Abtak Media Google News

મનુસ્મૃતિ ગ્રંથમાં અગાઉ યુવતીઓ નાની ઉંમરમાં માતૃત્વ કેવી રીતે ધારણ કરતી હતી તેનું વાંચન કરો : હાઇકોર્ટની સલાહ

ભૂતકાળમાં છોકરીઓ માટે નાની ઉંમરે લગ્ન કરવા અને તેઓ 17 વર્ષની થાય તે પહેલાં તેમના પ્રથમ બાળકને જન્મ આપવું તે સામાન્ય હતું તેવું ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશે બુધવારે એક 17 વર્ષીય સગીરાની ગર્ભપાતની પરવાનગીની અરજીની સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી હતી. આ અંગે વકીલને ‘મનુસ્મૃતિ’ ગ્રંથ વાંચવા વિનંતી કરનાર ન્યાયાધીશે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસેથી સગીર અને ગર્ભના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બચી ગયેલા સાત મહિનાના ગર્ભનો ગર્ભપાત કરવો યોગ્ય છે કે કેમ તે અંગે તબીબી અભિપ્રાય માંગ્યો છે.

Advertisement

બળાત્કાર પીડિતાના નિવેદનને ધ્યાનમાં લીધા પછી અને રાજકોટ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના વડાની સલાહ લીધા પછી જસ્ટિસ સમીર દવેએ પીડિતાની માનસિક સ્થિતિની ખાતરી કરવા માટે ઓસિફિકેશન ટેસ્ટ અને મનોચિકિત્સકની તપાસ કરવા ડોકટરોની એક પેનલને આદેશ આપ્યો હતો.

કોર્ટે કિશોરીની સ્થિતિ જાણવા અને જો કોર્ટ ગર્ભપાતનો આદેશ આપે તો તેણીની ગર્ભાવસ્થા સમાપ્ત કરવી યોગ્ય છે કે કેમ તે અંગેનો અભિપ્રાય જાણવાની માંગ કરી છે.  કોર્ટે આગામી સુનાવણી 15મી જૂન પર રાખી છે.

જ્યારે અરજદારના એડવોકેટ સિકંદર સૈયદે ડિલિવરીની અપેક્ષિત તારીખ 16 ઓગસ્ટ હોવાથી વહેલી સુનાવણીની વિનંતી કરી હતી. ત્યારે ન્યાયાધીશે તેમને કહ્યું કે જો ભ્રૂણ અને બળાત્કાર પીડિતા સારી સ્થિતિમાં હોય તો કોર્ટ ગર્ભપાતની મંજૂરી આપી શકે નહીં.

ન્યાયાધીશે કહ્યું કે, ભૂતકાળમાં છોકરીઓ નાની ઉંમરમાં જ માતૃત્વ પ્રાપ્ત કરતી હતી. તમે આ અંગે વધુ જાણવા માટે એકવાર મનુસ્મૃતિ વાંચો, તેવી ન્યાયાધીશે વકીલને સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું કે ભૂતકાળમાં છોકરીઓ માટે 14-15 વર્ષની વયે માતા બનવું તે કેવી રીતે સામાન્ય હતું તેનો ઉલ્લેખ પણ આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે.

ન્યાયાધીશે ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની પ્રક્રિયા દરમિયાન બાળકના જીવંત જન્મની સંભાવના અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.  જો આવું થાય તો બાળકની સંભાળ કોણ રાખશે? જો બાળક જીવિત જન્મે તો શું કોર્ટ તેની હત્યા કરવાની પરવાનગી આપી શકે છે, તેવો સવાલ ન્યાયાધીશે પૂછ્યો હતો. વકીલને જાણ કરી કે કોર્ટ સમાજ કલ્યાણ વિભાગના અધિકારીની પણ સલાહ લેવા માંગે છે.  તમે પણ દત્તક લેવાના વિકલ્પો શોધવાનું શરૂ કરો તેવું ન્યાયાધીશે કહ્યું હતું.

ન્યાયાધીશે વકીલને સ્પષ્ટ કર્યું કે, જો ગર્ભ અને માતા સારી સ્થિતિમાં હોય તો કોર્ટ ગર્ભપાતની પરવાનગી આપી શકે નહીં. આ કેસમાં ગર્ભ 1.27 કિલોનો હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.