Abtak Media Google News

હજુ સરકાર રચાઈ નથી, ત્યાં તો લોકોએ કોંગ્રેસના વચન પ્રમાણે વીજ બિલ ભરવાના જ બંધ કરી દીધા

કર્ણાટકમાં ભારે થઈ છે. હજુ તો કોંગ્રેસે માંડ સીએમ નક્કી કર્યા છે તેવામાં લોકોએ તો કોંગ્રેસના વચનને આધારે વીજળી બિલ જ ભરવાના બંધ કરી દીધા છે. ગરીબ લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ છે. પરંતુ જેને જરૂરિયાત નથી તેને અપાયેલી આ મફતની રેવડી રાજ્ય ઉપર બોજો વધારશે તે નિશ્ચિત છે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીત થઈ છે પરંતુ સરકાર હજુ બની નથી.  સાથે જ કોંગ્રેસે ચૂંટણી પહેલા જે વચનો આપ્યા હતા તે પુરા કરવામાં આવે તેવી માંગ પણ લોકો કરવા લાગ્યા છે.   કોંગ્રેસે વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો લોકોને 200 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે.  કર્ણાટકમાં સરકાર બનવાની બાકી હોવા છતાં લોકોએ વીજળીના બિલ ભરવાની ના પાડી દીધી!

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકના કોપ્પલ, કલબુર્ગી અને ચિત્રદુર્ગ જિલ્લાના કેટલાક ગામોમાં લોકોએ વીજળીનું બિલ ભરવાનો ઇનકાર કરી દીધો છે.  હકીકતમાં, કર્ણાટક કોંગ્રેસે તેના ઢંઢેરામાં લોકોને 200 યુનિટ વીજળી મફતમાં આપવાનું વચન આપ્યું હતું.  આવી સ્થિતિમાં વીજ વિભાગના કર્મચારીઓ જ્યારે કેટલાક ગામોમાં વીજ બિલ લઈને પહોંચ્યા ત્યારે લોકોએ બિલ ભરવાનો ઈન્કાર કરી દીધો હતો.

લોકો કહે છે કે કોંગ્રેસે મફત વીજળીનું વચન આપ્યું હતું અને અમે કોંગ્રેસને વોટ આપ્યો અને કોંગ્રેસ જીતી તો તેઓ મફત વીજળી મેળવવાના હકદાર બન્યા.  લોકોએ વીજ વિભાગના કર્મચારીઓને સ્પષ્ટપણે કહી દીધું છે કે તેઓ વીજ બિલ લઈને તેમની પાસે ન આવે કારણ કે તેઓ બિલ નહીં ભરે.  લોકો કહે છે કે હવે ગમે તે થાય અમે બિલ નહીં ચૂકવીએ.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પાંચ ગેરંટી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.  તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો તે ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ છે.  જો કે, હવે કોંગ્રેસ સરકારે આ પાંચ ગેરંટી યોજનાઓ લાગુ કરવામાં ઘણો સંઘર્ષ કરવો પડશે.  વાસ્તવમાં, કર્ણાટકમાં વીજળી સપ્લાય કરતી કંપનીઓ પહેલેથી જ વીજળીના દરમાં વધારો કરવાની માંગ કરી રહી છે.  વીજ કંપનીઓની આવકમાં 4 હજાર કરોડથી વધુનો તફાવત છે.  કર્ણાટકની જેમ કોંગ્રેસે મધ્યપ્રદેશમાં પણ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.