Abtak Media Google News

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સમારોહમાં સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ ર0ર1-રરના સાહિત્ય ગૌરવ પુરસ્કારોથી નવ જેટલા સાહિત્ય સર્જકોનું સન્માન કરતાં સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે સાહિત્ય, સંસ્કૃતિ, કલા-કારીગરીના આપણા ભવ્ય વારસા અને વિરાસતને વિશ્વખ્યાતિ અપાવવામાં સાહિત્યસર્જકોનું ઉલ્લેખનીય પ્રદાન છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના અમૃતકાળમાં આપેલા પાંચ સંકલ્પમાંનો એક સંકલ્પ આપણી વિરાસત પર ગૌરવ કરવાનો છે. આ સંકલ્પ સાહિત્ય, સંસ્કૃતિ, કલાને રાજ્ય પુરસ્કૃત કરીને ગુજરાતમાં આપણે પાર પાડ્યો છે.

મુખ્યમંત્રીએ ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ ર0ર1-રર ના પુરસ્કારો લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારો અને યુવા સાહિત્યકારોને અર્પણ કર્યા હતા. આ પુરસ્કારો અંતર્ગત હિન્દી, કચ્છી અને ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન માટેના પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું કે, સાહિત્ય એવી સંજીવની છે જે આપણા જીવનને ઊર્જા-ચેતનાથી ભરી દે છે. આજના બદલાતા સમયમાં યુવા પેઢીના નવતર-નૂતન વિચારોને ઝિલીને એને પ્રતિબિંબિત કરવાનું મહત્વનું કામ ગુજરાત સાહિત્ય અકાદમી કરે છે તે અભિનંદનીય છે એમ તેમણે ઉમેર્યુ હતું. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ આપેલી એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાહિત્યના માધ્યમથી સાકાર કરવાની પ્રેરણા આપી હતી.

આ અંગે તેમણે જણાવ્યું કે શ્રેષ્ઠ ગુજરાતી કૃતિઓનો હિન્દી-અંગ્રેજીમાં અને અન્ય ભાષાની સારી કૃતિઓનો ગુજરાતીમાં અનુવાદ કરીને આ સંકલ્પના સાકાર થઇ શકે તેમ છે.

તેમણે સાહિત્ય અકાદમી માટે અત્યાધુનિક મેઘાણી અકાદમી ભવન આગામી સમયમાં સૌ સાહિત્યકારોની સેવામાં ખૂલ્લું મુકવાની રાજ્ય સરકારની નેમ આ તકે દર્શાવી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઇ બેરા, બળવંત જાની, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હા, મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર હર્ષદ પટેલ અને અગ્રગણ્ય સાહિત્યકારો, લેખકો, સાહિત્ય પ્રેમીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.