Abtak Media Google News

ઓસમ પર્વતના 20 વિજેતા સ્પર્ધકોને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં સીધી એન્ટ્રી અપાશે

અબતક,રાજકોટ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ ઓસમ પર્વત ખાતે આજે રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યુવા સાહસવીરોના જોમ જુસ્સા સાથે યોજાઇ હતી.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના 10 જિલ્લાના 168 યુવા સ્પર્ધકો જોડાયા હતા.

ઓસમ પર્વત વિસ્તારને મહત્વ અને પ્રોત્સાહન આપવા અને રમત ગમત પ્રવૃત્તિનું કેન્દ્ર બનાવવાના હેતુથી વર્ષ 2020 થી રાજ્ય સરકાર દ્વારા રાજ્યકક્ષાની પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે .કોરોનાની મહામારીને કારણે ગયા વર્ષે આ સ્પર્ધાનું આયોજન થઈ શક્યું ન હતું. આજે 18મી ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા સંપન્ન થઇ હતી.

રાજકોટ જિલ્લાના પાટણવાવ ખાતે રાજ્યકક્ષાની દ્વિતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા સંપન્ન: વિજેતા સ્પર્ધકોનેે રોકડ પુરસ્કાર અપાયા

આ સ્પર્ધામાં સ્પર્ધકો માટે 650 પગથિયા અને પર્વતનો ટ્રેકિંગ વિસ્તાર થઈને ફરી બીજા પથ પર 750 પગથિયા ઉતરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેમાં ભાઈઓના વિભાગમાં ગીર સોમનાથ જિલ્લાના ગોરખમઢી ગામના 18 વર્ષના યુવાન ખેડૂતપુત્ર શૈલેષ રમેશભાઈ કામલીયાએ ગયા વર્ષના પ્રથમ સ્પર્ધકનો રેકોર્ડ તોડી 10 મિનિટ અને 8 સેક્ધડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. જ્યારે બહેનોના વિભાગમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપર ગામની અને ધોરણ-12માં અભ્યાસ કરતી કિરણ સંગ્રામભાઈ ધાડવીએ 14 મિનિટ અને 40 સેક્ધડમાં પર્વત પાર કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે બંને વિભાગમાં 10 -10 સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓને રૂપિયા 2500 થી માંડીને રૂપિયા 12500 ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા .અન્ય સ્થાનિક દાતાઓએ પણ પ્રોત્સાહક રકમ પુરસ્કાર તરીકે આપી હતી.

વિજેતા સ્પર્ધકોને આગામી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા માં ભાગ લેવા માટે સીધી એન્ટ્રી અપાશે.

વિજેતાઓનું સન્માન કરી તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ બિરદાવતા જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ઓસમ પર્વત રાજકોટ જિલ્લામાં આગવી ઓળખ ધરાવે છે .રાજ્યકક્ષાની આ સ્પર્ધાને લીધે ઓસમ હવે રાજ્યનું પ્રવાસન કેન્દ્ર બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ઑસમના પ્રવાસન વિકાસ માટે ખાસ પ્રયત્નો કરવામાં આવશે. કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે ઓસમ ખાતે એડવેન્ચર કેમ્પનું પણ આયોજન થાય તે માટે રમત ગમત વિભાગ, સ્થાનિક તંત્ર, સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ-શાળા કોલેજોનો સહકાર લઈને રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ અહીં થાય તે માટે આયોજન કરવામાં આવશે. કલેકટરશ્રી એ બંને વિભાગમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રાજય સરકાર દ્વારા નિયત કરાયેલ રોકડ પુરસ્કારના ચેક આપી તમામ સ્પર્ધકોને બિરદાવ્યા હતા. કલેકટરશ્રીએ ઓસમ પર્વત ખાતે વધુને વધુ પ્રવાસીઓ આવશે તો સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળશે તેમ જણાવી સૌના પ્રયાસથી ઓસમ ખાતે પ્રવાસન અને રમતગમતની પ્રવૃત્તિ માટેની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે પાટણવાવ ગામના યુવા સરપંચ  પ્રવીણભાઈ પેથાણીએ સૌનું સ્વાગત કરીને ઓસમ પર્વત વિસ્તાર માં પ્રવાસન પ્રવૃત્તિઓ વિકસે તે માટે તેમજ રમત-ગમત ને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ધોરાજીના પ્રાંત અધિકારીશ્રી જે.એન. લીખીયાએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું .

આ કાર્યક્રમમાં ધોરાજીના મામલતદાર  જોલાપરા, ઉપલેટાના મામલતદાર માવદીયા, તાલુકા વિકાસ અધિકારી જયશ્રીબેન દેસાઈ, રાજકોટના યુવા વિકાસ અધિકારી શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિવૃત્ત અધ્યાપક મનુભાઈ પેથાણી, સ્પોન્સર ફાલ્કન કંપનીના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીતેષ ભંડેરી, જિલ્લા પંચાયત સભ્ય, તેમજ કોચ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન  હારૂનભાઇ વિહળએ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓસમ પર્વત રાજકોટ જિલ્લામાં આવેલો એક માત્ર સાંસ્કૃતિક વિરાસત ધરાવતો પર્વત છે. રમણીય અને નયનરમ્ય કુદરતી વાતાવરણ વચ્ચે આવેલ આ પર્વતમાળામાં અનેક પ્રકારની કુદરતી વૈવિધ્યતા પણ જોવા મળે છે. આ પર્વતમાળામાં પ્રવાસન વિકાસની પણ અનેક સંભાવનાઓ રહેલી છે. ટુરિસ્ટ પોઇન્ટ તરીકે પણ ઓસમ પર્વત વિસ્તાર આગવી ઓળખ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.