલી

બોલિવૂડના અભિનેતા શાહરૂખ ખાન અને તેમની ટીમને કસ્ટમ વિભાગ દ્વારા મુંબઈ એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા. અંદાજે 1 કલાક તેઓની પૂછપરછ કર્યા બાદ તેમણે જવા દેવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે લાખો રૂપિયાના કિંમતની ઘડિયાળો ભારત લાવવા, બેગમાં મોંઘી ઘડિયાળોના ખાલી બોક્સ મળવા અને તેને જાહેર ન કરવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં કસ્ટમ ડ્યુટી ન ભરવાની વાત પણ કહેવામાં આવી રહી છે.  તે જ સમયે, એક કલાકની પૂછપરછ પછી, શાહરૂખ ખાન, તેની મેનેજર પૂજા દદલાની એરપોર્ટથી નીકળી ગયા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમ કસ્ટમે પકડી રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિએ 6 લાખ 87 હજાર રૂપિયાનો કસ્ટમ ચૂકવ્યો છે. જેનું બિલ શાહરૂખ ખાનના બોડી ગાર્ડ રવિના નામે બનેલું છે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પૈસા શાહરૂખ ખાનના ક્રેડિટ કાર્ડથી ચૂકવવામાં આવ્યા છે.

કસ્ટમના આસિસ્ટન્ટ કમિશનર યુદ્ધવીર યાદવે આ સમગ્ર કાર્યવાહી કરી હતી. આ પછી શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિને કસ્ટમ દ્વારા સવારે 8 વાગ્યે છોડી દેવામાં આવ્યા હતા.

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન તેની ટીમ સાથે એક બુક લોન્ચ ઈવેન્ટમાં હાજરી આપવા માટે ખાનગી ચાર્ટર વિટીઆર-એસજી દ્વારા દુબઈ ગયા હતા. આ પ્રાઈવેટ ચાર્ટર ફ્લાઈટમાં ગઈ કાલે રાત્રે 12.30 વાગ્યે મુંબઈ પરત ફર્યા હતા પરંતુ રેડ ચેનલ પાર કરતી વખતે શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી કસ્ટમ્સને લાખો રૂપિયાની ઘડિયાળો મળી હતી.

આ લાખો રૂપિયાની કિંમતની ઘડિયાળ મળ્યા બાદ કસ્ટમે બધાને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન બેગમાંથી ઘણી મોંઘી ઘડિયાળો મળી હતી.  જ્યારે કસ્ટમે આ ઘડિયાળોનું ઇવેલ્યૂએશન કર્યું ત્યારે તેના પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લગાવવામાં આવી હતી. આ પછી, કરોડો રૂપિયાની ઘડિયાળો પર લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. એક કલાક સુધી ચાલેલી પ્રક્રિયા બાદ શાહરૂખ ખાન અને પૂજા દદલાનીને એરપોર્ટથી બહાર જવા દેવામાં આવ્યા હતા પરંતુ શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ અને ટીમના સભ્યોને અટકાવવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.