Abtak Media Google News

મગર ખૂબ જ તાકતવર પ્રાણી મનાય છે, તે જમીન અને પાણી એમ બંનેમાં રહેનારૂં હિંસક અને શક્તિશાળી પ્રાણી છે. વિશ્વમાં વિવિધ પ્રકારના મગર જોવા મળે છે. તે બાળથી મોટેરા માટે રોમાંચક અને રસપ્રદ પણ છે. હાલ વિશ્વભરમાં તેની 14 પ્રજાતિઓ જોવા મળે છે. તેના નાના પગ અને લાંબી તાકતવર પૂંછડી હોવાથી તે જમીન પર બહું ઝડપથી દોડી શકતી નથી. મગર શબ્દ સંસ્કૃત મકર પરથી આવેલો છે. આપણાં દેશમાં ત્રણ પ્રકારના મગર જોવા મળે છે. જેમાં ખારા-પાણી, મીઠા પાણીના અને ઘડિયાલનો સમાવેશ થાય છે. ઠંડા લોહીવાળું હિંસક અને શક્તિશાળી પ્રાણી મગરને 80 દાંત હોય છે. તે ડાયનાસોરના સમયનું પ્રાણી હોવા છતાં તેની લાંબી ઉત્તક્રાંતિના સમય દરમ્યાન પણ થોડાક જ ફેરફાર જોવા મળે છે.

મગર શબ્દ સંસ્કૃત શબ્દ મકર પરથી આવેલો છે: ભારતમાં તેની પ્રજાતિઓમાં મીઠા, ખારા પાણીના મગર અને ઘડિયાળ: સિંધુ મગરએ પાકિસ્તાનનું રાષ્ટ્રીય સરિસૃપ પ્રાણી છે

વિશ્વમાં તેની 14 પ્રજાતિઓ જોવા મળે છે, તે બેથી પાંચ મીટર સુધી લાંબી હોય: તેની ચામડી સખત અને ખરબચડી હોવાથી તેને પરસેવો વળતો નથી: જીવનભર તેના દાંડી પડીને નવા આવે છે

મગરની બે મુખ્ય જાતી કોક્રોડાયલ સમગ્ર વિશ્વમાં અને ચીન, અમેરીકામાં એલીગેટર મગર જોવા મળે છે

દિવસ દરમ્યાન મગર પાણીની બહાર રહે છે, પણ રાત્રીમાં તે પાણીમાં રહે છે. તેની જીભનો ઉપયોગ ખોરાકને ગળવા માટે કરે છે. તેની આંગળી નહોરવાળી હોય છે, આંગળીઓ વચ્ચેની ચામડીની જાળ તેને તરવામાં મદદ કરે છે. તેની પૂંછડી લાંબી, વજનદાર અને ચપટી હોવાથી તેનો ઉપયોગ શત્રુને ફટકારવા માટે કરે છે. તેના મુખના આગળના છેડેથી બે આંખો ઉપસી આવેલી જોવા મળે છે. તેને પાણીમાં શ્ર્વાસ લેવા કે જોવાની તકલીફ પડતી નથી. તે સરીસૃપ હોવા છતાં મગરનું હૃદ્ય ચતુષ્ખંડી હોય છે.

મગરનો મુખ્ય ખોરાક માછલી-પક્ષીઓ અને કાચબા જેવા પ્રાણીઓ હોય છે પણ ક્યારેક તે મોટા પ્રાણીનો પણ શિકાર કરે છે. તેની તાકાત પાણીમાં ડબલ થઇ જાય છે. નદીકાંઠે માણસ-ઘેટા-વાછરડા જેવાને તેના મજબૂત દાંતથી પકડીને ઝડપથી પાણીની અંદર લઇ જાય છે. તે શિકારના ટુકડા કરીને તેનું ભક્ષણ કરે છે. માદા મગર તેના ઇંડાને માટીમાં દાટી દે છે. તાજા જન્મેલા બચ્ચાનો અવાજ આવે તે માટી ખોદીને તેને બહાર કાઢે છે. બચ્ચાનો અવાજ વધુ આવે તો આસપાસના મગરો મદદે આવી જાય છે.

