Abtak Media Google News

પોલીસે ચોરી કરવાના ઇરાદે આવેલા ત્રણ કિશોર સહિત છ શખ્સોની કરી ધરપકડ

ધ્રોલ તાલુકાના લતીપર ગામની વાડીમાં ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસેલા તસ્કરોએ જાગી ગયેલા દંપતી પર ખૂની હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ત્રણ કિશોર સહિત છ શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલના લતિપર ગામે જેન્તીભાઇ તરપડાની વાડીએ ખેતીકામ કરતા કમલ ઉર્ફે કમલેશ જામસિંગ વાસ્કલિયા (ઉ.વ.૩૨) અને તેમની પત્ની સંતરાબાઈના મકાનમાં ગત તા.૭મી ઓગષ્ટના રોજ વાડીના મકાનમાં સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સો ચોરી કરવાના ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા અને તે દરમિયાન દંપતી જાગી જતાં તસ્કરોએ દંપતી પર ખૂની હુમલો કર્યો હતો.

આ અંગે જાણ થતાં ધ્રોલ પોલીસ મથકના પીએસઆઈ પી.જી. પનારા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તે દરમિયાન બાતમીના આધારે પોલીસે લતિપર જીવદયા ગૌશાળા પાસે વાડીની ઓરડીમાં છુપાયેલા મગન સુકેલીયા બામણીયા, રિંકુ શંકર બામણીયા, ધુંધો ઉર્ફે ધુન્દરિયા દેશીંગ ચેંગડિયા સહિત ત્રણ કિશોરો સાથે છ શખ્સોએ દબોચી લીધા હતા.

પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી ગણતરીના દિવસોમાં જ હત્યાની કોશિશના ગુનાનો ભેદ ઉકેલી આરોપીની પૂછપરછ હાથધરી હતી. જેમાં આરોપીઓના જણાવ્યા મુજબ તમામ શખ્સો ઘરમાં ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. પરંતુ ત્યારે દંપતી જાગી જતા તેઓએ પ્રતિકાર કરતા તેમના પર હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.