Abtak Media Google News

કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક: અલગ-અલગ ૧૬ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

શહેરનાં ૧૮ વોર્ડમાંથી એકત્ર થતા કચરાનાં એકત્રિકરણ માટે હાલ રૈયાધાર અને કે.એસ.ડી. ડિઝલ પાસે બે ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન છે. બંને પર વધુ ભારણ હોય વોર્ડ નં.૧૮માં કોઠારીયામાં રણુજા મંદિર પાસે રૂ.૮.૪૬ કરોડનાં ખર્ચે ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવશે. કોર્પોરેશનમાં કાલે ધનતેરસે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૧૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરનાં કોઠારીયા સર્વે નં.૩૫૨ પૈકી કલેકટર દ્વારા ફાળવવામાં આવેલી ૨૦,૦૦૦ ચો.મી. જગ્યા પર રણુજા મંદિર પાસે વોર્ડ નં.૧૮ની વોર્ડ ઓફિસ પાસે રૂ.૮.૪૬ કરોડનાં ખર્ચે નવું સેમીકલોઝર ટાઈપ રીફયુઝ ટ્રાન્સફર સ્ટેશન બનાવવામાં આવશે જેનો ખર્ચ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરવામાં આવશે. હાલ શહેરનાં રૈયાધાર વિસ્તાર અને કે.એસ.ડી. ડિઝલ પાસે બે ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન આવેલા છે જેની ક્ષમતા દૈનિક ૨૦૦ મેટ્રીક ટનની છે જેની સામે દૈનિક ૩૦૦ ટન કચરાની આવક થાય છે. આ બંને સ્ટેશન પર ભારણ ઘટાડવા માટે કોઠારીયામાં નવું ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પ્રદ્યુમન પાર્ક ખાતે જળ બિલાડી માટે રૂ.૪૨.૪૪ લાખનાં ખર્ચે પાંજરું બનાવવા, વોર્ડ નં.૪, ૫, ૮ અને ૧૦માં પ્રાઈવેટાઈઝેશનથી ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલનો કોન્ટ્રાકટ આપવા, સોલીડ વેસ્ટ શાખા માટે સાધન સામગ્રી ખરીદવા રૂ.૩૦ લાખનો વર્કફેર કરવા, વોર્ડ નં.૧૪માં કોઠારીયા રોડ પર નવી વોર્ડ ઓફિસ બનાવવા સહિતની અલગ-અલગ ૧૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.