Abtak Media Google News

વોર્ડ નં.1, 9 અને 10ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક વિતરણ મોડું

વિધાનસભાની ચૂંટણી ટાઇમે એક તરફ પ્રચાર-પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટને મળતા નર્મદાના નીરના ધાંધીયા સર્જાવવાના કારણે આજે ન્યૂ રાજકોટમાં ત્રણ વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી હતી. વોર્ડ નં.1, 9 અને 10ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો. મત માંગવા ગયેલા કાર્યકરો અને આગેવાનોએ મહિલાઓના કડવા વેણ પણ સાંભળવા પડ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ઢાંકી પમ્પીંગ સ્ટેશન ખાતે ગઇકાલે રાત્રે વિજ પૂરવઠો ખોરવાઇ જવાના કારણે રાજકોટને રૈયાધાર પમ્પીંગ સ્ટેશન પર રાત્રે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી એમ ચાર કલાક સુધી નર્મદાનું પાણી મળ્યું ન હતું. 12 એમએલડી પાણીની ઘટ્ટ પડવાના કારણે આજે સવારથી રૈયાધાર ઝોન હેઠળ આવતા ત્રણ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાયું જવા પામી હતી. વોર્ડ નં.1, વોર્ડ નં.9 અને વોર્ડ નં.10ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડું પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી.

ગઇકાલ રાતથી જીડબલ્યૂઆઇએલ દ્વારા રાજકોટને અપાતા નર્મદાના નીરનો ફોર્સ વધારી દેવામાં આવ્યો હોવાના કારણે જે 12 એમએલડી પાણીની ઘટ્ટ પડી છે તે સાંજ સુધીમાં પૂરાઇ જશે તેવું કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના ઇજનેરો જણાવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી ટાઇમે જ ફરી રાજકોટમાં પાણીની રામાયણ સર્જાવવાના કારણે જબ્બરો દેકારો બોલી ગયો છે.

મેઘરાજા મહેર ઉતારતા શહેરની જળજરૂરિયાત સંતોષતા તમામ જળાશયો ઓવરફ્લો થઇ ગયા છે. પરંતુ એક યા બીજા કારણોસર રાજકોટવાસીઓએ સતત પાણીની હાડમારી વેઠવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.