Abtak Media Google News

શાકભાજીની પુષ્કળ આવક : જથ્થાબંધથી છૂટકમાં પહોંચતા ભાવ દોઢાથી બમણાં થઇ જાય !

યાર્ડમાં પાણીના ભાવે વેચાતા શાકભાજી ગૃહિણીઑ માટે મોંઘાદાટ બન્યાં છે એનું કારણ એ છે કે, શાકભાજીની પુષ્કળ આવક તો છે જ.. જથ્થાબંધથી છૂટકમાં પહોંચતા ભાવ દોઢાથી બમણાં થઇ જાય છે.

શિયાળો જામવાને લીધે શાક્ભાજી સસ્તા તો થઇ ગયા છે પણ માત્ર માર્કેટ યાર્ડોમાં થતી હરાજીમાં જ તેની અસર થઇ છે. છૂટક બજારમાં તો હજુ બમણાં-ત્રણ ગણા ભાવ લેવાતા હોવાથી ગ્રાહકો મોંઘવારીમાં પીસાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં હવે લીલાછમ્મ શાક્ભાજી પુષ્કળ આવે છે એટલે ખેડૂતો પાણીના ભાવે વેંચી રહ્યા છે, ગ્રાહકો હજુ ઉંચા દામ ચૂક્વે છે. છૂટક અને એની વચ્ચે આવતી કડીને ઘી-કેળા થઇ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે નાનો વેપાર કરનારો વર્ગ એક દોઢ હજારનું શાક્ભાજી ખરીદીને દિવસ દરમિયાન વેંચી નાંખે તો પંદરસો બે હજાર થઇ જાય ! દોઢા-બેવડા નફાવાળો શાકભાજી વેચનાર શાકભાજી વેચનાર માલા માલ થઈ રહ્યો છે. રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં લીલાં શાક્ભાજીની હરાજી થાય છે. વહેલી સવારે અને બપોરે બે વાગ્યે હરાજી હોય છે. આ માર્કેટિંગ યાર્ડ જઇને સામૂહિક ખરીદી કરી આવે તો ચોક્કસ બચત થાય છે.

યાર્ડમાં અત્યારે લીંબુ, બટાટા, ડુંગળી, ટમેટા, રીંગણા, કોબીજ, ફ્લાવર, દૂધી, ગાજર, વટાણા, લીલા મરચાં વગેરેની પુષ્કળ આવક થાય છે અને ભાવ પણ તૂટી ગયા છે.રાજકોટ યાર્ડના વેપારીઓ કહે છે કે, વટાણા મધ્ય પ્રદેશથી આવે છે અને રોજ 7-8 હજાર મણની આવક થાય છે. આ વખતે પાક સારો છે. યાર્ડમાં વટાણા ક્લિોએ રૂ. 25-45 માં વેચાય છે. છૂટક્માં વટાણા ગુણવત્તા પ્રમાણે રૂ. 40-65 સુધી વેચાય છે. ટમેટાંનો ભાવ યાર્ડમાં રૂ. 5 થી 15 સુધી નીચે આવી ગયો છે પણ છૂટક્માં રૂ. 20-25 માં મળે છે. રાજકોટમાં રોજ 4000 મણ ટમેટાં આવી રહ્યા છે. છૂટક અને હરાજીના ભાવમાં શું તફાવત હોય છે એની જાત ખરાઇ કરવી હોય તો હરાજીમાં ભાગ લેવાનું પ્લાનિંગ કરવું જોઇએ. બે ત્રણ પરિવારો એકઠાં થઈ જો યાર્ડ માંથી આ જીવન જરૂરી શાકભાજીની ખરીદી કરે તો ઘર ખર્ચમાં ઘણો ફાયદો કરી શકાય.લીલાં મરચાનો પાક ખૂબ છે અને શિયાળાને લીધે આખું મરચું ખાઇ શકાય એવા મોળાં આવી રહ્યા છે.

કમાવવાનો ધંધો અત્યારે શાક્ભાજીનો બની ગયો છે.

જરૂરિયાત કરતા અમુક શાકભાજીની આવક વધારે છે એટલે પાણીના ભાવે ખપે છે. મરચાં રોજ બે હજાર મણ આવે છે અને તેનો ભાવ રૂ. 6 થી 18 જેટલો છે. રિટેઇલમાં વિસ્તાર પ્રમાણે રૂ. 15 થી 30 સુધીનો ભાવ ચૂક્વવો પડે છે.

