કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં ‘નશામુક્તિ અભિયાન’ અંગે યોજાઈ બેઠક

અત્યાર સુધીમાં 42 જેટલા સ્થળે નશામુકિત કાર્યક્રમો 36 હજારથી વધુ વ્યકિતઓએ આપી જાગૃતિ

ભારત સરકારના ’‘નશામુક્ત ભારત અભિયાન” ના અમલીકરણ અંગેની રાજકોટની ડિસ્ટ્રીક્ટ લેવલ નશામુક્ત કેમ્પેઇન કમિટીની બેઠક કલેક્ટર કચેરી ખાતે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે,જિલ્લાની તમામ ઓફિસો અને શાળા-કોલેજો તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓએ નશામુક્તિ માટેના લોકજાગૃતિ કાર્યક્રમોમાં વધુને વધુ લોકોને સામેલ કરવા જોઈએ. ઉપરાંત ફક્ત યુવાનો જ નહીં, પરંતુ બાળકો પણ નશાનો શિકાર બનતા અટકે તે પણ જરૂરી છે. તેમણે નવી પેઢીને નશા તરફ જતી રોકવા માટે સે નોટુ ડ્રગ્સ કેમ્પેઇનની જાણકારી આપી રાજકોટવાસીઓને નશાથી દૂર રહેવા તેમજ નશાની પ્રવૃત્તિઓ અંગે જાણકારી અને સહકાર આપી પોલીસ તંત્રને મદદ કરવા જાહેર અપીલ કરી હતી.

આ મિટિંગમાં “નશામુક્તિ અભિયાન” હેઠળ કરાયેલ કામગીરીની વિગતો રજૂ કરતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  પ્રાર્થના શેરસીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં “નશામુક્ત ભારત” હેઠળ વર્ષ-2020થી અત્યાર સુધીમાં વિવિધ સ્થળે 42 જેટલા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જેમાં 36 હજારથી વધુ વ્યક્તિઓ નશામુક્તિ અંગે જાગૃતિ મેળવીને લાભાન્વિત થયા છે. આ કાર્યક્રમમાં આઇ.સી. ડી.એસ પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી  મિત્સુબેન વ્યાસ તેમજ સબંધિત પોલીસ, શિક્ષણ, મેડિકલ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.