Abtak Media Google News
  • અસ્વસ્થતાનું કારણ આપી અત્યાર સુધીમાં 150 જેટલા અધિકારી અને કર્મચારીઓએ ફરજ મુક્તિ માંગી, તમામનું મેડિકલ ચેકઅપ કરાશે : જો ફિટ હશે તો ફરજ પર લઈ લેવાશે, જો અનફિટ હશે તો લગત ખાતાને જાણ કરાશે

રાજકોટ જિલ્લામાં હેલ્થ ઇસ્યુનું બ્હાનું કાઢી રજા માંગનાર સરકારી અધિકારી કે કર્મચારીઓનું આવી બનશે. કારણકે જિલ્લા તંત્ર હેલ્થ ઇસ્યુનું કારણ આપી ફરજ મુક્તિની માંગ કરનાર તમામ અધિકારીઓ કે કર્મચારીઓનું પેનલ મેડિકલ કરાવશે.

Advertisement

સામાન્ય રીતે ચૂંટણી વખતે અમુક આળસુ સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ ફરજમાંથી છટકવા માટે નતનવા ગતકડાં અપનાવતા હોય છે. જેમાં સૌથી સરળ અને લોકપ્રિય એવું બહાનું હેલ્થ ઇસ્યુનું છે. ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં આવા ખોટા બહાને કોઈ સરકારી અધિકારી કે કર્મચારી જવાબદારીમાંથી છટકે નહિ તે માટે અધિક જિલ્લા કલેકટર ચેતન ગાંધી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મુછાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં નક્કી કર્યા મુજબ જે હેલ્થ ઇસ્યુનું કારણ આપી ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગે તેઓનું પેનલ મેડિકલ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અસ્વસ્થતાનું કારણ આપી અત્યાર સુધીમાં 150 જેટલા અધિકારી અને કર્મચારીઓએ ફરજ મુક્તિ માંગી છે. ડાયાબિટીસ, હાર્ટ સહિતની સમસ્યાઓના કારણો આપીકેન્દ્ર, રાજ્ય, પીએસયુ સહિતના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ અરજી આપી છે. હજુ સુધી નવી અરજીઓનો પ્રવાહ ચાલુ છે. આ અરજી કરનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાશે. જો ફિટ હશે તો ફરજ પર લઈ લેવાશે. જો અનફિટ હશે તો લગત ખાતાને જાણ કરાશે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની 64 બોર્ડ, કોર્પોરેશન અને કેન્દ્ર સરકારની મળીને 110 કચેરીના 19 હજાર સ્ટાફની ડેટા એન્ટ્રી કરવામાં આવી છે. 2252 મતદાન મથકો ઉપરાંત 11 હંગામી મતદાન મથકો માટે લોકસભા બેઠલમાં કુલ 9 હજાર કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. ઉપરાંત 10 ટકા અનામત સ્ટાફ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે. ડેટા એન્ટ્રી થઈ ગયા પછી કર્મચારીઓની યાદી લોક કરી દેવામાં આવી છે.

સાચું અને યોગ્ય કારણ હશે તેને જ ફરજ મુક્તિ મળશે : અધિક કલેકટર

અધિક કલેકટર ચેતન ગાંધીએ જણાવ્યું કે ચૂંટણીએ લોકશાહીનો તહેવાર છે. દરેક સરકારી કર્મચારીએ ચૂંટણી ફરજ સાથે બંધાયેલ છે. ત્યારે જો કોઈ સાચું અને યોગ્ય કારણ હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓને ફરજ મુક્તિ આપવામાં આવશે. પણ ખોટા બ્હાના બનાવતા હશે તેવા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે.

ચૂંટણી પંચે 213 આઈટમોના ભાવ નક્કી કર્યા, જિલ્લા તંત્ર દ્વારા રાજકીય પક્ષોને અપાઇ માહિતી

કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં થતા ખર્ચના ભાવ નક્કી કર્યા છે. આ મામલે જિલ્લા ચૂંટણી તંત્રએ રાજકિય પક્ષો સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું છે. ચૂંટણી ખર્ચમાં 213 જેટલી આઇટમોના ભાવ નક્કી થયા છે. જેમાં ચાના કપના રૂ.10, દૂધ રૂ. 20, મોટો હાર એટલે કે ગજમાલાના રૂ.1000, નાના હારના રૂ.15, ડીજેના રૂ.10,000, જમવાના રૂ.90, સાયકલના ભાડાના રૂ.100 ગણવામાં આવ્યા છે.

પ્રચાર ખર્ચમાં માણસોની ગણતરી માટે એઆઈનો પણ ઉપયોગ થશે

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચની ગણતરી માટે એઆઈનો ઉપયોગ કરવાની પણ તૈયારી દેખાડી છે. મળતી માહિતી અનુસાર પ્રચાર વેળાએ જમવા સહિતના ખર્ચને ઓછો દેખાડવા માટે માણસોની ગણતરી ઓછી દર્શાવાતી હોય છે.  ત્યારે માણસો ઓછા દેખાડે તેવા કેસમાં એઆઈની મદદ લેવાશે. આ ઉપરાંત સોશિયમ મીડિયાનો ખોટો દૂરઉપયોગ કરશે તેની સામે કાર્યવાહી પણ થશે.

હેલ્થ ઇસ્યુના ખોટા સર્ટિફિકેટ આપનાર તબીબ ઉપર પણ પગલાં લેવાય તેવી શકયતા

જો કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારીએ હેલ્થ ઇસ્યુના ખોટા સર્ટિફિકેટ જમા કરાવીને ચૂંટણી ફરજમાંથી મુક્તિ માંગી હશે. બાદમાં પેનલ મેડીકલમાં તે ફિટ હોવાનું જાણવા મળશે. તો તે સરકારી અધિકારી કે કર્મચારી ઉપર તો પગલાં લેવાશસ. સાથોસાથ ખોટું હેલ્થ ઇસ્યુનું સર્ટિફિકેટ આપનાર તબીબ સામે પણ પગલાં લેવાશે તેવી શકયતા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.