રૂ. 65 હજારના પેકેજની લાલચ આપી એન્જિનિયરિંગના 60 સ્ટૂડન્ટ્સનું ભેજાબાજો કરી ગયા
હાલ સાયબર ફ્રોડના કિસ્સાઓમાં વધારો થયો છે. સાયબર ક્રૂક્સ રોજે રોજ નવા નવા કિમીયા અપનાવીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી મોટું સાયબર જોબ સ્કેમ સામે આવ્યું છે. જેનો શિકાર એન્જિનિયરિંગના 60 જેટલાં વિદ્યાર્થીઓ બન્યા છે. સાયબર ભેજાબાજોએ શહેરની એક ખાનગી યુનિવર્સિટીના વિવિધ એન્જિનિયરિંગના એક કે દસ નહીં પણ 60 જેટલાં સ્ટૂડન્ટ્સને તેનો શિકાર બનાવ્યા છે. સાયબર ભેજાબાજોએ આ સ્ટૂડન્ટ્સને એવી લાલચ આપી હતી કે, તેઓને પ્રતિષ્ઠિત પાવર જનરેશન કંપનીમાં ટ્રેઈની એન્જિનિયરની નોકરી આપવામાં આવશે. આવું કહીને તેઓને જાળમાં ફસાવ્યા હતા. બીજી તરફ, આ ભણેલાં ગણેલાં વિદ્યાર્થીઓ પણ ભેજાબાજોની ચાલમાં ફસાઈ ગયા હતા.
એલજે યુનિવર્સિટી અને શહેર પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, કેમિકલ્સ, કમ્પ્યુટર્સ, મિકેનીકલ, ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી, સિવિલ વગેરે જેવા એન્જિનિયરિંગ કોર્ષના સ્ટૂડન્ટ્સ આનો શિકાર બન્યા છે. બદમાશોએ ચાલાકીપૂર્વક તેમને નિશાન બનાવ્યા હતા અને પછી કુલ રુપિયા 75,000ની છેતરપિંડી આચરી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે બદમાશોએ એલજે યુનિવર્સિટીના એક પ્રોફેસરને નોકરીની તક માટેનો મેસેજ મોકલ્યો હતો. જે બાદ પ્રોફેસરે તમામ વિદ્યાર્થીઓને આ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. જે બાદ નોકરીના કૌભાંડની શંકા ઊભી થઈ હતી.
યુનિવર્સિટીએ બુધવારે સાયબર ગુનેગારો સામે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી. જેમાં લખ્યું હતું કે, અમે સરખેજની એલજે યુનિવર્સિટી, એલજે ઈન્સિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીની સંસ્થા છે. આ ઘટનાની જાણ કરી રહ્યાં છીએ કે, ગઈ 21 જૂન, 2023ના રોજ સાંજે પાંચથી છ વાગ્યાની વચ્ચે એક વેબસાઈટ પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. જેમાં દરેક ઉમેદવાર પાસેથી રુપિયા 1250ની ફી માગવામાં આવી હતી. કેટલાંક વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યુ અને ક્યૂઆર કોડ દ્વારા ચૂકવણી કરી હતી. ત્યારબાદ અમને જાણવા મળ્યું કે, આ એક છેતરપિંડીનો ભાગ છે.
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનના એક વિદ્યાર્થી કેવિન દેસાઈએ પણ તેનો અનુભવ શેર કરતા કહ્યું કે, પ્રોફેસરને વોટ્સએપ પર મળેલાં મેસેજની મેં વેબસાઈટ ચેક કરી હતી. જે એક અગ્રણી જૂથ સાથે જોડાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં એવો પણ ઉલ્લેખ હતો કે, ટ્રેઈની એન્જિનિયર્સને મહિને રુપિયા 65 હજારનો પગાર આપવામા આવશે. મેં વિશ્વાસ રાખીને તરત જ એન્ટરન્સ એક્ઝામ અને મેડિકલ ટેસ્ટ માટે રુપિયા 1250 ભરી દીધાં.
આ મેસેજમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, જો ઉમેદવાર પસંદ ન થાય તો તેને રિફંડ મળશે. જેથી મેં અને મારા સાથી વિદ્યાર્થીઓએ આંધળો વિશ્વાસ મૂકી દીધો અને રુપિયા ચૂકવી દીધા હતા. એના થોડા દિવસો પછી અમને પાવર જનરેશન કંપની દ્વારા સમર્થનનો કોઈ ઈમેલ ન નળ્યો એટલે શંકા ગઈ હતી, એવું કેવિને ખુલાસો કર્યો હતો.
જ્યારે છેતરાયેલા વિદ્યાર્થીઓને કંપની તરફથી કોઈ ઈમેલ ન મળ્યો એટલે તેઓએ પ્રોફેસરને આ વાતની જાણ કરી હતી, જેઓએ આ મેસેજ ફોરવર્ડ કર્યો હતો. આખરે આ મામલે યુનિવર્સિટીએ હસ્તક્ષેપ કર્યો હતો અને આ મામલે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર ક્રાઈમ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન પણ આ રીતે લોકોને વર્ક ફ્રોમ હોમની લાલચ આપીને શિકાર બનાવવામાં આવ્યા હતા. ત્યારે સાયબર ભેજાબાજોએ મોટાભાગના વિદ્યાર્થીઓને આ રીતે છેતર્યા છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસમાં આ મામલે વધારે ખુલાસો થશે.