Abtak Media Google News
  • હોસ્પિટલ ચોક બ્રિજમાં કોન્ટ્રાક્ટરને પ્રાઇઝ એસ્કેલેશનની રકમ ચૂકવવા, પે એન્ડ પાર્કિંગના ટેન્ડર ફાઇનલ કરવા, ગુરૂજીનગર આવાસ યોજનામાં ટ્રાન્સફર ફી વસૂલી આવાસ દસ્તાવેજો કરી આપવા અને આજીરિવર પ્રોજેક્ટ માટે ક્ધસલ્ટન્ટને ફી ચૂકવવા સહિતની દરખાસ્તોને અપાશે મંજૂરી

આવતા સપ્તાહે ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જશે. જેના કારણે વિકાસ કાર્યોનું લોકાર્પણ કે ખાતમુહુર્ત થઇ શકશે નહિં. આચાર સંહિતામાં રાજકોટનો વિકાસ અવિરત ચાલુ રહે તે માટે ટેન્ડર લેવલે પહોંચેલા કામો શરૂ કરી દેવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે કોર્પોરેશનમાં સંભવત: આચાર સંહિતા પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠક મળશે. જેમાં 87 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

શહેરના સિવિલ હોસ્પિટલ ચોકમાં થ્રીઆર્મ ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરાયાના દોઢ વર્ષ બાદ કોન્ટ્રાક્ટરની પ્રાઇઝ એસ્કેલેશનની રૂ.1.77 કરોડની વધારાની રકમ ચૂકવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નં.4માં ગ્રીનલેન્ડ ચોકડીથી બેડીચોકડી સુધી ડામર કામ, વોર્ડ નં.1માં એસઆરપી કેમ્પસથી ગ્રીનલીફ સુધીના વિસ્તારમાં નવું ડ્રેનેજ નેટવર્ક ઉભું કરવા, વોર્ડ નં.8માં મોદી સ્કૂલથી રૈયા રોડ સુધી ફૂટપાથ બનાવવા, વોર્ડ નં.5માં નવું અર્બન હેલ્થ સેન્ટર બનાવવા, અલગ-અલગ વિસ્તારોમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપવા, ગુરૂજી નગર આવાસ યોજનાના મૂળ લાભાર્થીઓ દ્વારા દસ્તાવેજ પહેલા વેંચાણ કરાયેલા આવાસમાં ટ્રાન્સફર વસૂલી દસ્તાવેજ કરી આપવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે.

કાલે જનરલ બોર્ડ: વિપક્ષનું પાણી મપાશે

પ્રશ્નોત્તરી કાળમાં ભાનુબેન સોરાણીના પ્રશ્નની થશે પ્રથમ ચર્ચા

કોર્પોરેશનમાં આવતીકાલે જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં વિપક્ષનું પાણી મપાય જશે. કારણ કે બોર્ડના એક કલાકની પ્રશ્ર્નોત્તરી કાળમાં સૌપ્રથમ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીના પ્રશ્ર્નોની ચર્ચા થશે.

તેઓએ પાણી, રોગચાળા સહિતના પ્રશ્ર્નો મૂક્યા છે. વિપક્ષી નેતા એક કલાક સુધી પાણી અને રોગચાળાના પ્રશ્ર્ને શાસકો અને અધિકારીઓને ઘેરી શકશે કે પછી અધવચ્ચે જ હાંફી જશે. તેના પર પણ સૌની નજર રહેશે. આચાર સંહિતા પહેલાનું આ અંતિમ બોર્ડ માનવામાં આવી રહ્યું છે. જનરલ બોર્ડમાં અલગ-અલગ આઠ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.