Abtak Media Google News

40 વર્ષ પૂર્વે જસદણના વડોદમાં ટોચ મર્યાદા ધારા હેઠળ મળેલી જમીન ખાતે કરી આપવાની માંગ સાથે રાજકોટ કલેકટર કચેરીમાં અરજદારોએ છેલ્લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન છેડી પડાવ નાખ્યો છે. જેમાંથી આજે 11 લોકોની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અરજદારોના જણાવ્યા મુજબ તેઓને જસદણના વડોદ ગામમાં 1982માં તેઓના પરિવારને જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ સરકાર દ્વારા જમીન આપવામાં આવી હતી.

40 વર્ષ પૂર્વે ટોચ મર્યાદા ધારા હેઠળ જસદણના વડોદમાં મળેલી જમીન ખાતે કરી દેવાની માંગ સાથે લડત, હજુ બેથી ત્રણ લોકોએ કચેરીના પટાંગણમાં આંદોલન જારી રાખ્યું

વડોદ ગામમાં આવી જ રીતે 17 જેટલા આસામીઓ છે જેઓને કુલ 250 વીઘા જેટલી જમીન મળી છે. પણ આ જમીન ખાતે થતી ન હોય અરજદારોએ અવારનવાર જસદણ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તેમજ કલેકટર કચેરીએ ધક્કા ખાધા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ તેઓએ આ પ્રશ્ન રજૂ કર્યો છે.  છતાં આજ દિવસ સુધી આ પ્રશ્નનો નિકાલ આવ્યો નથી.

બીજી તરફ તેઓએ જણાવ્યું કે આ જમીનના 7/12 પણ નીકળે છે. જમીનના હુકમ કર્યા ત્યારે ખેત ઓજારો ખાતર સહિતની સહાય પણ મળી હતી. સરકારે જમીન વિહોણા ખેડૂતો જે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી શકે તેવા ઉપદેશથી આ જમીન આપી હતી પરંતુ હાલ કમ નસીબે આ જમીન તેઓના નામે થઈ નથી જેથી તેઓને માંગ છે કે આ જમીન તેઓના નામે થઈ જાય જેથી તેઓ ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી શકે.

અરજદારોએ ગત બુધવારથી કલેકટર કચેરીમાં આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જેમાં આજે 11 જેટલા ઉપવાસીઓની તબિયત લથડી છે. જેમાં વાલજીભાઈ હમીરભાઈ ચાવડા, રમેશભાઈ હમીરભાઈ ચાવડા, આલાભાઈ કાનાભાઈ ચાવડા, માલાભાઈ ભકાભાઈ ચાવડા, અરવિંદભાઈ મેઘાભાઈ ચાવડા, સતિષભાઈ દેવાભાઈ ચાવડા, ખીમાભાઈ ભકાભાઈ, ડાયાબેન મૂળજીભાઈ ચાવડા, ચનાભાઈ હીરાભાઈ પરમાર, ડાયાભાઇ મેઘાભાઈ પરમારનો સમાવેશ થાય છે.આ તમામને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.