Abtak Media Google News

આવતીકાલે પણ 11 જિલ્લામાં માવઠુ પડશે રવિવાર સુધી કમોસમી વરસાદ યથાવત રહેશે

દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસર તળે રાજ્યમાં છેલ્લા બે દિવસથી અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યભરમાં આજથી માવઠાનું જોર વધશે. આજે સૌરાષ્ટ્રના ચાર સહિત રાજ્યના 15 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગામી રવિવાર સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેશે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની સાથે જોડાયેલા સેન્ટ્રલ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદ ઉપરાંત કચ્છ અને દિવસમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

દરમિયાન આવતીકાલે પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ પડશે. આગામી રવિવાર સુધી રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે અને રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતો રહેશે.

માવઠાના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની જવા પામી છે. એક પખવાડિયામાં બબ્બે વાર વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેના કારણે રોગચાળો પણ વકર્યો છે. આજે રાજ્યભરમાં માવઠાનું જોર વધશે. ગઇકાલે પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને અનેક સ્થળોએ છાંટા સાથે સામાન્ય વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં પણ સાંજના સમયે સામાન્ય છાંટા પડતા રોડ ભીના થઇ ગયા હતાં. અનેક યાર્ડ દ્વારા કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોને માલ ન લાવવા તાકીદ કરાય છે.

26 તાલુકાઓમાં કમોસમી વરસાદ

ડેડીયાપાડામાં સૌથી વધુ અર્ધોઈંચ અન્ય સ્થળોએ માત્ર છાંટા પડયા

રાજયના 26 તાલુકાઓમાં બુધવારે વરસાદ પડયો હતો. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં 12 મીમી વરસાદ વરસી ગયો હતો. આજે 15 જિલ્લામાાં વરસાદની આગાહી આપવામાંઆવી હતી. અંકલાવમાં 8 મીમી, ખંભાત, ઉમરપાડા, નિઝરમાં 5-5 મીમી, સાગબાડામાં 4 મીમી હંસોટ, સુબીર અને ભાવનગરમાં 3-3 મીમી, વરસાદ પડયો હતો. આ ઉપરાંત કંઠલાલ, અંકલેશ્ર્વર, મહેમદાબાદ, આણંદ, ગારિયાધાર, વધઈ, વડોદરા, વાળોદ, માંગરોળ, વ્યારા, દાહોદ, ગરબાડા, ડભોઈ, દેવગઢબારીયા, ઉચ્છાળ અને સોમાં સામાન્ય છાંટા પડયા હતા.

સુરેન્દ્રનગર પંથકમાં મંગળવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ભરઉનાળે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર, લખતર, થાનગઢ પંથકમાં સામાન્ય હળવા છાંટા પડયા હતા. તેજ પવન સાથે અને મીની વાવાઝોડા જેવી પવનની ગતિ જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં 8.1 ડીગ્રી તાપમાન ઘટી ગયું હતું. મંગળવારે મહત્તમ તાપમાન 39.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ગઈકાલે વાદળછાયા વાતાવરણને કારણે 31.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. વાદળછાયું વાતાવરણ, છાંટા અને માવઠાની આગાહીને કારણે ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.