Abtak Media Google News

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી અને ઇસરોના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી  છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે,  વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીએ અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરીને નવા ભારતના નિર્માણમાં દેશના નવયુવાનોની પ્રતિભા, તેમનો જુસ્સો અને ટેલેન્ટ ખૂબ જ મહત્વની સાબિત થવાની છે.

અમદાવાદ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. અને ઈસોના સંયુકત ઉપક્રમે  યોજાયેલી છઠ્ઠી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોનનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

2047 માં વિકસિત ભારતના નિર્માણમાં આવનારા પડકારો અને પ્રશ્નોના સમાધાન નવા વિચારો, નવા ક્લેવર અને નવા સંશોધનો સાથે શોધવાની જરૂર છે. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન જેવા પ્લેટફોર્મ વિવિધ સેક્ટરના રીયલ લાઈફ પ્રોબ્લેમને સોલ્વ કરવાની દિશામાં દેશની યુવાશક્તિને યથાયોગ્ય રીતે સહભાગી બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.

દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ ’જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ના સૂત્ર સાથે ’જય અનુસંધાન’ શબ્દ જોડીને ખરાં અર્થમાં દેશને રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે નવા આયામ ઉપર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. સરકારી વિભાગો, ઇન્ડસ્ટ્રી, મંત્રાલયો વગેરેના રિયલ ટાઈમ પ્રોબ્લેમના સોલ્યુશન માટે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એક મહત્વનું પ્લેટફોર્મ છે.

વધુમાં વાત કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશમાં આજે આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટેકનોલોજી, કૃષિ, શિક્ષણ, ડિફેન્સ જેવા દરેક ક્ષેત્રે ક્રાંતિ થકી આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને દેશના યુવાઓ માટે નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે. આજે દેશમાં રિસર્ચ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે નવી શિક્ષણનીતિ, અટલ ઇનોવેશન મિશન, આઈ-ક્રિએટ, આઈ-હબ જેવા અનેકવિધ ઉપક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે ટેકનિકલ શિક્ષણ કમિશનર   બંછાનિધી પાની, જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના એડવાઈઝર ડો.મિહિર શાહ, જીટીયુ અને ઈસરોના અધ્યાપકો/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.