Abtak Media Google News

ગુજકોટના વધુ એક ગોડાઉનમાં ‚રૂ.૭ કરોડની મગફળીનો જથ્થો સળગીને રાખ: અગ્નિકાંડની તપાસ અર્થે જિલ્લા કલેકટર અને એસપી દોડી ગયા: એફએસએલની લેવાતી મદદ

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી થયા બાદ ગોજકોટના ગોડાઉનમાં રખાયા બાદ શાપર, ગાંધીધામ, ગોંડલ, જામનગરમાં કરોડોની કિંમતની મગફળીના જથ્થા લાગેલી આગની જેમ શાપર ખાતેના ચાર ગોડાઉનમાં આગ લાગી હતી. આગમાં અંદાજે ‚રૂ.૭ કરોડની કિંમતની ૪૦ હજાર ગુણી મગફળી સળગીને રાખ થઇ ગઇ હતી. આગમાં મગફળીનો જથ્થો સળગી જતા જિલ્લા કલેકટર અને એસપી સહિતનો સ્ટાફ શાપર દોડી ગયો હતો અને એફએસએલની મદદ લઇ અગ્નિકાંડ કંઇ રીતે સર્જાયો તે અંગેની તપાસના આદેશ કરાયા છે. વિકરાળ આગ બુઝાવવા રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા ફાયર બ્રિગેડ સ્ટાફની મદદ લેવામાં આવી છે.

શાપર-વેરાવળમાં ખાતે રામરાજ કોટન ‚રૂ.૨૮ કરોડની મગફળીનો જથ્થો સળગી જવાની ઘટના અંગે સીઆઇડી ક્રાઇમને તપાસ સોપવામાં આવી હતી અને આગની ઘટના વેલ્ડીંગનો તણખો પડવાથી લાગ્યાનું જાહેર કરાયા બાદ ગોંડલ, જામનગર અને રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડમાં શંકાસ્પદ આગ લાગી હતી. આગની ઘટનાનો પોલીસ દ્વારા તાગ મેળવવામાં આવે તે પહેલાં ગઇકાલે શાપર-વેરાવળ ખાતે ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળી આઠ ગોડાઉનમાં રાખવામાં આવી હતી. આઠ ગોડાઉન પૈકી ચાર ગોડાઉનમાં અચાનક આગ લાગતા છ જેટલા શહેરોમાંથી ફાયર બ્રિગેડ સ્ટાફની મદદ લઇ આગ બુઝાવવામાં આવી હતી.

આગમાં ૪૦ હજાર ગુણી મગફળીની સાથે ગોડાઉનના પતરા પણ સળગી જતાં જેસીબીની મદદ લઇ કાટમાળ દુર કરવામાં આવ્યો હતો. આગની ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા શાપર દોડી ગયા હતા. ગોડાઉનમાં લાઇટ કનેકનશન જ ન હોવા છતાં આગ કંઇ રીતે લાગી તે અંગેની વિગતો મેળવવા એફએસએલની મદદ લેવામાં આવી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરાયેલી મગફળીના જથ્થામાં કંઇ રીતે આગ લાગવાથી સળગી જવાની ઘટના બની રહી છે તે અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો કેટલીક સ્ફોટક વિગતો પ્રકાશમાં આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.