Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે, ત્યારે નાગરિકોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા તેમજ જનસુખાકારી માટે સરકારે-પ્રશાસને-સ્થાનિક તંત્રએ કરેલા કાર્યો-અમલી બનાવેલી યોજનાઓના સ્તુત્ય પ્રયાસો સામે આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ વેરા ચૂકવણીમાં અપનાવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ આજે ઉદાહરણરૂપ બની છે.

Advertisement

ગૂગલ-ફોન પેથી નાગરિકો સરળતાથી ચૂકવે છે કર: છેલ્લા ત્રણ વર્ષની સર્વાધિક રૂ.163 કરોડની વેરા ચૂકવણી નાગરિકોએ કરી

એક સમય હતો કે, રાજકોટ મહાનગર પાલિકામાં મિલકત વેરા સહિતના કર ભરવા નાગરિકોએ કોર્પોરેશનની કચેરીએ જવું પડતું, લાઈનોમાં ઊભા રહેવું પડતું. પાલિકા તંત્રએ પણ વેરા વસૂલી માટે ભારે જહેમત કરવી પડતી, પરંતુ હવે એ બધું ભૂતકાળ બન્યું છે. હવે નાગરિકો ઘરે બેઠા મોબાઈલમાં ગણતરીની મિનિટમાં જ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરીને, ખૂબ સરળતાથી સલામત રીતે પોતાનો વેરો ચૂકવી દે છે. વેરા ચૂકવણીની પહોંચ પણ ડિજિટલી જ મળી જાય છે. પોતાના વેરાચૂકવણીનો ટ્રેક રેકોર્ડ પણ નાગરિકો ઓનલાઈન જોઈ શકે છે. આ જ કારણ છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટ મહાનગર પાલિકાની કર વસૂલાત અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન નોંધપાત્ર રીતે વધ્યા છે.

રાજકોટ મહાનગર પાલિકાના આઈ.ટી. વિભાગના ડાયરેક્ટર  સંજય ગોહિલ જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2021-22 (એપ્રિલ-21થી માર્ચ-22)માં રૂપિયા 101 કરોડની વેરા ચૂકવણી ઓનલાઈન મોડથી થઈ હતી. જેમાં 2.25 લાખ ટ્રાન્ઝેક્શનો થયા હતા. જ્યારે વર્ષ 2022-23માં 2.97 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શનો મારફતે રૂ. 161 કરોડની વેરા ચૂકવણી નાગરિકોએ કરી છે. જ્યારે ચાલુ વર્ષમાં એપ્રિલ 2023થી લઈને નવેમ્બર-2023ના પ્રથમ સપ્તાહ સુધીમાં, માત્ર આઠ માસમાં જ છેલ્લા ત્રણ વર્ષની સર્વાધિક રૂ.163 કરોડની વેરા ચૂકવણી નાગરિકોએ કરી છે. આ માટે સૌથી વધુ ત્રણ લાખ ટ્રાન્ઝેક્શનો થયા છે.

તેમના જણાવ્યા પ્રમાણે, રાજકોટ મહાનગર પાલિકાએ વર્ષ 2011થી જ ઓનલાઈન વેરા ચૂકવણી પદ્ધતિ શરૂ કરી હતી. એ સમયે સંભવત: દેશની પ્રથમ મહાપાલિકા હતી જેણે ઓનલાઈન પેમેન્ટ મોડથી વેરા વસૂલાત શરૂ કરી હતી. એ સમયે જ્યારે ઈન્ટરનેટ પર પેમેન્ટ માટે કન્વિનિયન્સ ચાર્જ લેવાતા, ત્યારે મ.ન.પા.એ નાગરિકો પાસેથી કોઈ ચાર્જ લીધા નથી, એટલું જ નહીં, અગાઉ વેરા વસૂલાત માટે માળખાકીય વ્યવસ્થા કરવાનો ખર્ચ થતો હતો. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી તેની બચત થઈ છે, તો આ ખર્ચ મ.ન.પા.એ નાગરિકોને વળતર-ડિસ્કાઉન્ટ સ્વરૂપે આપવાનું નક્કી કર્યું હતું અને કર-ચૂકવણીમાં ડિસ્કાઉન્ટનો અનેક લોકો તેનો લાભ લઈ રહ્યા છે.

વેરાની સમયસર ચૂકવણી વખતે નિયમિત 1 ટકા વળતર ઉપરાંત ડિજિટલ પેમેન્ટ કરનારને રૂ.50નું ખાસ વળતર અપાય છે. સ્પોર્ટસની સભ્ય ફી સહિતની અન્ય ફીની ડિજિટલ ચૂકવણી માટે પણ રૂ.50નું ખાસ ડિસ્કાઉન્ટ આપીને નાગરિકોને પ્રોત્સાહિત કરાય છે.ઓનલાઈન વેરા ચૂકવણીને વધુ સરળ બનાવતા રાજકોટ મ.ન.પા.એ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (બી.પી.પી.એસ.) સાથે પણ જોડાણ કર્યું છે, તેમજ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુ.પી.આઈ., ભીમ પે સહિત કોઈપણ ડિજિટલ મોડથી વેરા ચૂકવણી કરી શકાય છે. આજે કોઈ પણ બેન્કની એપમાં જોશો તો આર.એમ.સી. ડિફોલ્ટ બિલર તરીકે જોડાયેલી જોવા મળશે, એમ શ્રી ગોહિલે ઉમેર્યું હતું.

આજે રાજકોટ મ.ન.પા.ના વિવિધ ટેક્સ જેમ કે, પ્રોપર્ટી ટેક્સના આશરે 60 ટકા, સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના 90 ટકા, કોમ્યુનિટી હોલ બુકિંગના 90 ટકા, પ્રોફેશનલ ટેક્સના 60 ટકા, વ્હીકલ ટેક્સના આશરે 60થી 70 ટકા ઓનલાઈન પેમેન્ટ થાય છે. કોર્પોરેશનનો લક્ષ્યાંક 100 ટકા ઓનલાઈન ચૂકવણી સુધી લઈ જવાનો છે.છેલ્લા બે વર્ષથી વેરાના બિલનો મેસેજ નાગરિકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર વોટ્સએપથી મોકલવાનું શરૂ કર્યું છે. આ સાથે પેમેન્ટ લિન્ક પણ હોય છે, તેના પરિણામે વેરા ચૂકવણી પણ વધી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

મહત્વનું છે કે, આ આખા ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇનહાઉસ જ સંભાળવામાં આવે છે. આ માટે આઈ.ટી ફિલ્ડના 13થી 14 નિષ્ણાતોની ટીમ કામ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.