કાલે વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિન

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2005થી દર વર્ષે વિશ્વ માર્ગ અકસ્માત પીડીત સ્મૃતિ દિન નવેમ્બરના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે  છે. આ દિવસ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોને યાદ કરવા સાથે માર્ગ અકસ્માતમાં સારી અને ઝડપી મદદ મળે તે માટે કાર્ય કરવા પ્રેરીત કરવા અને માર્ગ અકસ્માતથી થતા મૃત્યુ રોકવા માટે ઉજવવામાં આવે છે. માર્ગ અકસ્માત પિડિતોને યાદ કરો, સહાય કરો અને અકસ્માત રોકવા કાર્યાન્વિત થાઓ ની થીમ પર આ વર્ષે વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ફોર રોડ ટ્રાફિક વિક્ટિમ્સ મનાવવામાં આવશે. આ વર્ષે માર્ગ અકસ્માતની ઘટનામાં ન્યાયપુર્ણ અને તટસ્થ તપાસ તેમજ જે તે ઘટનાનો અભ્યાસ કરીને તેને ફરીથી બનતી રોકવાના કાર્યને કેન્દ્રમાં રાખીને દિવસની ઉજવણી કરાશે.

માર્ગ અકસ્માત રોકવા માટે વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો, ટુ વ્હિલર ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવી, નશા કે અશક્તિની હાલતમાં જાતે વાહન ન ચલાવવું, અકસ્માતના સાક્ષી બનવાના સમયે પીડિતની સારવાર માટે એમ્બ્યુલન્સ બોલાવવી, નિયત ગતિ મર્યાદામાં જ વાહન ચલાવવું, ક્યારેય પણ  ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન ન કરવું, ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રોડ ક્રોસ કરવો, ફોર વ્હીલરમાં હંમેશા સીટ બેલ્ટ પહેરવો જેવા નિયમોને આદત તરીકે અપનાવવા જોઇએ.

જો ઇજાગ્રસ્તોને અકસ્માતના પ્રથમ એક કલાક(ગોલ્ડન અવર) દરમ્યાન તાત્કાલિક સારવાર મળી જાય તો 50% કિસ્સામાં મૃત્યુને ટાળી શકાય છે, આ માટે રાજ્ય સરકાર દ્વારા અમલી આપત્તિનાં સમયમાં સમયસર હોસ્પિટલ પહોંચાડીને લોકોનાં જીવન બચાવનાર અને જીવાદોરી સમાન 108 સેવા ખુબ મહત્વની સાબિત થઇ  છે. 108નો રાજ્યમાં સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 18 મિનિટ જેટલો છે જયારે શહેરી વિસ્તારમાં 11 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ અને ગ્રામીણ વિસ્તારમાં 22 મિનિટ જેટલો રિસ્પોન્સ ટાઈમ છે,જેના લીધે ગોલ્ડન અવરમાં સારવાર આપવી વધુ સરળ બની છે.

માર્ગ અકસ્માત સારવાર સહાય યોજના

વાહનોની વધતી જતી સંખ્યા સાથે , રસ્તા પર થતા અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે . જો ઘરની મુખ્ય વ્યક્તિનું અકસ્માતથી મૃત્યુ થાય તો આખું કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે . આ પરિસ્થિતિને ધ્યાને લઇ માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ રોકવા માટે ગુજરાત સરકાર દ્વારા  માર્ગ અકસ્માત સારવાર સહાય યોજના  2018 થી અમલમાં મુકવામાં આવી છે . આ યોજના અંતર્ગત ગુજરાતમાં થયેલા કોઈ પણ વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્તોને અકસ્માતના પ્રથમ 48 કલાક દરમ્યાન અપાયેલ તમામ સારવાર , ઓપરેશન વિગેરે માટેના ખર્ચ પૈકી ઠરાવના નિયમો મુજબ પેકેજિસ પ્રમાણે રૂ .50,000 ની મર્યાદામાં વ્યક્તિદીઠનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર દ્વારા સીધો હોસ્પિટલોને ચૂકવવામાં આવે છે . યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ઇજાગ્રસ્ત લાભ લેવા ઇચ્છે છે તે અંગેના સંમતિપત્રકમાં ઈજાગ્રસ્ત કે ઈજાગ્રસ્તના સગા – સંબધીએ સહી કરવાની હોય છે અને અકસ્માતની પોલિસ ફરિયાદની નકલ રજુ કરવાની હોય છે . આ યોજનાનો લાભ મેળવવા માટે જે તે હોસ્પિટલમા દાખલ કરતી વખતે રજુઆત કરવી જરૂરી છે . આ અંગે કોઇ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજકોટ જિલ્લાના લાભાર્થીઓ અને હોસ્પિટલો પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે સી.ડી.એમ.ઓ. ઓફિસનો સંપર્ક કરી શકે છે .

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.