હિરાસર એરપોર્ટની પૂરજોશમાં ચાલતી કામગીરી જાન્યુઆરી 2023 સુધીમાં ટર્મિનલ બિલ્ડીંગ બની જશે

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની સાઈટ વીઝીટ અને સમીક્ષા બેઠક: બાકી રહેલી જમીન સંપાદનની કામગીરી ત્વરીત પૂર્ણ કરવાનો આદેશ

રન-વેની કામગીરી 50 ટકા, બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 55 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 95 ટકા,  ટેક્સી લિંક કામગીરી 100 ટકા પૂર્ણ

કલેકટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલ આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સાઈટ વિઝીટ અને સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટરે બાઉન્ડરી વોલની અંદર જુના હિરાસર, લીમાકોટાડી અને ડોસલીધુના ગામોના બાકી રહેતા પ્રશ્નોનું ગ્રામજનોના સાથ સહકારથી સ્થળાંતર પૂર્ણ કરવા મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે ઇન્ટર્નલ રોડ ડાયવર્ઝન, ઇલેક્ટ્રિસિટી વાયરીંગ શિફટિંગ, વિન્ડ મિલ શિફટિંગ સહિતના મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી સહીત વિવિધ વિભાગના અધિકારીઓએ રનવે, ચેક ડેમ, સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ ચાલી રહેલ કામની માહિતી પુરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુર્હત થયેલ એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રનવેની કામગીરી 50 ટકા, બાઉન્ડ્રી વોલ ની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 55 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 95 ટકા,  ટેક્સી લિંક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચુકી છે. ટર્મિનલ સિવાયની તમામ કામગીરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે જયારે ટર્મિનલ બિલ્ડીંગ જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે.11.5કિ.મી. ઓપરેશનલ એરિયા તેમજ 14.5કિ.મી. નોન ઓપરેશનલ એરિયામાં બાઉડનરી લાઈન પર સિક્યોરિટી ટાવર ઉભા કરાશેતેમ એરપોર્ટ અધિકારીએ જણાવ્યું છે.

આ તકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જમીન સંપાદન અધિકારી પ્રજાપતિ, મામલતદાર,  તલાટી મંત્રીઓ, નેશનલ હાઇવે ઓથોરિટી, આર.એન્ડ બી., પંચાયત, પાણી પુરવઠા, ઇરીગેશન સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.