Abtak Media Google News

જીવસ્ય જીવ: કારણ

કાર ટી સેલ થેરાપીમાં કેન્સરના દર્દીના શરીરમાંથી લોહી લઈ તેમાંથી શ્વેતકણ છુટાં પાડી આ શ્વેત કણને મોડીફાઈડ કરી ખાસ પ્રકારની દવાઓનો  ઉપયોગ કરી કેન્સરના કણને નાબુદ કરવામાં આવે છે

પ્રગતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા આજે તા.9.5.2023ને મંગળવારે રાત્રે કેન્સરની આધુનિક સારવાર વિશે તબીબો માટે ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ છે એમ પ્રગતિ હોસ્પિટલના ડો.અમીત હપાણીની એક યાદીમાં જણાવાયું છે. આ સેમીનારમાં જાણીતા ઓન્કોલોજીસ્ટ ડો.બબીતા હપાણી અને અમેરીકાના જાણીતા તબીબ ડો.નિકિતા શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ડો.અમીત હપાણીના જણાવ્યા અનુસાર કેન્સર રોગની સારવારમાં વિશ્ર્વમાં અનેક નવી નવી શોધ થતી હોય છે અને આપણે ત્યાં પણ વિશ્ર્વકક્ષાની કેન્સરની સારવાર ઉપલબ્ધ બને એ માટે અમારી ટીમ પ્રયત્નશીલ હોય છે. રાજકોટના તબીબોને કેન્સરની અદ્યતન સારવાર વિશે માહિતગાર કરવા અમારી હોસ્પિટલ દ્વારા આજે તા. 9.5.2023ને મંગળવારે રાત્રે 8.30 કલાકે હોટલ સૈયાજી ખાતે એક ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શહેરના વરીષ્ઠ તબીબો ખાસ ઉપસ્થિત રહેશે.

બાળકોના જન્મજાત લોહીના રોગ, થેલેસેમીયા વગેરેની સારવારના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા ખૂબ સારા પરીણામ મળી શકે છે. તેઓ આ સારવારના નિષ્ણાત અને વરસોનો અનુભવ ધરાવે છે. અમેરીકામાં પાંચેક વર્ષ પહેલા કેન્સરના દર્દી માટે નવી આશા સમાન કાર ટી સેલ થેરાપી શરૂ કરવામાં આવી છે. વરસોના પ્રયોગો બાદ પાંચેક વરસ પહેલાં એફ.ડી.આઇ દ્વારા આ સારવારને માન્યતા આપવામાં આવી છે. મોટી ઉંમરના દર્દીમાં આ સારવાર શરૂ થયા બાદ સારા પરીણામ મળતાં અમોએ બાળ દર્દીની સારવારમાં પણ આ થેરાપીનો ઉપયોગ શરૂ કર્યો છે. લોહીના કેન્સર, લીમ્ફોમામાં આ સારવાર કારગત નિવડે છે. હજુ બધા પ્રકારના કેન્સરમાં આ સારવાર ઉપલબ્ધ નથી પણ લીમ્ફોમામાં સારા પરીણામ મળ્યા છે. આ પધ્ધતિમાં કેન્સરના દર્દીના શરીરમાંથી લોહી લઈ તેમાંથી શ્વેત કણ જુદા કરવામાં આવે છે, અને આ શ્વેત કણને લેબોરેટરીમાં જીનેટીકલ મોડીફાઈડ કરી તેના પર ખાસ પ્રકારની દવા ઉમેરવામાં આવે છે. દર્દીના શરીરમાં રહેલા ખરાબ શ્ર્વેત કણને કીમોથેરાપી વગેરે સારવારની નાબુદ કર્યા બાદ આ મોડીફાઈડ શ્વેત કણને દર્દીના શરીરમાં ઈન્જેકટ કરવામાં આવે છે. આ મોડીફાઇડ શ્ર્વેત કણ દર્દીના શરીરમાં રહેલા કેન્સરના કણને નાબુદ કરવાનું કામ કરે છે. મોડીફાઈડ શ્વેત કણ દર્દીની તાસીર પ્રમાણે તેના શરીરમાં વધતાં જતાં હોય છે અને લાંબો સમય સુધી કેન્સરના કણ સામે ફાઇટ આપવા સક્ષમ હોય છે. એક જ વખત કરવામાં આવતી આ પ્રક્રિયા બાદ લાંબા સમય સુધી દર્દીને કેન્સર સામે રક્ષણ મળે છે,

