શ્રમિકો માટે વધુ 7 ધન્વંતરી આરોગ્ય રથનું રાજકોટ કલેકટરના હસ્તે પ્રસ્થાન

નવા રથ જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, પડધરી, શાપર, કુવાડવાના ઔદ્યોગિક વિસ્તારો અને બાંધકામ સાઈટો ખાતે શ્રમિકોને પ્રાથમિક સારવાર પુરી પાડશે

શ્રમિક સહાયક હેલ્પલાઇન 155372 સેવાનો લાભ લેવા માટે શ્રમિકોને અનુરોધ કરતાં કલેકટર અરૂણ મહેશ બાબુ

રાજ્ય સરકારના શ્રમ કોશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે “તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્ર”ના નિર્માણના સૂત્રને સાર્થક કરવાની નેમ સાથે ધન્વંતરી આરોગ્ય રથ યોજના અમલમાં છે ત્યારે, શ્રમયોગીઓ માટે કલ્યાણકારી પગલારૂપે રાજકોટ જિલ્લામાં નવા કુલ 07 ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા હતા.

ધન્વંતરિ આરોગ્ય રથ યોજના અંતર્ગત બાંધકામ શ્રમયોગીઓને બાંધકામ સાઈટ, કડિયાનાકા અને બાંધકામ વસાહત ઉપર વિનામુલ્યે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ શ્રીફળ વધેરી, લીલી ઝંડી બતાવી ધન્વંતરિ આરોગ્ય રથનું કલેકટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું તથા નવીન ધન્વંતરી આરોગ્ય રથમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓનુ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કલેક્ટરએ દરેક શ્રમયોગી આરોગ્યપ્રદ રહે તે માટે આ રથ રાજકોટ જિલ્લામાં ચાલતી દરેક બાંધકામ સાઈટને આવરી લે તે માટે નક્કર આયોજન કરવા તથા આ યોજનાનો લાભ મહતમ લોકો સુધી પહોંચે લે તે માટે બિલ્ડરો, બિલ્ડર એસોસિએશન, જી.આઈ.ડી.સી. ના પ્રમુખો સાથે જરૂરી પરામર્શ કરવા સંબંધિત અધિકારીઓને સૂચિત કર્યા હતા.

અને  “સક્ષમ શ્રમિક, સમૃદ્ધ રાષ્ટ્ર” સૂત્રને ચરિતાર્થ કરવા શ્રમિકોની સહાયતા માટે કાર્યરત “શ્રમિક સહાયક હેલ્પલાઇન 155372” સેવાનો લાભ લેવા માટે શ્રમિકોને અનુરોધ કર્યો હતો. આ હેલ્પલાઇન થકી સરકારની શ્રમિકો માટેની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, ધનવંતરી આરોગ્ય રથ, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના, ગો – ગ્રીન શ્રમિક યોજના, શ્રમિક પરિવહન યોજના, વ્યવસાયિક રોગોમાં સહાય યોજના સહીતની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી મેળવી શકે છે.

રાજકોટ જિલ્લાનાં ધન્વંતરી આરોગ્ય રથની વિગતો આપતા જી.વી.કે. ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાંધકામ શ્રમયોગીઓ માટે શરૂ કરેલી ધન્વંતરી આરોગ્ય રથ સેવા અંતર્ગત રાજકોટ જિલ્લા લેવલે 4 અને તાલુકા લેવલે ગોંડલ ખાતે 1 રથની સેવા કાર્યરત હતી, જેમાં વધારો થઈને આજરોજ જેતપુર, ઉપલેટા, ધોરાજી, જસદણ, પડધરી, શાપર, કુવાડવા માટે મુકાયેલા નવિન 07 સહીત કુલ 12 ધનવંતરી આરોગ્ય રથ સમગ્ર રાજકોટ જિલ્લો આવરી લેશે.

આ લોકાર્પણ પ્રસંગે આસિસ્ટન્ટ લેબર કમિશનર ગોવિંદ ભુટકા, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર રાજેશ્વરીબેન કૈલેયા, ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જયેન્દ્ર સોલંકી, ઈ.એમ.ઈ.  દર્શિત પટેલ સહીતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.