Abtak Media Google News

રૂ.14 લાખનું જીરૂ મંગાવી 4 લાખ આપી બાકીના પૈસા આપવાના સમયે હાથ ઉચા કરી દેતા નોધાતો ગુનો

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન અનેક ઠગાઈ અને છેતરપિંડીના અનેક બનાવો બનવા પામ્યા છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં માર્કેટિંગ યાર્ડના વેપારી પાસે મુંબઈના શખ્સે રૂ.14 લાખનું જીરું મંગાવ્યું હતું અને 4 લાખ ચૂકવી બાકીના પૈસા આપવાનો સમય થતા તેને હાથ ઉચા કરી દેતા વેપારીએ કુવાડવા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે મુંબઈના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગતો મુજબ સાધુવાસવાણી રોડ પર નંદપરિસર એપાર્ટમેન્ટમાં રહેતા અને બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદિત જણસની લે-વેચ કરતા ભાવેશભાઇ જેરામભાઇ ભીમાણી નામના વેપારીએ મુંબઇના પવઇ ખાતે રહેતા અને યુનિવર્સલ એન્ટરપ્રાઇઝના નામથી વેપાર કરતા ચેતન લક્ષ્મણ ખાંભલા સામે ફરિયાદ નોંધાવી હતી.જેનાં તેને જણાવ્યું હતી કે, મુંબઇના વેપારી ચેતન ખાંભલાએ અમદાવાદના દલાલ ભાવિનભાઇ રૂપારેલિયાના કહેવાથી મુંબઇના વેપારીને ગત વર્ષના મે મહિનામાં રૂ.14.21 લાખની કિંમતનું આઠ ટન જીરું મોકલ્યું હતુ. બે અલગ અલગ ટ્રક મારફતે જીરુંનો જથ્થો મોકલ્યા બાદ ત્રણ દિવસમાં નાણાં ચૂકવી આપવાનું નક્કી થયું હતું.

જેથી ચેતન ખાંભલાએ પોતાને બે તબક્કે રૂ.4 લાખ ચૂકવ્યા હતા.જ્યારે બાકીના રૂ.10.21 લાખની રકમ માટે મુંબઇના વેપારી ચેતન ખાંભલાને ફોન કરી ઉઘરાણી કરી હતી. જેથી તેને બે દિવસમાં ચૂકવી આપવા જણાવ્યું છે.છતાં આજ સુધી ચેતન ખાંભલાએ બાકીની રકમ નહિ ચૂકવતા અંતે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.