Abtak Media Google News

પોલિશ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની ઉપસ્થિતિમાં રાજકોટ રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ

 

અબતક,રાજકોટ

પોલિશ કમિશનર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર  અમિત અરોરાની ઉપસ્થિતિમાં રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં બ્રિજ નિર્માણના પરિણામે વાહન ચાલકોને સુગમતા મળી રહે તે વિષય પર ખાસ બ્રેઈન સ્ટોર્મિંગ કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ  તેમજ મહાનગરપાલિકા દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી નિયત દિવસે શહેરમાં બનતા વિવિધ બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડી ધારકોને  દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવશે તેમજ ડાયવર્જન વિકલ્પ સાથે સર્વિસ રોડને યોગ્ય કરવા પર ખાસ ભાર મુકાયો હતો. રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યામાં કેટલાક પરિબળોમાં અનિયમિત પાર્કિંગ ખુબ મહત્વનું હોઈ મહાનગરપાલિકા દ્વારા 36 જેટલી સાઈટ પર નવી પાર્કિંગ પોલિસી સાથે પે એન્ડ પાર્કિંગની સુવિધા શરુ કરવામાં આવી રહી હોવાનું  અમિત અરોરાએ જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં પુલોના બાંધકામ તેમજ રાજકોટ અમદાવાદ સિક્સ લેન રોડ, ગોંડલ રોડ તેમજ માધાપર ચોકડી પાસે નિર્માણ પામી રહેલ ફ્લાય ઓવર બ્રિજના કારણે ટ્રાફિક નિયમન અને ડાયવરઝ્નની સમીક્ષા કરી સંબંધિત વિભાગના અધિકારીઓને ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન સાથે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી  દ્વારા નિર્મિત પુલ તેમજ રોડની કામગીરીના સ્થળે રોડ સેફટી સંબંધિત સાઈન બોર્ડ તેમજ ડાયવરઝ્નની સૂચના સંબંધી કરવામાં આવેલી કામગીરીની માહિતી અધિકારીઓએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પુરી પાડવામાં આવી હતી.રાજકોટ શહેરમાં તેમજ હાઇવે પર આકાર પામી રહેલા બ્રીઝ તેમજ ડાઇવરઝ્ન આસપાસ ટ્રાફિક સંલગ્ન ટ્રાફિક સિગ્નલ નિયમન, રોડ પર પાર્કિંગ ઝોન ડિમાર્કેશન લાઈન, વિવિધ સાઈન બોર્ડ લગાવવા સહિતના મુદ્દે યોગ્ય કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઈ હતી.

રોડ સેફટી મિટિંગમાં જે.સી.પી.  ખુર્શિદ અહેમદ, નાયબ મ્યુ. કમિશનર  એ.આર. સિંઘ, એસીપી ટ્રાફિક પોલીસ મલ્હોત્રા, રોડ સેફટી વિભાગના નિવૃત સી.ઈ.ઓ. શ્રી જે.વી. શાહ, આર.ટી.ઓ અધિકારી  પાનસુરીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, એલ એન્ડ ટી, એન.એચ.આઈ.એ. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.