Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્રભરમાંથી લોકો રેસકોર્સમાં ઉમટી પડશે

રેસકોર્ષમાં અંદાજે 75 હજાર લોકો બેસી શકે તેટલો વિશાળ ડોમ હશે, 4 જેટલી વિશાળ એલસીડી સ્ક્રીન પાર્કિંગ સહિતના બહારના સ્થળોએ મુકાશે : સૌરાષ્ટ્રભરના ગામેગામથી રેસકોર્સ સુધી એસટી બસો દોડાવાશે

27મીએ બપોરે 2 વાગ્યાના અરસામાં હીરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાન ઉતરાણ કરી તેનું લોકાર્પણ કરશે, બાદમાં જુના એરપોર્ટ આવી ત્યાંથી રેસકોર્સ સુધી રોડ શો યોજશે, રેસકોર્ષમાં અંદાજે 3 વાગ્યાથી સભા શરૂ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ રાજકોટના રેસકોર્ષમાં જે જાહેર સભા સંબોધવાના છે. તેમાં અંદાજે 1 લાખથી વધુની મેદની એકત્ર થવાની છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડવાના છે. વધુમાં બપોરે 2 વાગ્યાના અરસામાં હીરાસર એરપોર્ટ ખાતે વડાપ્રધાન ઉતરાણ કરી તેનું લોકાર્પણ કરશે. બાદમાં જુના રેસકોર્સ આવી ત્યાંથી રેસકોર્ષ સુધી રોડ શો યોજશે અને  રેસકોર્ષમાં અંદાજે 3 વાગ્યાથી સભા શરૂ થશે તેવું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.27મીએ રાજકોટની મુલાકાતે પધારી રહ્યા છે. જેને લઈને જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કલેકટરની કોર કમિટીની અધ્યક્ષતામાં કુલ 22 સમિતિઓ આ માટેની તૈયારીઓમાં લાગેલી છે. વધુમાં ગત શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ રાજકોટની મુલાકાત લઈને વડાપ્રધાન મોદીના કાર્યક્રમની સમીક્ષા બેઠક હાથ ધરવામાં આવી હતી. જેમાં તેઓએ તમામ વ્યવસ્થાઓ ઉપર નજર કરીને જરૂરી સૂચનો પણ આપ્યા હતા. બીજી તરફ હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમય સાથેનો સત્તાવાર કાર્યક્રમ પીએમઓમાંથી જાહેર થયો નથી. પણ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે બપોરે 2 વાગ્યા આસપાસ હીરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરવાના છે.

જ્યાં તેઓ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ ત્યાંથી જ હવાઈ માર્ગે જુના એરપોર્ટ ખાતે આવી પહોંચશે. જ્યાં જુના એરપોર્ટ ખાતેથી તેઓ કારમાં બેસીને રેસકોર્ષ સુધી રોડ શો યોજવાના છે. આ રોડ શો દરમિયાન અનેક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જાજરમાન સ્વાગત કરવામાં આવનાર છે.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેસકોર્ષ ખાતે પહોંચીને ત્યાં જાહેર સભા સંબોધવાના છે. આ જાહેર સભામાં અંદાજે 1 લાખ લોકો એકત્ર થવાના છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી આ જાહેરસભામાં લોકોને લઈ આવવામાં આવશે. આ માટે સેંકડો એસટી બસોને ગામેગામથી દોડાવવામાં આવશે. વધુમાં રેસકોર્ષ ખાતે 75 હજાર જેટલા લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળો ડોમ લગાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત 4 જેટલી મોટી એલસીડી બહારની બાજુ તેમજ પાર્કિંગ સ્થળે પણ મુકાશે. જેથી ડોમમાં જે વ્યક્તિઓ ન જઈ શકે તેઓ બહારથી પણ કાર્યક્રમને નિહાળી શકે.

અન્ય જિલ્લાના 1 અધિક કલેકટર, પાંચ ડેપ્યુટી કલેકટર અને 5 મામલતદારોને ફરજમાં લેવાયા

અગાઉ રાજકોટ ફરજ બજાવી ચુક્યા હોય તેવા અધિકારીઓને તાકીદે બોલાવી વિવિધ કામગીરી સોંપાઈ, તૈયારીમાં તંત્ર આખું એલર્ટ મોડ ઉપર

અધિક કલેકટર જે.કે. જેગોડા, ડે. કલેકટર ચરણસિંહ ગોહિલ, વીરેન્દ્ર દેસાઈ અને સૂરજ સુથાર સહિતના અધિકારીઓના રાજકોટમાં ધામા

રાજકોટ જિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તંત્ર એલર્ટ મોડ ઉપર તૈયારીમાં લાગ્યું છે.તેવામાં બીજા જિલ્લામાં ફરજ બજાવતા 1 અધિક કલેકટર, 5 ડે. કલેકટર અને 5 મામલતદારોને પીએમ કાર્યક્રમની ફરજમાં લેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મીએ રાજકોટની મુલાકાતે આવનાર છે. જેને લઈને જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની કોર કમિટીના અધ્યક્ષ સ્થાને 22 જેટલી કમિટીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે. તેવામાં સરકાર દ્વારા વધુ 11 અધિકારીઓ તૈયારી માટે આપવામાં આવ્યા છે.

મહેસુલ વિભાગના નાયબ સચિવ દ્વારા વડાપ્રધાન મોદીના કાર્યક્રમના સુચારુ આયોજન માટે હુકમ કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના ફૂડ કંટ્રોલર તરીકે ફરજ બજાવતા જે.કે. જેગોડા તેમજ ડેપ્યુટી કલેકટરમાં ગાંધીનગરના આઈઓરાના પ્રિ સ્ક્રુટીની ઓફિસર સૂરજ સુથાર, ગીર સોમનાથના જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારા, ધાનેરાના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, અમરેલીના પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈ અને નખત્રાણાના પ્રાંત અધિકારી મેહ બરાસરા તેમજ મામલતદારોમા જામનગરના પીઆરઓ એચ.સી. તન્ના, બોટાદ મામલતદાર નીરવ બ્રહ્મભટ્ટ, રાજુલા મામલતદાર સંદીપ જાદવ, ધારી મામલતદાર આર.જી. લુણાગરીયા, અંજાર મામલતદાર અનિલ જાદવને વિશેષ ફરજમાં લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે માટે સીધા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.જેને પગલે સરકારે રાજકોટમાં અગાઉ ફરજ બજાવી ચુક્યા હોય તેવા અધિકારીને પણ રાજકોટમાં પીએમના કાર્યક્રમની તૈયારીઓ માટે વિશેષ ડ્યુટી સોંપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.