Abtak Media Google News

હૈદરાબાદમાં ફિલ્મ ‘ પ્રોજેક્ટ કે ‘ નાં શૂટિંગ દરમિયાન એક્શન સીન ભજવતી વખતે દુર્ઘટના, છાતીમાં એક પાંસળી ફૂલી ગઈ અને  માંસપેશી ચિરાઈ ગઈ

હૈદરાબાદમાં ફિલ્મ ‘ પ્રોજેક્ટ કે ‘ નાં શૂટિંગ દરમિયાન એક્શન સીન ભજવતી વખતે અમિતાભ બચ્ચન ઘાયલ થયા છે. તેઓને છાતીમાં એક પાંસળી ફૂલી ગઈ અને માંસપેશી ચિરાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

અમિતાભ બચ્ચનને હૈદરાબાદમાં ફિલ્મ ‘ પ્રોજેક્ટ કે ‘ નાં શૂટિંગ દરમિયાન એક્શન સીન ભજવતી વખતે પાંસળીમાં ગંભીર ઇજા થઇ છે. અમિતાભ તરત જ મુંબઈ પાછા આવી ગયા છે અને હવે કેટલાંક સપ્તાહ સુધી તેમણે ઘરે બેડ રેસ્ટ લેવો પડે તેમ છે. અમિતાભને ઇજા થયાનું જાણી તેમના ચાહકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે. સોશિયલ મીડિયા પર તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાનો ધોધ વહ્યો હતો.

ખુદ અમિતાભે પોતાના બ્લોગમાં આ ઇજાની માહિતી આપી હતી. અમિતાભનાં જણાવ્યા અનુસાર તેમને છાતીના પાસળામાં વાગ્યું છે. એક પાંસળી ફૂલી ગઈ છે જ્યારે જમણી બાજુ માંસપેશી ચિરાઈ ગઈ છે. આ ઇજાની પીડા અસહ્ય હોવાનું અમિતાભે જણાવ્યું હતું. તેમણે હૈદરાબાદની હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યું હતું. ત્યારબાદ તબીબી સલાહ અનુસાર તેઓ શૂટિંગ રદ કરી મુંબઈ પરત આવી ગયા હતા. હાલ તેઓ ‘ જલસા ‘ બંગલોમાં આરામ હેઠળ છે.

એક સપ્તાહ સુધી બેડ રેસ્ટ કરવો પડશે

તબીબો એ કેટલાક સપ્તાહ સુધી અનિવાર્ય કારણ સિવાય પથારીમાંથી ઊભા પણ નહિ થવા સલાહ આપી છે. આથી થોડા સમય સુધી તેમનાં તમામ ફિલ્મ શૂટ, એડ શૂટ તથા અન્ય તમામ વ્યવસાયિક કામ ઠપ રહેશે.  અમિતાભ અવારનવાર તેમના ચાહકો ને ઝલક આપવા બંગલાનાં ગેટ પર આવે છે પણ હાલ થોડા દિવસો સુધી ચાહકોને ધક્કો નહિ ખાવા પણ જણાવ્યું છે.

અમિતાભ અગાઉ કુલી ફિલ્મના શૂટિંગમાં પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા

અગાઉ અમિતાભને કુલી ફિલ્મમાં પણ ઈજાઓ પહોંચી હતી. આ ફિલ્મના શૂટિંગ સમયે અમિતાભ તેમની કારકિર્દીની ટોચ પર હતા. ફિલ્મના એક ફાઈટીંગ સીનમાં અમિતાભને પુનીત ઈસર તરફથી એવો મુક્કો લાગ્યો હતો કે તેઓ ટેબલ સાથે અથડાયા બાદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે હાલ જે ફિલ્મ માટે અમિતાભ કામ કરી રહ્યા છે તેમાં  પ્રભાસ અને દીપિકા પાદુકોણ મુખ્ય કલાકારો છે. અગાઉ આ જ ફિલ્મનાં શૂટિંગ વખતે દીપિકા પાદુકોણ માંદી પડી હતી અને તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. આ સાઈ ફાઇ ફિલ્મ આવતાં વર્ષે જાન્યુઆરી માં રિલીઝ થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.