Abtak Media Google News
  • ગુજરાતના 12 જિલ્લાઓમાં નવા કુલ 31 ગામોની પસંદગી : જિલ્લા અનુસરણ સમિતિની બેઠક કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ : અધિકારીશ્રીઓને આદર્શ ગામોનો સુયોજીત વિકાસ કરવા કલેટકરનો આદેશ

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના રાજકોટ જિલ્લા અનુસરણ સમિતિની બેઠક કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.   આ બેઠકમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી થયેલા જિલ્લાના રાજકોટ તાલુકાના પારડી ગામની તથા ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામના વિકાસ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી.

Advertisement

Prabhav Joshi

આ બંને ગામોને આદર્શ ગામ બનાવવા રૂપિયા 40 લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યારે તેના સુચારૂ વિકાસ કામના આયોજન અંગે કલેકટરે અધિકારીઓને દિશાસૂચન કર્યું હતું. ગામના રોડ-રસ્તા મરામત, આંગણવાડીઓનું આધુનિકરણ, શ્રેષ્ઠ આરોગ્યની સુવિધાઓ ગ્રામજનોને મળે તેના માટે એક્શન પ્લાન બનાવવા તથા તેની સિદ્ધિ મેળવી નવી સ્કીમથી વિકાસ થાય તે રીતે કામગીરી કરવા કલેકટરએ આદેશ કર્યો હતા.

ભારત સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ગુજરાત રાજયના 12 જિલ્લાઓમાં ગામોની કુલ વસ્તીના 40 ટકાથી વધુ અનુ.જાતિની વસતી ધરાવતા નવા કુલ 31 ગામોની વર્ષ 2021થી 2025ના દ્વિતિય તબકકામાં પસંદગી થઈ છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલ ગામોને ગામદીઠ રૂ. 21 લાખની રકમ ફાળવવામાં આવે છે. જે પૈકી રૂ.20 લાખની રકમ પસંદ થયેલ ગામોમાં ગેપફિલિંગ, વહિવટી અને અન્ય ખર્ચ માટે ફાળવવામાં આવે છે.

આ યોજના અંતર્ગત નિર્ધારિત ગુણાંક પ્રાપ્ત થયે તે ગામને આદર્શ ગ્રામ જાહેર કરવામાં આવશે. બેઠકનું સંચાલન નાયબ નિયામક, અનુસૂચિત જાતિના અધિકારી ચંદ્રવદન મિશ્રાએ કર્યું હતું.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, સમાજ કલ્યાણ અધિકારી પ્રાર્થના શેરસિયા, પ્રોગ્રામ ઓફિસર સાવિત્રિ નાથજી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.