Screenshot 2 1 1

અમેરીકામાં શરૂ કરવામા આવેલી આ થેરાપી હાલ બહુ મોંઘી છે. અંદાજ અઢી થી ચાર કરોડનો ખર્ચ થાય છે. આ થેરાપી માટે ખાસ તાલીમ પામેલ ઓન્કોલોજીસ્ટ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટીંગ સ્ટાફની ટીમની જરૂર પડે છે. ભારતમાં ટાટા મેમોરીયલ મુંબઈ અને અમૃતા ઈન્સ્ટીટ્યુટ-ફરીદાબાદમાં આ થેરાપીના પ્રયોગ શરૂ થયા છે જે હજુ પ્રાથમીક તબક્કામાં છે. સારવારનો વ્યાપ વધશે એટલે તેના ખર્ચ ઓછો થશે. તેમણે સાઉદી અરેબીયામાં આ પ્રકારનું સેન્ટર શરૂ કરવા માટે સંપૂર્ણ માર્ગદર્શન આપી ટીમને તાલીમ આપી છે. ભારતમાં પણ તેઓ આ પ્રકારના સેન્ટર શરૂ થાય અને તે માટે જરૂરી ડોક્ટર સહિતની ટીમને તાલીમ આપવા કટીબધ્ધ છે.

કેન્સરના સારવાર માટે વિશ્વમાં ખૂબ પ્રગતિ થઈ છે. હવે કેન્સર સાથે સફળ સારવાર દ્વારા અનેક લોકો નવું જીવન પામ્યા છે. કાર ટી સેલ થેરાપી જેવી ઈમ્યુનોથેરાપી દ્વારા કેન્સરની સારવારમાં ખૂબ સારા પરીણામ મળ્યા છે. કેન્સરમાં કોઈ પણ ઇલાજ કામ ન કરે ત્યારે કાર ટી સેલ જેવી ઈમ્યુનોથેરાપી દર્દી માટે નવુ આશાનું કિરણ છે. બાળકોમાં લોહીના કેન્સરમાં પણ આ થેરાપી ખૂબ ઉપયોગી સાબીત થઈ છે. કેન્સરની સારવાર ક્ષેત્રે છેલ્લાં દસકાં અનેક નવી શોધ થઈ છે. હવે કેન્સરની સારવાર અને તેની આડઅસરના કારણે થતી વિવિધ તકલીફોની સારવાર ક્ષેત્રે અનેક નવી શોધ થઈ છે. દર્દી ખૂબ ઓછી આડઅસર સાથે કેન્સરની સારવાર લઈ શકે છે તેમજ આડઅસરના કારણે થતી વિવિધ મુશ્કેલી સામે પણ કારગત સારવાર ઉપલબ્ધ છે. આ તકે પ્રગતિ હોસ્પિટલના ડો.અમીત હપાણી ખાસ હાજર રહ્યા હતા.

કેન્સર ટ્રીટમેન્ટમાં વૈશ્ર્વિકસ્તરે સારી પ્રગતિ કરી છે: ડો.અમીત હપાણી

Dsc 6006

 

આજના યુગમાં કેન્સર એટલે કેન્સલ નથી. છેલ્લા બે દશકામાં કેન્સર ટ્રીટમેન્ટમાં ઘણી પ્રગતિ કરી છે. આજે તો લાસ્ટ સ્ટેજના કેન્સરના દર્દીઓ ફરી નોર્મલ થઇ જાય તેવી ટ્રીટમેન્ટ આવી ગઇ છે. કેન્સરનાં વધતા કેસો માટે લોકોમાં જાગૃતિ આવતા ટેસ્ટીંગ વધવાથી તેના કેસોમાં વધારો જોવા મળે છે તો જીવનશૈલીના બદલાવને કારણે પણ કેસો વધી રહ્યા છે. કેન્સરના રિસર્ચ વિદેશોમાં વધુ જોવા મળે છે ત્યારે આજે કેન્સર સમગ્ર વિશ્ર્વમાં તેનો ભરડો લઇ રહ્યું છે. સાવચેતી રાખીએ અને રોગપ્રતિકારક શક્તિ વધારીએ તો કેન્સરથી બચી શકાય છે.

