Abtak Media Google News

અનૈતિક સંબંધનો કરૂણ અંજામ…

પત્નિને ગળુ દાબી હત્યા કર્યા બાદ મૃતદેહને ખાડામાં દાટી પુરાવાનો નાશ કર્યો: આગવી ઢબે પોલીસે કરેલી પૂછપરછમાં પતિ ભાંગી પડયો અને  પત્નીની હત્યા કર્યાની આપી કબુલાત

જામનગર જિલ્લાના ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં પતિ- પત્ની વચ્ચેના ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો હોવાનું બહાર આવ્યું છે. ચારિત્ર્યની શંકાના આધારે પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી કાસળ કાઢી નાખ્યું હતું, અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પોતાના જ ઘરના ફળિયામાં દાટી દીધો હતો, પરંતુ પાપ છાપરે ચડીને પોકારે તેમ આખરે ભાંડો ફૂટ્યો હતો, અને પોલીસે હત્યારા પતીની અટકાયત કરી લીધી છે, અને ફળિયામાં ખાડો ખોદીને મૃતદેહ ને બહાર કાઢી જામનગર જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ છે.

વધુ વિગત મુજબ ધ્રોલમાં આંબેડકર નગર વિસ્તારમાં રહેતી સોનલબેન મનસુખભાઈ ચૌહાણ નામની 27 વર્ષની પરણીતા,  બે દિવસથી  લાપત્તા બની હતી,  સોનલબેન ના માતા જશુબેન કે જેઓ રાજકોટ જિલ્લાના મોટા મૌવા પાસે રહે છે, તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા, અને પોતાની પુત્રી સોનલ વિશે સોનલના પતિ મનસુખ હીરજી ચૌહાણ ને પૂછપરછ કરી હતી. પરંતુ તેને સરખો જવાબ આપ્યો ન હતો. જેથી મામલો ધ્રોળ પોલીસ મથકનો સંપર્ક  કર્યો હતો.

ધ્રોળ પોલીસે મનસુખ ચૌહાણને પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતાં આખરે તેણે પોતાની પત્ની સોનલ ની હત્યાર નિપજાવી હોવાનું કાબુલી લીધું હતું.

પોતાની પત્ની સોનલ અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે, તેવી શંકા વ્યક્ત કરતો હતો,  તે શંકા ના કારણે 2.4.2023 ના રાત્રિના સમયે પોતાની પત્ની સોનલને ઘર પાસે જ આવેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો, અને ત્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી  મોડી રાત્રે મૃતદેહ ને પોતાના ઘેર ખાડામાં  પથ્થર અને માટી નાખી દઈ જમીન સમથળ કરી નાખી હતી, પરંતુ ભાંડો ફૂટી ગયો હતો,  પત્નીની હત્યા કરીને દાટી દીધી હોવાની કબુલાત કરી હોવાથી મોડી રાત્રે ધ્રોળ પોલીસે ખાડો ખોદાવીને તેમાંથી સોનલબેનના મૃતદેહને બહાર કઢાવી દીધો હતો.જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ આવ્યા પછી તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામ આવી રહ્યું છે. ધ્રોલ પોલીસ દ્વારા મૃતક સોનલબેન ની માતા જશુબેન ની ફરિયાદના આધારે મનસુખ હીરા ચૌહાણ સામે હત્યા અને પુરાવાનો તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે

મૃતક સોનલબેન કે જેઓનું આ બીજું લગ્ન હતું, અને મનસુખ ચૌહાણ સાથે છેલ્લા પાંચ વર્ષથી ધ્રોલના આંબેડકર નગર વિસ્તારમાં રહેતી હતી, અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર સહિતના પાંચ સંતાનો છે, જે સંતાનો માતા વિહોણા બની ગયા છે. આ બનાવે ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.