Abtak Media Google News

ડિઝલ અને ઇલેક્ટ્રીક બસ બાદ હવ સીએનજી બસની ખરીદી કરવા ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્વ કરાશે

શહેરમાં આંતરિક પરિવહનની માળખાને મજબૂત કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરમાં ડિઝલ સંચાલિત અને ઇલેક્ટ્રીક બસ દોડાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હવે રાજકોટના રાજમાર્ગો પર સીએનજી સંચાલિત સીટી બસ પણ દોડતી નજરે પડશે. ટૂંક સમયમાં 50 સીએનજી બસની ખરીદી માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવશે. દરમિયાન મે મહિનાથી વધુ 100 ઇલેક્ટ્રીક બસો પણ દોડતી દેખાશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે નવા વર્ષના બજેટમાં સીએનજી બસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન આગામી માર્ચ મહિનામાં 50 સીએનજી બસ શરૂ કરવા માટેના ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવશે. શહેરના છેવાડાના વિસ્તાર સુધી આંતરિક પરિવહનની સેવા પહોંચાડવા માટે મહાપાલિકા સજ્જ બન્યું છે. સરકારના નોમ્સ મુજબ રાજકોટની વસતી પ્રમાણે શહેરમાં 1000 સિટી બસ હોવી જોઇએ. પરંતુ આપણે હાલ માત્ર 100 થી વધુ બસ દોડાવી રહ્યાં છીએ. બીઆરટીએસ રૂટ પર સારૂં એવું ટ્રાફીક મળી રહે છે.

સાંકડા રસ્તાઓ પર મિની ઇલેક્ટ્રીક બસ ખૂબ સરળતાથી નીકળી જાય છે. આવામાં જ્યાં રસ્તાઓની સાઇઝ નાની છે ત્યાં મિની બસ અને બીઆરટીએસ રૂટ પર મોટી બસ દોડાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સીએનજી બસ સેવા શરૂ કરવા માટેની તમામ શક્યતાઓની ચર્ચા કરવા આજે અધિકારીઓ સાથે એક બેઠક બોલાવવામાં આવી છે. ત્યારબાદ શરતો નક્કી કરીને ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. બસ ઓપરેટર કંપનીએ જ સીએનજી પંપ શરૂ કરવાનો રહેશે.

અમદાવાદ કોર્પોરેશન દ્વારા સીએનજી બસના કોન્ટ્રાક્ટમાં બસદીઠ ઓછામાં ઓછા ચાર હજાર પેસેન્જરો મળી રહે તેવી શરત રાખવામાં આવી છે. રાજકોટમાં આ શક્ય નથી. છતાં અમદાવાદનો અભ્યાસ કરી ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. મે માસમાં શહેરના રાજમાર્ગો પર વધુ 100 ઇલેક્ટ્રીક બસ દોડતી થઇ જશે. જ્યારે ચોમાસા પૂર્વે સીએનજી બસ સેવા પણ શરૂ થઇ જાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કુલ 250 સિટી અને બીઆરટીએસ દોડાવવાનું કોર્પોરેશનનું ભાવિ આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.