Abtak Media Google News

‘કબુતર બાજ’ ભારતની અમદાવાદની બે ઓફિસમાંથી 94 પાસપોર્ટ અને યુરોપના દેશોના સેન્ઝેન વિઝાના દસ્તાવેજ મળ્યા

અમેરિકા-કેનેડા બોર્ડર પર એક વર્ષ પહેલાં ઠંડીમાં થીજી જવાના કારણે ગાંધીનગરના ડીંગુચા ગામના પટેલ પરિવારને ભરતે પાસપોર્ટ બનાવ્યાની શંકા

બોગસ પાસપોર્ટ, કબુતર બાજી અને માનવ તસ્કરીના અનેક ગુનામાં સંડોવાયેલા અમદાવાદના ભરત ઉર્ફે બોબીની સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે ગાંધીનગરથી ધરપકડ કરી તેની અમદાવાદ ખાતેની બે ઓફિસમાંથી 94 પાસપોર્ટ અને યુરોપના દેશના સેન્ઝેન વિઝા સહિતનું સાહિત્ય મળી આવ્યું છે.

Advertisement

ગત જાન્યુઆરી માસમાં ગાંધીનગરના ડીંગુચા ગામના જગદીશ પટેલ તેમની પત્ની વૈશાલી પટેલ અને તેમના બે બાળકોના અમેરિકા-કેનેડા બોર્ડર પર ઠંડીમાં થીજી જવાના કારણે મોત થયા હતા. તેઓને ભરત ઉર્ફે બોબીએ વિદેશમાં ઘુસણખોરી માટે બોગસ પાસપોર્ટ બનાવી આપ્યાની શંકા સાથે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલે આ કૌભાંડ સહિત ગુજરાતમાંથી અનેક લોકોને બોગસ પાસપોર્ટ થકી અમેરિકા-તુર્કી-મેક્સિકો-યુરોપ સહિતના દેશોમાં મોકલી દેનારા ‘કબૂતરબાજ’ ભરત ઉર્ફે બોબી પટેલને પકડી પાડી મોટા રેકેટનો ભાંડાફોડ કર્યો છે.

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા, સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરી, સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરિયા સહિતના અધિકારીઓ-સ્ટાફની ટીમે ગુજરાતમાં વિવિધ ગુના આચરી નાસતાં ફરતાં મોસ્ટ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ હાથ ધરી હોય તે ઝુંબેશ અંતર્ગત ટીમને બાતમી મળી હતી કે અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ મથકમાં જુગાર સહિતના કેસોમાં સંડોવાયેલો અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ (રહે.બંગલો નં.85, સુપરસિટી ગ્લોરી, ભાડજ સર્કલ-અમદાવાદ) ગાંધીનગર આવ્યો છે. બાતમી મળતાં જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ત્રાટકીને ભરતને ગાંધીનગર ખાતેધી પકડી લીધો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના જણાવ્યા પ્રમાણે ભરત પટેલ વિરુદ્ધ 2022માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સીઆઈડી ક્રાઈમ-ગાંધીનગરમાં બોગસ પાસપોર્ટ બનાવવા અંગેના ગુનાઓ નોંધાયેલા છે, જેમાં તે નાસતો ફરતો હતો. ભરત ઉર્ફે બોબી પટેલ સામે કોલકત્તા, મુંબઈ અને દિલ્હીમાં પણ કબૂતરબાજીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. ભરત ઉર્ફે બોબી મુખ્યત્વે લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવી રહ્યો હતો.

ધરપકડ બાદ ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલની સઘન પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે તે ખોટા પાસપોર્ટ-વિઝા માટે બનાવટી દસ્તાવેજો બનાવી કબૂતરબાજીનું કામ કરતો હતો જેથી પોલીસે તેની ચાંદલોડીયા તેમજ ગુજરાત વિદ્યાપીઠ પાછળ આવેલી ઑફિસની તલાશી લેતાં ત્યાંથી 94 જેટલા પાસપોર્ટ, બે લેપટોપ તેમજ યુરોપીય દેશોના સેન્ઝેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો મળી આવતાં તેનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલી મોટાપાયે ‘કબૂતરબાજી’ કરતાં ભરત ઉર્ફે બોબી પટેલ ઘણા સમય પહેલાં અમેરિકામાં ઘૂસણખોરી કરતો પકડાઈ જતાં અમેરિકાની કોર્ટે તેને ડિપોર્ટ કરવાનો આદેશ આપી અમેરિકામાં તેના ઘૂસવા ઉપર 99 વર્ષનો પ્રતિબંધ મુકી દીધો હતો. આ પછી 2002માં ભરત પટેલે વધુ એક પાસપોર્ટ કઢાવ્યો હતો કારણ કે તેને ડર હતો કે એકના એક પાસપોર્ટથી ટ્રાવેલ કરવામાં જોખમ સર્જાઈ શકે છે. આ પછી તે પોતાના નામ, અટક, જન્મતારીખ તેમજ સરનામામાં ફેરફાર કરાવીને એક પછી એક પાસપોર્ટ કઢાવતો ગયો હતો.

પોલીસ તપાસમાં એ વાતનો પણ ભાંડાફોડ થયો છે કે ભરત ઉર્ફે બોબી પટેલે તેની પત્ની, બે બાળકો અને માતા-પિતાને અમેરિકામાં જ સેટલ કરી દીધા છે અને હાલ આ તમામ અમેરિકી નાગરિક બનીને રહે છે. ભરતની સાથે આ રેકેટ ચલાવવામાં યોગેશ સથવારા, ભૃગેશ પટેલ અને રાજેશ પટેલ પણ સંડોવાયેલા હોવાની સંભાવના સેવાઈ રહી હોવાથી તેમની ધરપકડ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે.

અમેરિકામાં એકવાર પકડાઈ ગયા બાદ પણ ભરત ઉર્ફે બોબી પટેલ સુધરી રહ્યો નહોતો. 2004માં તેણે મુંબઈથી કમલ શાહના નામે પાસપોર્ટ કઢાવ્યો હતો જેમાં તેણે જન્મ તારીખ બદલાવી નાખી હતી. આ ઉપરાંત તેણે અમદાવાદ અને મુંબઈની પાસપોર્ટ ઑફિસમાંથી સાત જેટલા પાસપોર્ટ કઢાવ્યાની આશંકા સેવાઈ રહી છે. એકંદરે ભરત પટેલ પાસે અત્યારે કુલ 21 જેટલા પાસપોર્ટ હોવાનું ખુલતાં તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.