Abtak Media Google News

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો: બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જોઈએ: ભાનુબેન બાબરીયા

આજે એટલે કે 27 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ મોદીનો વિશેષ કાર્યક્રમ પરિક્ષા પે ચર્ચા 2023 આજે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાઇ છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લીધો છે.વડાપ્રધાન મોદી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા 2023ની 6ઠ્ઠી આવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

આ દરમિયાન તેમણે કહ્યું કે, પરીક્ષા પે ચર્ચા મારી પણ પરીક્ષા છે અને દેશના કરોડો વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે. મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. કેન્દ્રીયશિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પરીક્ષા પરની ચર્ચા એક જન આંદોલન બની ગઈ છે. પીએમ મોદીએ બાળકો, માતા-પિતા અને શિક્ષકોને તણાવમાંથી મુક્ત કરવા માટે પગલાં લીધાં છે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પરીક્ષા પે ચર્ચા -2023 કાર્યક્રમ રાજકોટની ધોળકીયા સ્કૂલ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ તકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ’પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ થયું હતું.

આ તકે મંત્રીશ્રી બાબરિયાએ કહ્યું હતું કે, આપણાં માટે એ ગૌરવની વાત છે કે વિદ્યાર્થીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શન આપી રહ્યા છે. આજના ટેકનોલોજીના યુગમાં ભણતર ખૂબ જરૂરી છે.  ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે અનેક આયામો ઉભા થયાં છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાઈ રહ્યું છે, શાળાઓ સુવિધાસભર બની છે. ગુણોત્સવ – શાળા પ્રવેશોત્સવ તેના ઉદાહરણ છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે બાળકોનો ભણતરની સાથોસાથ સર્વાંગી વિકાસ થવો જોઈએ. બાળકોને અભ્યાસ અંગે વધુ પતું દબાણ આપવાના બદલે તેની આવડત ખીલે તે દિશામાં પ્રયત્નો કરવા જોઇએ.આ તકે સાંસદએ મોહનભાઇ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન કરતા કહ્યું હતું કે પરીક્ષા અંગે કોઇ પણ વિદ્યાર્થીના માનમાં ભાર ન રહેવો જોઈએ. બાળકો ભાર વગરનું શિક્ષણ મેળવે તે માટે દેશની નવી ક્ષિક્ષણ નીતિ બની છે.કલેકટરએ અરુણ મહેશ બાબુએ પ્રાસંગિક પ્રવચન કરતાં કહ્યું હતું કે, અમારા સમયમાં આ પ્રકારનું કારકિર્દી કે પરીક્ષાનું  માર્ગદર્શન નહોતું મળતું.

આજના બાળકોને એ મળી રહ્યું છે ત્યારે તેનો લાભ લઈ બાળકોએ અભ્યાસ માટે વધુ મહેનત કરવી જોઈએ. જિલ્લા શિક્ષણાધિકારીએ ભરત કૈલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ તકે ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ વિનોદ ગજેરા,  જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રાવલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય સંજય મહેતા, જિલ્લા ઊચ્ચત્તર માધ્યમિક સંધના પ્રમુખ દિપક નથવાણી, ધોળકિયા સ્કૂલના ટ્રસ્ટી કૃષ્ણકાંત  ધોળકિયા, જીતુભાઇ ધોળકીયા તથા શાળાના શિક્ષકો, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઘરની અંદર ‘નો ટેકનોલોજી ઝોન’ બનાવો

પરિવાર એટલા નાના થઈ ગયા છે, એક જ ઘરમાં બધા બેઠા અને એકબીજાને વોટ્સએપ પર મેસેજ કરે છે, પહેલા તો લોકો બસ-ટ્રેનમાં ગપ્પાં મારતા હતા, હવે એવું નથી કરતાં. ઘરમાં એક એવો એરિયા નક્કી કરી નાંખો કે ત્યાં નો ટેક્નોલોજી ઝોન, તમે જુઓ ધીરે ધીરે જીવન જીવવાનો આનંદ શરૂ થઈ જશે

એક કરતાં વધુ ભાષાઓ શીખો: પીએમ મોદી

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. આપણી પાસે સેંકડો ભાષાઓ છે. આ આપણી સમૃદ્ધિ છે. સંચાર એ એક મહાન શક્તિ છે. આપણે આપણા કોઈપણ પડોશી રાજ્યની ભાષા શીખવી જોઈએ.દુનિયાની સૌથી પ્રાચીન ભાષા ધરાવનાર દેશને ગર્વ હોવો જોઈએ કે નહીં? શું તમે જાણો છો કે આપણી તમિલ ભાષા વિશ્વની સૌથી જૂની ભાષા છે. આપણી પાસે આટલી મોટી  અમાનત છે તે ગૌરવની વાત છે. જેટલી સરળતાથી બીજી વસ્તુ આવડે છે એમ બીજી ભાષા પણ સરળતાથી આવવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.