Abtak Media Google News

પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવાયા: સૌરાષ્ટ્રમાં આન બાન શાન સાથે લહેરાયો તિરંગો: દેશભકિતનો રંગ ઘુંટાયો

દેશમાં આજે આન, બાન, શાન સાથે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા મહેસાણા ખાતે કરવામાં આવી હતી. આજે સવારે રાજયપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવોએ મહેસારા ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ તકે પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હી ખાતે લાલકિલા પર ધ્વજવંદન કર્યું હતું. જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહે રાષ્ટ્રપતિ ભવન ખાતે અને આરએસએસના વડા મોહન ભાગવતે કેરલમાં ધ્વજવંદન કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વોર્ડ નં.૬માં કરવામાં આવી હતી.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭માં દેશ આઝાદ થયા બાદ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતના બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. એટલે ૨૬મી જાન્યુઆરીની ઉજવણી પ્રજાસત્તાક પર્વ તરીકે કરવામાં આવી રહી છે. રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક નવી જ પહેલ શરૂ કરી હતી. જેમાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી રાજધાની ગાંધીનગર ખાતે કરવાના બદલે રાજયના અલગ-અલગ જિલ્લાઓમાં કરવાની પ્રણાલી શરૂ કરી હતી. જેને વર્તમાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આગળ ધપાવી છે. ગુજરાત સરકાર દ્વારા દેશના ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી મહેસાણા ખાતે કરવામાં આવી હતી. આ તકે રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ મહેસાણામાં ધ્વજવંદન કર્યું હતું. ધ્વજવંદન અને રાષ્ટ્રગાન બાદ મહેસાણામાં પરેડ યોજાઈ હતી. ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી.મહેસાણામાં ખૂબજ અભૂતપૂર્વ માહોલ જોવા મળી રહ્યો હતો. રાજયના તમામ ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોમાં ભારે ઉત્સાહ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે રાજયના ગામો-ગામ આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાયો હતો અને લોકો દેશભક્તિના રંગેરંગાયા હતા. દિલ્હીમાં આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું. અલગ અલગ દેશના વડાપ્રધાન સહિતના મહાનુભાવો આજે ભારતના ૬૯માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સામેલ થયા હતા.

મહેસાણા ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ધ્વજવંદન કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વિકાસ ગુજરાતની આગવી ઓળખ બની ગયો છે અને આજે પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે આપણે સૌ વિકાસને વધુ વેગવંતો બનાવીએ તેવો સંકલ્પ લેવો જોઈએ. મુખ્યમંત્રીની આ વાતને ઉપસ્થિત માનવ મેદનીએ સહર્ષ વધાવી લીધી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે અહીં ધ્વજવંદન કર્યું હતું અને શહેરીજનો જોગ ઉદબોધન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.