Abtak Media Google News

Table of Contents

  • વડાપ્રધાનની ચૂંટણી સભાઓ બાદ પ્રચારમાં આવશે ગરમાવો
  • અમદાવાદના નરોડામાં ગૃહમંત્રી અમિત શાહની સાંજે ચૂંટણી સભા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ડિસા અને હિમંતનગરમાં જ્યારે ગુરૂવારે આણંદ, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં ચૂંટણી સભા ગજવશે

ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી 25 બેઠકો માટે યોજનારા મતદાનના આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ આજે સાથે અમદાવાદમાં જંગી ચૂંટણી સભા સંબોધશે. દરમિયાન આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ છ સ્થળે ચૂંટણીસભા સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે આગામી શુક્રવારે રાજકોટમાં ચૂંટણી સભા ગજવશે.

Advertisement

આજે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદના નરોડા ગામે પંચાયત કચેરી નજીક અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખભાઇ પટેલના સમર્થનમાં વિજય સંકલ્પ સભા સંબોધશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેશે.

દરમિયાન આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે બપોરે 3:30 કલાકે ડિસા ખાતે અને સાંજે 5:15 કલાકે હિંમતનગર ખાતે ચૂંટણીસભા ગજવશે. દરમિયાન બીજી મેને ગુરૂવારના રોજ સવારે 11 કલાકે આણંદ ખાતે, બપોરે 1 કલાકે સુરેન્દ્રનગર, બપોરે 3:15 કલાકે જૂનાગઢ અને સાંજે 5 કલાકે જામનગર ખાતે ચૂંટણી સભાઓ સંબોધશે.

વડાપ્રધાન બે દિવસમાં કુલ છ ચૂંટણી સભા સંબોધશે. જેમાં લોકસભાની 10થી વધુ બેઠકોને આવરી લેશે. તેઓ એક જ વાર ગુજરાતમાં ચૂંટણી પ્રવાસે આવશે.

મતદાનના આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે નેતાઓ દ્વારા મતદારોને મનાવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઇકાલે પાટણમાં ચૂંટણી સભા સંબોધી હતી.

દરમિયાન આગામી ત્રીજી મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થન ઢેબર ચોક ખાતે ચૂંટણી સભા સંબોધશે. જામનગરમાં ગુરૂવારે વડાપ્રધાનની જાહેરસભાને લઇને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી. સુરેન્દ્રનગરમાં યોજાનારી પ્રધાનમંત્રીની જાહેરસભામાં રાજકોટને સાથે જોડી દેવાશે. કાળઝાળ ગરમીમાં હજી ચૂંટણીનો માહોલ જામતો નથી.

મતદાનના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભાજપ તરફી માહોલ બનાવવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. માત્ર બે દિવસમાં તેઓ અલગ અલગ છ સ્થળોએ ચૂંટણી સભાઓ સંબોધશે. જેમાં અનેક લોકસભા બેઠકોને આવરી લેવામાં આવશે.રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ રાજા રજવાડ અંગે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેને શાંત પાડવા પણ વડાપ્રધાન એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં અલગ અલગ ત્રણ શહેરોમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા હોવાનું પણ ચર્ચા રહ્યું છે.હાલ કાળઝાળ ગરમીના કારણે ચૂંટણીનો માહોલ જામતો નથી.હવે વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ બરોબર માહોલ પકડાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી તેઓ માત્ર બે દિવસ ગુજરાતમાં આવશે ત્યારે બાદ સીધા સાતમીની મેના રોજ મતદાન કરવા માટે ગુજરાત આવશે.

મતદાનના આડે માત્ર એક સપ્તાહ: મતદારોને મનાવવા મથામણ

રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા ઉમેદવારોનો જોર-શોરથી ચૂંટણી પ્રચાર: મતદારો મન કળવા દેતા નથી: રવિવારથી પ્રચારનાં ભુંગળા શાંત

ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. મતદાનના આડે હવે એક જ સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો તથા ચૂંટણી લડવા ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. જો કે, મતદારો હજી પોતાનું મન કળવા દેતા નથી.   પ્રથમ બે તબક્કામાં ઓછા મતદાન બાદ ત્રીજા તબક્કામાં મતદાનની ટકાવારી ઉંચી રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા પણ અથાગ પ્રવાસો કરવામાં આવી રહ્યા છે. આકાશમાંથી અગન વર્ષા થઇ રહી હોવાના કારણે ચૂંટણીનો માહોલ બરાબર જામતો નથી. ધારી મેદની એકત્રીત થતી નથી.  મતદાન પૂર્વના અંતિમ સપ્તાહમાં રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં ડેરાતંબુ તાણ્યા છે.

ગત સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ ચૂંટણીસભા સંબોધી હતી. દરમિયાન ગઇકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાટણમાં ચૂંટણીસભા સંબોધી હતી. આજે ફરી અમિતભાઇ શાહ ચૂંટણી પ્રચાર માટે અમદાવાદ આવી રહ્યા છે. આવતીકાલથી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં છ સ્થળે ચૂંટણીસભા ગજવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે રાજકોટમાં શુક્રવારે સભા ગજવશે.  આવતા મંગળવારે ગુજરાતમાં મતદાન થવાનું હોય રવિવારે સાંજે છ કલાકે ચૂંટણી પ્રચારના ભૂંગળા શાંત થઇ જશે.

