Abtak Media Google News
  • ગુજરાતના લાખો લોકોનું ઘરના ઘરનું સપનુ સાકાર
  • આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં તમામ 182 વિધાનસભા ક્ષેત્રો જોડાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ડીસા ખાતે રહ્યા ઉપસ્થિત

Gujarat News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ પણ કરવાના છે.

ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ સી.આર. પાટિલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ અને ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઇ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 115 ગ્રામીણ મતવિસ્તાર અને 67 શહેરી મતવિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ 182 વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને પોસાય તેવી કિંમતોએ પાકાં મકાનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પ્રારંભ કર્યો હતો. છેલ્લાં 9 વર્ષોમાં આ યોજના હેઠળ દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે અને તેમનું જીવનધોરણ પણ ઊંચું આવ્યું છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત રાજ્યમાં પણ સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી છે, અને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત તેના અમલીકરણમાં અગ્રેસર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની સ્વતંત્રતાની શતાબ્દી 2047માં ઉજવાય ત્યાં સુધીમાં અમૃતકાળમાં વિકસિત ભારતઽ2047નો સંકલ્પ આપ્યો છે. દેશના તમામ લોકોને પાકું આવાસ પૂરા પાડવાનો પણ ધ્યેય તેમણે રાખ્યો છે.

વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પમાં વિકસિત ગુજરાતના નિર્માણથી અગ્રેસર રહેવા ગુજરાત પ્રતિબદ્ધ છે.આ હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં વિકસિત ગુજરાતઽ2047નો રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે.ગુજરાતમાં પણ લોકોને પોતાના સપનાનું ઘર મળે તે દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે.

આ દિશામાં આગળ વધતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 13.42 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 8.28 લાખ આવાસો, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.14 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ 7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો, તેની સામે અત્યાર સુધીમાં કુલ 9.61 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે અને આ મંજૂર થયેલ આવાસોમાંથી 8.28 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ચાલું નાણાકીય વર્ષ 2023-24 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વર્ષ 2024-25 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 65,000થી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 5.96 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલી લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેકસીસ યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ‘વર્ષ 2024 સુધીમાં સૌને ઘર’ ની સંકલ્પનાને સાકાર કરવાના ઉમદા લક્ષ્યાંકને સિદ્ધ કરવાના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં માળખાગત સુવિધાઓ સાથે 5,14,170 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ 6,06,041 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, તે પૈકી 62% આવાસો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીમાં મંજૂર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) હેઠળ કુલ રૂ.1.20 લાખની સહાય ડીબીટીના માધ્યમથી સીધી જ લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે.

આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા આ યોજના હેઠળ પ્રથમ હપ્તાની ચૂકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂ.20,000ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 63,101 લાભાર્થીઓને રૂ.126.20 કરોડની સહાયનો લાભ આપવામાં આવ્યો છે.

ગુજરાતે હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વિકસાવી છે. આ પરંપરાને વધુ વ્યાપક બનાવતા વિવિધ કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડઝ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ની ઉત્કૃષ્ટ કામગીરી માટે મળ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ 14 જેટલા એવોર્ડ મળ્યા છે.

વર્ષ-2017માં કેન્દ્ર સરકાર દ્વારા ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન, વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ આવાસ માટે 3 એવોર્ડ, તેમજ બીએલસી (બેનિફિશિયરી લેડ ક્ધસ્ટ્રક્શન) ઘટક અંતર્ગત રાજ્યના 3 લાભાર્થીઓને બેસ્ટ હાઉસ ક્ધસ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા  પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 7 વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.