Abtak Media Google News

આજે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં તથા કાલે પાલનપુર, દહેગામ બને અમદાવાદમાં સભા સંબોધશે

જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે. તેમ રાજકીય પક્ષો પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપમાં તો ગુજરાતની કમાન ખુદ વડાપ્રધાન મોદીએ સંભાળી હોય તેઓ ફરી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ હજુ 35 જેટલી સભાઓ સંબોધવાના છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ સતત સાતમી વખત પૂર્ણ બહુમત સાથે સત્તા રૂઢ થવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની કમાન પોતે જ સંભાળી લીધી છે. ગત રવિવાર અને સોમવારે તેઓએ રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ચૂંટણી સભા ગજાવ્યા બાદ આજથી ફરી તેઓએ બે દિવસ માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આજે તેઓ ભાવનગર સહિત અલગ અલગ ચાર શહેરોમાં તેમજ આવતીકાલે ત્રણ ચૂંટણી સભા સંબોધવાના છે. આમ પ્રચાર પૂર્ણ થયા પૂર્વે વડાપ્રધાન કુલ 35 જેટલી સભાઓ સંબોધવાના હોવાનું જાણવા મળ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસ માટે વતન ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેઓએ મહેસાણાના એરોડ્રામ રોડ ખાતે ચૂંટણી સભા સંબોધી હતી ત્યારબાદ દાહોદના ખારોડ ખાતે, સાંજે વડોદરાના રાજમહેલ રોડ સ્થિત નવલખી ગ્રાઉન્ડ ખાતે અને રાત્રે ભાવનગર ખાતે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ચિત્ર માર્કેટમાં ચૂંટણી સભાને સંબોધવાના છે. આ દરમિયાન આવતીકાલે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાલનપુર દહેગામ અને અમદાવાદ ગ્રામ્યના વિસનગરમાં ચૂંટણી સભા ગજવવાના છે. આગામી 28 નવેમ્બરના રોજ વડાપ્રધાન ફરી ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે તેઓ રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં ચૂંટણી સભા સંબોધવાના છે.

વડાપ્રધાન 28મીએ રાજકોટ અને જામનગરમાં જનસભા યોજશે

વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબકકાનો પ્રચાર તા.28ના રોજ સંપન્ન થશે અને તે પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત જામનગર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી તા.28ના રોજ રાજકોટ અને જામનગરમાં સભા સંબોધવાના છે. તેવું જાણવા મળી રહ્યું છે. રાજકોટમાં તેઓ રેસકોર્સ ખાતે સભા યોજે તેવી હાલ માહિતી મળી રહી છે.ગુજરાત વિધાનીભાની ચૂટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો મળે તે માટે વડાપ્રધાન મોદીએ કમાન પોતાના હાથમાં લઇ લીધી હોવાની ચર્ચા થઇ રહી છે પરંતુ મોદી પરિણામની ચિંતા થઇ રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.