Abtak Media Google News

રાજ્ય સરકાર નિકાસ વધારવા ટૂંક સમયમાં નીતિ જાહેર કરશે : દરેક જિલ્લામાં એક કમિટી બનશે, જે ખાસ પ્રોડક્ટની પસંદગી કરી તેની નિકાસમાં પ્રોત્સાહન પૂરું પાડશે

રાજ્ય સરકાર નિકાસ વધારવા ટૂંક સમયમાં નીતિ જાહેર કરશે. આ માટે સરકારે પેટ્રોલીયમ, જવેલરી, કેમિકલ, એન્જીનીયરીંગ- ઓર્ગેનિક પ્રોડકટની નિકાસનો ‘વિકાસ’ પ્લાન દોર્યો છે. બીજી તરફ દરેક જિલ્લામાં એક કમિટી બનશે, જે ખાસ પ્રોડક્ટની પસંદગી કરી તેની નિકાસમાં પ્રોત્સાહન પૂરું પાડશે.

ગુજરાતએ દેશનું ઔદ્યોગિક હબ છે. ત્યારે રાજ્યની નિકાસને વધુમાં વધુ પ્રોત્સાહન મળે એ માટે સરકાર પ્રયત્નશીલ છે. જેના માટે ખાસ નીતિ  પણ જાહેર કરવામાં આવશે.આ નીતિમાં કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેર કરેલી વિદેશ વ્યાપાર નીતિના મુખ્ય પાસાઓને આવરી લેવામાં આવશે ઉપરાંત નિકાસ મહત્વ ધરાવતી ચીજો-પ્રોડકટોને વધારાના પ્રોત્સાહન આપવામાં આવશે. આ નિકાસ પ્રોત્સાહન નીતિમાં એકસપોર્ટ પ્રમોશન ઓથોરીટીની રચના કરવામાં આવશે અને મુખ્ય સચીવના વડપણ હેઠળની ઉચ્ચ સ્તરીય કમીટી તેનુ મોનીટરીંગ કરો.આ ઉપરાંત દરેકે દરેક જીલ્લા માટે અલગ એકસપોર્ટ પ્રમોશન કમીટીનું ગઠન કરવામા આવશે.

ગુજરાતમાંથી સૌથી વધુ નિકાસ થાય છે તેવી પેટ્રોલીયમ પ્રોડકટસ ઉપરાંત કેમીકલ્સ ડાયમંડ, જવેલરી, એન્જીનીયરીંગ ગૂડઝ વગેરે ઉપર સરકાર વિશેષ ધ્યાન આપશે. આ સાથે જીલ્લાવાર નિકાસ પ્રોત્સાહન અંતર્ગત નિકાસની તકો ધરાવતી પ્રોડકટ તથા સેવાઓની ઓળખ મેળવી લેવામાં આવી છે.તેને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે.

રાજયનાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપુતે જણાવ્યું કે ગુજરાતમાંથી નિકાસ વધારવાના પ્રયાસનાં ભાગરૂપે સરકાર દ્વારા એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. તમામ જીલ્લા પોતપોતાનાં અલગ એકશન પ્લાન ઘડશે. દરેક જીલ્લામાં કઈ ચીજ-પ્રોડકટની નિકાસ માટે વધુ તક છે તેની ઓળખ મેળવવામાં આવશે અને તેના આધારે આવી તમામ ચીજો માટે પ્રોત્સાહન જાહેર કરવામાં આવશે.તેઓએ કહ્યું કે, ગુજરાત સરકારની નીતિ પણ કેન્દ્રનાં વ્યાપાર પ્રોત્સાહન નીતિનાં ધોરણે જ હશે.કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપતી જ હોય છે. રાજય સરકાર દ્વારા વધારાના પ્રોત્સાહન આપશે.

સરકાર દ્વારા વિદેશ વ્યાપાર નીતિના ચેપ્ટર-3 માં એમ કહેવામાં આવ્યું હતું કે આ વિકેન્દ્રીકરણના પ્રયાસો થકી જીલ્લા સ્તરેથી નિકાસ વધી શકશે અને આત્મ નિર્ભરતા વધવાની સાથોસાથ નાના ક્ષેત્રોને વૈશ્ર્વીક પ્લેટફોર્મ મળશે અને તેના આધારે જીલ્લા એકસપર્ટ હબ બની શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.