હવે પ્રચાર માટે છ દિવસ હાથમાં છે. કાળઝાળ ગરમીમાં લોકોમાં ચૂંટણીને લઇ ઉત્સાહ જોવા મળતો નથી. ચૂંટણીની રેલી, જાહેરસભા, રોડ-શો કે લોકસંપર્ક જેવા કાર્યક્રમોમાં પણ પાંખી હાજરી જોવા મળે છે. જે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોની ચિંતા વધારી રહી છે.  પ્રથમ અને બીજા તબક્કામાં મતદાનની ટકાવારી નીચી રહેવા પામી હતી. જે મોટી ચિંતાનો વિષય છે. ભાજપ શાસિત રાજ્યોમાં મતદાનની ટકાવારી ખૂબ જ નીચી રહેવા પામી છે. મતદાનની ટકાવારીથી ચૂંટણીપંચ પણ ચિંતિત છે. હવે ત્રીજા તબક્કામાં મતદાનની ટકાવારી વધારવા ચૂંટણીપંચ મહા મહેનત કરી રહ્યું છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જામનગર સભા સ્થળની મુલાકાત લઇ તૈયારીની સમીક્ષા કરી

Img 20240430 Wa0020

આગામી બીજી મેના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગરની મુલાકાતે આવેલા હર્ષ સંઘવી દ્વારા સભાસ્થળ પ્રદર્શન મેદાનની મુલાકાત લેવામાં આવી હતી. આ તકે તેમના દ્વારા રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા, રાઘવજી પટેલ, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડિલુ સહિતના સાથે બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં વડાપ્રધાનની સભાને લઈ ચર્ચા કરવામાં આવી હતી તો સાથોસાથ સુરક્ષા ને લઈને પણ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જામનગર પહોંચેલા હર્ષ સંઘવી દ્વારા સ્થાનિક ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. તેમજ જામનગર લોકસભા બેઠક ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ માડમના નિવાસ્થાને પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પી.એમ.ની સભામાં કાંકરીચાળો ન થાય તે માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની જવાબદારી સિનિયર આઇપીએસને સોંપાઇ

જામનગરમાં સીઆઈડી વડા રાજકુમાર પાંડિયન, જુનાગઢમાં સુભાષ ત્રિવેદી અને સુરેન્દ્રનગરની અભયસિંહ ચુડાસમાને જવાબદારી

Screenshot 1 5 5

ક્ષત્રિય સમાજના આંદોલનને પગલે રાજય લો એન્ડ ઓર્ડર વિભાગના વડા શમશેરસિંઘે રાતોરાત હવાલો સોંપ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 2જી મેના રોજ સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર ખાતે જંગી સભાનું સંબોધન કરવા જઈ રહ્યા છે દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના વડા શમશેરસિંઘ દ્વારા ત્રણ સિનિયર આઈપીએસ અધિકારીઓને સૌરાષ્ટ્રના ત્રણેય જિલ્લાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે, હાલ ક્ષત્રિય સમાજ ભાજપના તમામ કાર્યક્રમોમાં વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તેવા ઉદેશ્ય સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર નરેન્દ્રભાઈની ત્રણ સભાનો હવાલો રાજકુમાર પાંડીયન, સુભાષ ત્રિવેદી અને અભયસિંહ ચુડાસમાને આપવામાં આવ્યો છે. વડાપ્રધાનના આગમનની પૂર્વ સંધ્યાએ ક્ષત્રિય સમાજના રોષની તોપનું નિશાન પરશોતમભાઈ રૂપાલા અને ભાજપ તરફથી ન હટાવવાની મક્કમતાનાં પગલે તંત્ર ચિંતિત હોય દરમિયાન

જામનગરમાં સીઆઈડી વડા રાજકુમાર પાંડિયન, જુનાગઢમાં સુભાષ ત્રિવેદી અને સુરેન્દ્રનગરની જવાબદારી અભયસિહ ચુડાસમાને મોડી રાતે આપી દેવામાં આવી હોય તે પ્રકારની સચોટ માહિતી સામે આવી છે.

લોકસભા ચૂંટણી અનુસંધાને પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર ખાતે સભાનું સંબોધન કરનાર છે. ત્યારે જૂનાગઢ ખાતે 7 એસપી કક્ષાના અધિકારીઓ ખડેપગે રહેનાર છે. ઉપરાંત 17 ડીવાયએસપી, 22 પીઆઈ, 117 પીએસઆઈ, 1051 પોલીસ સ્ટાફ, 184 એસઆરપી જવાનો, 600 હોમગાર્ડ જવાન સહીત આશરે 2200 જેટલાં પોલીસ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવનાર છે.

આ ઉપરાંત અન્ય બે જિલ્લા જામનગર અને સુરેન્દ્રનગર ખાતે પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. આ બંને જિલ્લાઓમાં પોલીસ બંદોબસ્તની વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બંને જિલ્લાઓમાં અને સભાસ્થળે ચકલું પણ ફરકી શકે નહિ તે પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.