કદના આધારે તેની જાત નક્કી કરવામાં આવે છે. મોટા મગરની જાતો દરિયામાં 1100 કિ.મી. સુધી તરતો જોવા મળે છે. નાઇલ નદીમાં 7 મીટરની મગર જોવા મળે છે. ભારતની ગંગા નદીમાં દેખાતી ઘડિયાલ 6.5 મીટરની હોય છે, તેનું મોઢું લાંબુ અને સાંકડું હોય છે. નાની મગરની જાતોની લંબાઇ 205 મીટરની હોય છે. ભારત અને શ્રીલંકામાં જોવા મળતી મગર નાઇલ નદીની મગરને મળતી આવે છે.

મગરની ચામડી સખત અને ખરબચડી હોવાથી તેને પરસેવો વળતો નથી. શરીરની ગરમી મોં દ્વારા બહાર કાઢે અને આંખો દ્વારા શરીરનો વધારાનો ક્ષાર બહાર કાઢે છે. મગરના જડબા ભીડવાની તાકાત તમામ પ્રાણીઓમાં સૌથી વધારે જોવા મળે છે, જો કે જડબા ખોલવાની શક્તિ નબળી હોય છે. તેને 80 દાંત હોય છે, અને સતત પડતા પણ હોય છે. જો કે તેને નવા દાંત સતત આવતા જ હોય છે. તે ટુંકા અંતર માટે ઝડપથી દોડી શકે છે. મધ્યરાત્રીના અંધકારમાં પણ તે સ્પષ્ટ જોઇ શકે છે, તેની આંખો બિલાડીની જેમ ચમકતી હોય. તે દૂરના અવાજો અને કોઇપણ ગંધને ઝડપથી ઓળખી જાય છે.

પાણીમાં રહેતા મગરો એક સમયે શાકાહારી હતા અને તે ડાયનાસોરના વંશ જ કહેવાય છે. દુનિયાની વિવિધ મગર પ્રજાતિના સંશોધનમાં જાણવા મળ્યું કે તે પાણીમાં તાકતવાર પ્રાણીઓનો પણ શિકાર કરી લેતા હતા. માનવી કરતાં પણ પહેલા મગરનું અસ્તિત્વ હતું. માનવી હોય કે પ્રાણી બંનેમાં ખોરાકની અસર તેનાં દાંત અને જડબા પરથી ખબર પડે છે, જેમાં સમય જતાં ફેરફાર જોવા મળે છે. વાઘ, સિંહ, મગર જેવા શિકારી પ્રાણીઓના દાંત અને નખ મોટા હોય છે. આવા પ્રાણીઓના જડબા તાકતવર હોય છે. માનવી પણ લાખો વર્ષ પહેલા કાચો ખોરાક ખાતો હતો. બાદમાં રાંધલો ખોરાક ખાવાથી તેના દાંત અને જડબામાં ફેરફાર થયો.

પ્રત્યેક જીવના શરીરમાં તેના ખોરાક અને વાતાવરણને કારણે ફેરફાર જોવા મળે છે. મગર શાકાહારીમાંથી માંસાહારી કેમ બન્યા તે એક રહસ્યમય બાબત છે. દર વર્ષે 17મી જૂને વિશ્વ મગર દિવસ ઉજવાય છે. મગરનું સરેરાશ વજન 500 થી 2200 પાઉન્ડ વચ્ચે જોવા મળે છે. આજે પ્રાણીઘરમાં મગરો નજીકથી જોવા મળે છે. તે દિવસ દરમ્યાન સુસ્ત અવસ્થામાં વધુ જોવા મળે છે. મગર ક્ધઝર્વેશન પ્રોજેક્ટની સ્થાપના 1975માં ભારતમાં કરવામાં આવી હતી, જેને કારણે ખારા પાણીના મગરોની સંખ્યા 96માંથી 1640 થઇ ગઇ હતી. આજે મગર વિશ્વના લગભગ બધે ખુણે જોવા મળે છે. વિશ્વમાં તમામ પ્રાણીઓમાં મગરનો ડંખ સૌથી મજબૂત હોય છે. તે 100 વર્ષ સુધી જીવી શકે છે. વિશ્વમાં જુના મગરો તો 140 વર્ષ જીવતાં હતા. આજે મગરોની ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે, તેનું કારણ શિકાર, નાશ પામેલા રહેઠાણો અને પ્રદુષણ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.