 

 

આજના મેડીકલ સાયન્સે કેન્સર સારવારમાં ઘણી સફળતાઓ મેળવી છે: ડો.બબીતા હપાણી

Dsc 6003સેમીનારના કો.ઓર્ડીનેટર અને જાણીતા લોહી અને કેન્સર રોગના નિષ્ણાત ડો.બબીતા હપાણીના જણાવ્યા અનુસાર કેન્સરની સારવારમાં વિશ્વમાં અનેક નવી શોધ થઈ છે. અમેરીકામાં હાલ બ્લડ કેન્સરની સારવાર માટે કાર-ટી સેલ થેરાપીની શોધ થઈ છે. કેન્સરમાં બધા પ્રકારની સારવાર કારગત ન નીવડે ત્યારે આ સારવાર દર્દી માટે આશાનું કિરણ સાબીત થાય છે. કાર ટી સેલ થેરાપી અમેરીકામાં પાંચેક વરસથી કરવામાં આવે છે. એફ.ડી.એ. માન્ય આ સારવારના સારા પરીણામ મળી રહ્યા છે. ભારતમાં પણ ટાટા મેમોરીયલ, મુંબઈ અને અમૃતા ઈન્સ્ટીટ્યુટ-ફરીદાબાદમાં આ થેરાપીના પ્રયોગ શરૂ કરવામાં આવ્યા છે. હાલ આ થેરાપી બહુ મોંઘી છે પણ ભારતમાં શક્ય એટલા ઓછા ખર્ચે સારવાર ઉપલબ્ધ બને એ માટે અમુક મોટી ઈન્સ્ટીટ્યુટ પ્રયાસો કરી રહી છે. આ સારવાર બ્લડ કેન્સરના દર્દીને તમામ પ્રકારની શકય સારવાર આપ્યા બાદ પણ સુધારો જોવા ન મળે એના માટે છેલ્લા પ્રયાસ તરીકે આશાનુ એકકિરણ છે. આ પધ્ધતિમાં અમેરીકામાં સારા પરીણામ મળ્યા છે.

આજના સેમીનારના મુખ્ય વકતા ડો.નિકિતા શાહ વિશે માહિતી આપતાં ડો.બબીતા હપાણીએ જણાવ્યુ હતું કે, તેમના પિતાને તબીબ બનવુ હતુ પણ સંજોગોવસાત બની શકયા નહી તેમના આ સ્વપ્નને દિકરી તબીબ બની લોકોની સેવા દ્વારા સાકાર કરી રહી છે. મૂળ અમદાવાદમાં જન્મ અને ઉજ્જવળ શૈક્ષણીક કારકીર્દિ સાથે બાળરોગ નિષ્ણાત સાથે લોહી અને કેન્સર રોગના નિષ્ણાત એવા ડો.નિકિતા શાહ હાલ અમેરીકાના ગણમાન્ય તબીબો પૈકીના એક છે. ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકાય એવા ડો.નિકિતા શાહ અમદાવાદમાં તબીબ તરીકે પ્રેકટીસ શરૂ કરી બાદમાં ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, અમેરીકામાં કેન્સર, બોર્નમેરોનો વિશેષ અભ્યાસ કરી ઘણા વરસોથી અમેરીકામાં સ્થાયી થયા છે પણ ગુજરાત અને ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ અને ફરજ ભુલ્યા નથી. તેઓ નિયમીત ભારતની મુલાકાત લઈ કેન્સરની આધુનીક સારવાર વિશે પ્રચાર પ્રસાર કરતા રહે છે. તબીબોના સેમીનારો યોજી આપણા તબીબોને વિશ્વમાં કેન્સરની સારવારમાં થતી નવી નવી પધ્ધતિ વિશે માર્ગદર્શન આપે છે.

મોડિફાઈડ શ્ર્વેતકણ દર્દીના શરીરમાં તેમની તાસીર પ્રમાણે તેની માત્રા વધતી જાય છે: ડો.નિકિતા શાહ

