Abtak Media Google News

વિદ્યાર્થી સમગ્ર વર્ષ નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી શકશે, પરંતુ બોર્ડની પરીક્ષા વખતે તેનું ફોર્મ રિપીટર વિદ્યાર્થી તરીકે જ ભરવામાં આવશે

ધોરણ-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ધો 10ના વિધાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવેથી ધોરણ-10માં નાપાસ થયેલો વિદ્યાર્થી શાળામાં પુન:  પ્રવેશ મેળવી અભ્યાસ કરી શકશે. જોકે, આ વિદ્યાર્થીએ જે સ્કૂલમાંથી ધોરણ-10ની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હોય તે જ સ્કૂલમાં પ્રવેશ માટે લાયક રહેશે. અન્ય સ્કૂલમાં તે પ્રવેશ મેળવી શકશે નહીં. આ વિદ્યાર્થી સમગ્ર વર્ષ નિયમિત વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી શકશે, પરંતુ બોર્ડની પરીક્ષા વખતે તેનું ફોર્મ રિપીટર વિદ્યાર્થી તરીકે જ ભરવામાં આવશે. આમ, જે વિદ્યાર્થીઓ ધોરણ-10માં નાપાસ થયા બાદ ઘરે બેસીને અભ્યાસ કરે છે તેઓ હવે સ્કૂલમાં જઈને ભણી શકશે.

Advertisement

મળતી માહિતી મુજબ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ નાપાસ વિદ્યાર્થીઓના નિયમિત પ્રવેશને લઈને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્ત રાજ્યના શિક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી. જેની પર શિક્ષણ વિભાગે નિર્ણય લઈ જોગવાઈમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી ફરી શાળામાં પ્રવેશ મેળવી શકતો ન હતો. તેણે ઘરે બેસીને અભ્યાસ કરી ત્યાર પછીની પરીક્ષા આપવાની રહેતી હતી. જોકે, આ પહેલા બોર્ડ દ્વારા નાપાસ વિદ્યાર્થીઓને નિયમિત વિદ્યાર્થી તરીકે સ્કૂલમાં પ્રવેશની છુટ આપી હતી. જેથી આ રીતે ફરી નાપાસ વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ માટે અનેક રજૂઆતો બાદ નિર્ણય કરાયો છે.

શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની જોગવાઈમાં કરવામાં આવેલા ફેરફાર અનુસાર, હવે ધોરણ-10ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી નાપાસ થશે તો ત્યારપછીના એક શૈક્ષણિક વર્ષ પુરતી જિલ્લા શિક્ષણાધિકારીની પુર્વ પરવાનગીથી શાળામાં પ્રવેશ મેળવી શકશે. જોકે, આ વિદ્યાર્થીએ ધોરણ-10ની પરીક્ષા નિયમિત વિદ્યાર્થી તરીકે જે સ્કૂલમાંથી ફોર્મ ભીને આપી હોય તે જ સ્કૂલમાં પ્રવેશ મેળવી શકશે, અન્ય શાળામાં પુન: પ્રવેશ મેળવી શકશે નહીં. સ્કૂલોમાં આવા નોંધાયેલા વર્ગ દીઠ મહત્તમ 10 વિદ્યાર્થીઓને જ પ્રવેશ ફાળવી શકાશે.

ધોરણ-10માં નાપાસ થયા બાદ સ્કૂલમાં પુન: પ્રવેશ આપેલા વિદ્યાર્થીઓને ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યાની ગણતરીમાં લેવાના રહેશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.