Abtak Media Google News
  • નવા કરબોજની સંભાવના તદ્ન નહિંવત, છતા કમિશનર કરબોજ સુચવશે તો સ્ટેન્ડિંગ કમિટી ફગાવી દેશે: બજેટનું કદ 2700 કરોડ આસપાસ રહે તેવી શક્યતા.

અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2023-2024નું રિવાઇઝ્ડ અને વર્ષ-2024-2025નું અંદાજપત્ર મ્યુનિ.કમિશનર આનંદ પટેલ આવતીકાલે સવારે 9:30 કલાકે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરશે. ત્રણ મહિના બાદ લોકસભાની ચુંટણી યોજાવાની હોય બજેટ હળવુંફૂલ અને ચૂંટણીલક્ષી આપવાના પ્રયાસો કરવામાં આવશે. ચાલુ સાલના બજેટમાં તોતીંગ કરબોજ ઝીંકવામાં આવ્યો હોય ચૂંટણી વર્ષમાં કાલે રજૂ થનારા બજેટમાં નવા કરબોજની સંભાવના તદ્ન નહિંવત છે. છતા જો કમિશનર દ્વારા કરબોજની ભલામણ કરવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તેને ફગાવી દેવામાં આવશે. બજેટનું કદ 2700 કરોડ આસપાસ રહે તેવી સંભાવના દેખાઇ રહી છે.

મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા આવતીકાલે સવારે 9:30 કલાકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર સહિતના સભ્યોને વર્ષ-2024-2025નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. વર્ષ-2023-2024ના બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા 101 કરોડનો કરબોજ સૂચવવામાં આવ્યો હતો અને 2586.82 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા માત્ર 40 કરોડનો કરબોજ સ્વિકારી રૂ.2637.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ગત વર્ષે પાણી વેરો, મિલકત વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ સહિતના વેરામાં વધારો કરવામાં આવ્યો હોય આ વર્ષે બજેટમાં વેરો વધારવાની ભલામણ કરવામાં આવે તેવી શક્યતા તદ્ન નહિંવત છે. છતા કોર્પોરેશનની વર્તમાન નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી જો આવક અને જાવકના આંકડાઓનો મેળ કરવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા વેરામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લોકસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી સૂચિત કરબોજને એક ઝાટકે ફગાવી દેવામાં આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

દર વર્ષે કોર્પોરેશનના બજેટના કદમાં સતત વધારો કરવામાં આવે છે. આ વર્ષે બજેટનું કદ રૂ.2700 કરોડ આસપાસ રહેવાની સંભાવના છે. મ્યુનિ.કમિશનર દ્વારા રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ બજેટ પર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સતત એક સપ્તાહ સુધી અભ્યાસ કરવામાં આવશે. ત્યારબાદ જરૂરી યોજનાઓનો ઉમેરો કરી બજેટને બહાલી આપવામાં આવશે. ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિ.કમિશનર દ્વારા સ્માર્ટ સિટીને લાગૂ રોડ પહોળા કરવા, કટારિયા ચોકડી સહિતના અલગ-અલગ વિસ્તારોમાં નવા બ્રિજ બનાવવા, ઓડિટોરિયમ અ1ને કોમ્યુનિટી હોલ બનાવવા સહિતની જોગવાઇઓ કરવામાં આવે તેવી સંભાવના હાલ જણાઇ રહી છે. ચૂંટણી વર્ષમાં બજેટ ફૂલ ગુલાબી અને કોર્પોરેશનની વર્તમાન નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખી વાસ્તવિક આપવાના પ્રયાસો કરવામાં આવશે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.