બટાકામાં કોલ્ડ સ્ટોરજનો માલ પણ હવે પૂરો થવામાં છે અને કોલ્ડ સ્ટોરેજો ખાલી કરવાના હોવાથી રોજ 18-20 હજાર મણ આવી રહ્યા છે. બટાકાનો હોલસેલ ભાવ રૂ.10 થી 20 ચાલે છે અને રિટેઇલમાં રૂ.20 થી 35 સુધીના ભાવ છે. રાજકોટ યાર્ડમાં રીંગણા પણ રોજ હજાર મણ આવે છે અને તેનો ભાવ હરરાજીમાં રૂ.5 થી 10 ચાલે છે. કોબીજ રૂ.2 થી 7 રૂપિયામાં વેચાય છે. ફ્લાવરના રૂ.11 થી 20 ચાલે છે. દૂધી લોક્લ તથા આણંદ તરફથી ઠલવાય છે. યાર્ડમાં પાંચ-દસ રૂપિયામાં ક્લિો લેખે વેચાય છે. ગાજરના રૂ.10 થી 18ના ભાવ છે. લીલી ડુંગળી રૂ. 7 થી 15 માં યાર્ડમાં વેંચાય છે.

સ્થાનિક શાકભાજી વાવતા ખેડૂતો અને ગુજરાત તરફથી આવતી લીલીછમ શાકભાજીની પુષ્કળ આવકના કારણે માર્કેટિંગ યાર્ડમાં આ શાકભાજી પાણીના ભાવે વેચાય છે.. પરંતુ આ શાકભાજી સામાન્ય પ્રજા એટલે કે, ગૃહિણીઓ પાસે આવતા લગભગ આ શાકભાજીના ભાવો દોઢ થી બે ગણો થય જાય છે.

ઘણાં ખેડૂતો પોતાના ખેતરમાં વાવેલા શાકભાજી સીધા બજારમાં વેચતા હોવાથી ખેડૂતો અને ગૃહિણીઓને સીધો ભાવમાં ફાયદો થાય છે.

નિભાવ ખર્ચના કારણે શાકભાજી મોંઘા વેંચવા પડે : ભરતભાઈ પટેલ, (વેપારી)

શિયાળામાં આમતો શાકભાજીની પુષ્કળ આવક છે જ.. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી વેંચવા આવતાં ખેડૂતો પાસે પુષ્કળ પ્રમાણમાં શાકભાજી હોવાથી એમણે આ શાકભાજી સીધા વેપારીઓને જ વેંચવા પડે છે એથી ખેડૂતોને તેમના શાકભાજીના ઓછા ભાવો મળતા હોય છે. ખેડૂતોએ વેચેલા આ શાકભાજી વેપારીઓ નિભાવ ખર્ચ અને નફો ઉમેરી નાના શાકભાજી વેંચતા શાકભાજી વાળાઓને વેંચતા હોવાથી આ ભાવો દોઢથી બે ગણા ભાવે વેચાય એ સ્વાભાવિક છે. આ સામાન્ય પ્રક્રિયા છે.. આને બદલવી શક્ય નથી.

બે ત્રણ પરિવારો સાથે મળી સીધી યાર્ડ માંથી ખરીદી કરે તો ફાયદો : ચેતનાબેન, (ગૃહિણી)

ખેડૂતો દ્વારા પાણીના ભાવે માર્કેટિંગ યાર્ડમાં વેંચતા શાકભાજી વેપારીઓના નફાના કારણે રસોડામાં આવતા મોંઘા થઈ જાય છે.. આ પ્રક્રિયાને બદલી ના શકાય પણ એનો રસ્તો જરૂરથી નીકળી શકે એવું કહેતા ગૃહિણી ચેતના બહેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો આસપાસ રહેતા કે સગા સબંધીઓ સાથે મળી એક સાથે 45 દિવસનું આયોજન કરી એક સાથે કોઈ એકાદ વ્યક્તિ માર્કેટિંગ યાર્ડ માંથી સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરે તો આ શાકભાજી શહેરની શાકભાજી બજારોની ખરીદી કરતા લગભગ 50 ટકાના ભાવે મેળવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે આવક ના કરી શકીએ તો કંઈ નહિ પરંતુ આયોજન બધ્ધ ખરીદીથી જાવકમા રાહત તો કરી જ શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.