Dsc 5995

કાર ટી સેલ થેરાપીના નિષ્ણાત અમેરીકાના ડો.નિકિતા શાહ આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. તેઓ ખાસ તબીબો માટેના સેમીનારમાં કાર ટી સેલ થેરાપી વિશે વિસ્તૃત માહિતી આપશે. તેમણે અદ્યતન સારવાર વિશે માહિતી આપતાં જણાવ્યુ છે કે, કાર ટી સેલ થેરાપીમાં કેન્સરના દર્દીના શરીરમાંથી લોહી લઈ તેમાંથી શ્વેત કણ છૂટા પાડવામાં આવે છે અને આ શ્વેત કણને લેબોરેટરીમાં જીનેટીકલ મોડિફાઈડ કરી તેના પર ખાસ પ્રકારની દવા લગાવવામાં આવે છે. કેન્સરના દર્દીના તમામ શ્વેત કણ સારવાર દ્વારા નાબુદ કરી જીનેટીકલ મોડિફાઈડ કરેલા તેનાં જ શ્વેતકણ ફરી તેના શરીરમાં આપવામાં આવે છે. આ મોડિફાઈડ શ્વેતકણ દર્દીના શરીરમાં રહેલાં કેન્સરના કણોને નાબુદ કરવાનું કામ કરે છે. મોડિફાઈડ શ્વેત કણ દર્દીના શરીરમાં ઈન્જેકટ કર્યા બાદ તે દર્દીની તાસીર પ્રમાણે તેની માત્રા વધતી જાય છે અને લાંબા સમય સુધી આ કણો કેન્સરના કણ સામે લડી તેની નાબુદ કરવા સક્ષમ હોય છે. આમ જે તે દર્દીના જ શ્વેત કણનો ઉપયોગ તેના કેન્સરના કણને નાબુદ કરવા થાય છે. સાદી ભાષામાં કહીએ તો દર્દીના શ્વેત કણને મોડિફાઈડ કરી તેને જ દર્દીના કેન્સરના કણ સામે લડવા તૈયાર કરવામાં આવે છે. લેબોરેટરીમાં મોડિફાઈડ કરવાની પ્રોસેસ ખૂબ ખર્ચાળ છે. અમેરીકામાં પાંચેક વરસથી આ થેરાપીથી સારવાર કરવામાં આવી રહી છે. અને સારા પરીણામ મળ્યા છે. મૂળ અમદાવાદના ડો. નિકિતા શાહના પિતાને તબીબ બનવુ હતુ પણ આર્થીક કારણોસર તબીબ બની શકયા નહી અને સિવિલ એન્જીનીયર બની સરકારી વિભાગમાં વરસો સુધી સેવા આપી. પણ તેમનાં મનમાં રહેલાં તબીબ બની લોકોની સેવા કરવાના વિચાર બીજ બાળકોમાં આપોઆપ રોપાયા અને ડો. નિકિતા શાહ અને તેમના બહેન ડો. હેતન શાહ એમ બે બહેનો તબીબ બન્યા. ડો. હેતન શાહ મુંબઈમાં હૃદયરોગ નિષ્ણાત તરીકે કાર્યરત છે. ડો. નિકિતા શાહ અમદાવાદથી બાળ રોગ નિષ્ણાત તરીકે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે તેમને પ્રોફેસર દ્વારા કેન્સર હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવાની સલાહ આપવામાં આવી અને તેમના જીવનમાં વણાંક આવ્યો. કેન્સરના દર્દીઓની સારવાર કરતાં કરતાં તેમને લોહી અને કેન્સરના દર્દીની

મુશ્કેલીઓ સામે આવી એટલે તેમણે આ રોગ પર અભ્યાસ કરવાનુ નક્કી કર્યુ. તેમણે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ઈન્ટરશીપ કર્યા બાદ અમદાવાદમાં જ બાળ રોગ નિષ્ણાત તરીકે પ્રેકટીસ શરૂ કરી પણ મનમાં કેન્સરના દર્દી માટે કઈંક કરવાની ભાવના હતી એટલે તેમણે કેન્સર રોગ નિષ્ણાત બનવા માટે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડમાં વધુ અભ્યાસ કર્યો. કેન્સર નિષ્ણાત બન્યા બાદ કેનેડાના ટોરેન્ટોની બાળકોની હોસ્પિટલમાં કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી એવી બોર્નમેરોની સારવારનો ત્રણ વરસનો અનુભવ લીધો છે. બાદમાં અમેરીકા જઈ ન્યુજર્સી ખાતે કેન્સરની સારવારનો વિસ્તૃત અભ્યાસ કર્યો, ન્યુયોર્કમાં ખાસ ? ફેલોશીપ કરી અને 2016 થી અમેરીકાની ખ્યાતનામ ગેલ યુનિવર્સીટીના બાળકોના બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગના ડિરેકટર તરીકે સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.